રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉમરગામ તાલુકાના ધોડીપાડા સાંસ્કૃતિક ભવન ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ઉપસ્થિત રહી પ્રાકૃતિક કૃષિને વ્યાપક બનાવવા માર્ગદર્શન આપ્યું હતું.
રાજ્યપાલશ્રીએ પરિસંવાદમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણના વિવિધ સ્ટોલની મુલાકાત લઇ, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો નિહાળી ખેડૂતો સાથે સહજ સંવાદ કર્યો હતો.
પરિસંવાદમાં રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને, રાસાયણિક ખેતી કરતા ખેડૂતોને સમજાવવા આહવાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં થઈ રહેલી રાસાયણિક ખેતી એ માત્ર વ્યવસાય નથી રહ્યો, પરંતુ એક મોટો ગુનો અને પાપ બની ગયો છે. આપણા પૂર્વજોએ વારસામાં ફળદ્રુપ જમીન આપી હતી, પરંતુ આપણે રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોનો આડેધડ ઉપયોગ કરીને ધરતીને પથ્થર જેવી બંજર બિન ઉપજાવ બનાવી દીધી છે.
રાજ્યપાલશ્રીએ એક સંશોધનનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, તાજેતરમાં ૧૦૫ માતાઓના દૂધના પરીક્ષણમાં ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. તમામ માતાઓના દૂધમાં યૂરિયા અને જંતુનાશકોના અંશ જોવા મળ્યા છે. આ ઝેર ખેતરોમાં આપણે નાખેલા રાસાયણિક ખાતરોને કારણે અનાજ અને ફળો દ્વારા માનવ શરીરમાં પ્રવેશી રહ્યું છે, જેના કારણે ૧૦ વર્ષના બાળકો પણ કેન્સર અને ડાયાબિટીસ જેવી જીવલેણ બીમારીઓનો શિકાર બની રહ્યા છે.
પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘટવાની ભ્રાંતિ દૂર થવી જરૂરી છે એમ જણાવી રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, ધરતી અને ગાયનું જતન એ જ સાચો ધર્મ છે. ખેડૂતો પોતાના ગામના અન્ય ખેડૂતોને પણ આ અભિયાનમાં જોડે. તેમણે ઉમેર્યું કે, ગાય આધારિત પ્રાકૃતિક ખેતી એ ધરતીના જળસ્તર સુધારવા, પશુ-પક્ષીઓને બચાવવા અને આવનારી પેઢીને સ્વસ્થ જીવન આપવાનો એકમાત્ર માર્ગ છે.
આ પરિસંવાદમાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ અને રાજ્ય સરકારના સહયોગથી છેલ્લા લગભગ છ વર્ષથી ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ એક મિશન બની ચૂક્યું છે. જેના થકી આપણે આપણી આવનારી પેઢીને બચાવી શકીશું. દેશમાં ૪૦ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે. અને ગુજરાતમાં સાડા આઠ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં જોડાયા છે. વલસાડ જિલ્લામાં ૨૪૦૦૦ હજાર ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે. રાજ્યપાલશ્રીએ વધુ પાંચ હજાર ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં જોડવા પ્રશાસનને આહવાન કર્યું હતું.
આજના સમયમાં વધુ ઉત્પાદનની લ્હાયમાં યુરીયા, ડીએપી તથા જતુંનાશકોનો બેફામ ઉપયોગ કરાઇ રહ્યો છે. જેના કારણે જીવલેણ બિમારી વધી રહી છે. ટુંકા સમયના ફાયદા માટે આપણે પર્યાવરણ અને માનવજાતને નુકશાન પહોંચાડી અપરાધ કરી રહ્યા છીએ. આ રાસાયણિક ખેતીથી ધરતી પથ્થરસમાન બની થઇ છે, હવામાં ઝેરી તત્વો ભળવા સાથે ભુર્ગભ જળ પણ દૂષિત બન્યા છે. આમ, સમગ્ર પર્યાવરણ અને માનવજાત સામે મોટું સંકટ ઉભું થયું છે. ત્યારે ધરતીપુત્રોએ ખરાઅર્થમાં જીવનદાતા બનવા કમર કસવી જોઇએ. સમગ્ર સમાજ અને પોતાના પરિવારના કલ્યાણ માટે પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઇએ.
રાસાયણિક ખેતી થકી આજે દેશનું ધન વિદેશમાં ચાલ્યું જતું હોવાનું જણાવી રાજ્યપાલશ્રીએ વડાપ્રધાનશ્રીના રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનમાં સહભાગી બનવા હાંકલ કરી હતી. દેશી ગાયના મહત્વ પર ભાર મૂકતા રાજ્યપાલશ્રીએ ગાયને ખેતી માટે વરદાનરૂપ ગણાવી હતી. તેના ગોબર અને ગૌમુત્ર પ્રાકૃતિક ખેતી વરદાનરૂપ હોવાનું જણાવ્યું હતું.
રાજ્યપાલશ્રીએ જિલ્લાની કૃષિ સખીઓ અને માસ્ટર ટ્રેનરને વલસાડ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અભિયાનને વધુ વેગવંતુ બનાવવા આહવાન કર્યું હતું.
રાજ્યપાલશ્રીના પ્રાકૃતિક કૃષિના સંકલ્પને સાચા અર્થમાં સાકાર કરવા જિલ્લા વહીવટીતંત્ર સક્રિય બન્યું છે. જિલ્લામાં વધુમાં વધુ ધરતીપુત્રો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને ઝીરો-બજેટ ખેતી અપનાવે તે માટે પ્રશાસન દ્વારા ‘મિશન મોડ’ પર આયોજન હાથ ધરી જિલ્લાના તમામ તાલુકાઓમાં સુવ્યવસ્થિત આયોજન કરી, ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે ગામેગામ તાલીમ આપવા ખેતીવાડી વિભાગને અનુરોધ કર્યો હતો.
આ તકે નાણાં અને શહેરી વિકાસ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી ધરતીમાતાને બચાવવાનું મહાન કાર્ય છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પણ પ્રાકૃતિક ખેતીને અપનાવવા અભિયાન ચલાવી રહ્યા છે. રાસાયણિક ખેતીના કારણે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે. પ્રાકૃતિક ખેતીમાં નહિવત ખર્ચ થાય છે. રાજ્ય સરકાર પણ પ્રાકૃતિક ખેતી માટે સહાય આપે છે. તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો.
ઉમરગામના ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકરે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખેડૂતો પ્રાકૃતિક કરે તે માટે અભિયાન ચલાવી રહ્યા છે. આપણે સૌ પ્રાકૃતિક ખેતી અપનાવી આ અભિયાનમાં ભાગીદાર બનીએ.
પરિસંવાદમાં પ્રગતિશીલ ખેડૂતો કમલેશભાઈ પટેલ તથા અમિતભાઈ મકરાણીએ ઉપસ્થિત ખેડૂતો સમક્ષ સફળ પ્રાકૃતિક ખેતી અંગે પોતાના અનુભવો વર્ણવ્યા હતા.
આ પરિસંવાદમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન પટેલ, જિલ્લા કલેક્ટર શ્રી નીતિન સાંગવાન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અતિરાગ ચપલોત, ઉમરગામ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સંતોષ દળવી, ધોડીપાડાના સરપંચ શ્રીમતી મીનાબેન પાટકર સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments