વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આજે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (SIR) ખાતે આકાર લઈ રહેલા દેશના પ્રતિષ્ઠિત ‘ટાટા ઇલેક્ટ્રોનિક્સ સેમીકન્ડક્ટર પ્લાન્ટ’ની વિશેષ મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન તેમણે પ્લાન્ટ સાઇટ પર જઈને ચાલી રહેલા બાંધકામ અને ટેકનિકલ માળખાની પ્રગતિનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. તેમણે અત્યાર સુધી થયેલી ચાલુ કામગીરીને ઝીણવટભરી રીતે નિહાળી હતી અને આગામી સમયમાં આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ક્યારે કાર્યરત થશે તેની વિગતવાર સમીક્ષા કરી હતી.
આ મુલાકાત દરમિયાન શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ટાટા ઇલેક્ટ્રોનિક્સ સેમીકન્ડક્ટર પ્લાન્ટની મેનેજમેન્ટ ટીમ અને એન્જિનિયર્સ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.
તેમણે જણાવ્યું હતું કે ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સ દ્વારા સ્થાપવામાં આવી રહેલો આ સેમીકન્ડક્ટર પ્લાન્ટ ભારતમાં ડિજિટલ તેમજ ઇલેક્ટ્રોનિક્સ ક્રાંતિને નવી દિશા આપશે. આ સાથે જ તેમણે આ પ્લાન્ટના માધ્યમથી સ્થાનિક સ્તરે રોજગારીની વ્યાપક તકો ઊભી કરવા અને આસપાસના વિસ્તારના આર્થિક વિકાસને ગતિ આપવા અંગે પણ હકારાત્મક ચર્ચા કરી હતી.
ટાટા ઇલેક્ટ્રોનિક્સની ઉચ્ચ સ્તરીય ટીમે શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની આ મુલાકાતને આવકારી હતી, અને દેશ તેમજ રાજ્યના ઔદ્યોગિક નકશા પર અત્યંત મહત્વપૂર્ણ એવા આ પ્રોજેક્ટને નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ કરવા માટેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ મુલાકાત દરમિયાન સ્થાનિક ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભી, ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રા.લિ. કંપનીના સીઇઓ અને એમડી ડૉ. રણધીર ઠાકુર, ટાટા ઇલેક્ટ્રોનિક્સ સેમીકન્ડક્ટર પ્લાન્ટની મેનેજમેન્ટ ટીમ અને એન્જિનિયર્સ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, તાલુકા પક્ષ પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત સભ્યશ્રી, સ્થાનિક સરપંચ તેમજ અન્ય તાલુકા પંચાયતના સભ્યો અગ્રણીઓ તથા અધિકારીશ્રીઓ જોડાયા હતા.
















Recent Comments