મહીસાગર જિલ્લાની કોયડમ ખાતે આવેલી ધનવંતરી આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલમાં અભ્યાસ કરતા કુલ ૧૮૮ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ ન બગડે અને તેમનું ભણતર તથા ઇન્ટર્નશીપ નિયમિત રીતે ચાલુ રહી શકે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ આ તમામ વિદ્યાર્થીઓને અન્ય માન્યતા પ્રાપ્ત સ્વનિર્ભર -સેલ્ફ-ફાઇનાન્સ આયુર્વેદ કોલેજોમાં ટ્રાન્સફર કરવાની મંજૂરી આપવા અંગેની દરખાસ્ત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂ કરવામાં આવી છે.
આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, કોલેજના વિદ્યાર્થીઓની વિવિધ ફરિયાદો અને રજૂઆતો બાદ, રાજ્ય સરકાર દ્વારા અને વિભાગના નિર્દેશ અનુસાર ત્રણ નિરીક્ષકોની એક સમિતિની રચના કરી તપાસ સોંપવામાં આવી હતી. આ કોલેજ સપ્ટેમ્બર-૨૦૨૫થી સંપૂર્ણપણે બંધ હાલતમાં હોવાથી, સમિતિએ વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં તેમને અન્ય કોલેજોમાં ટ્રાન્સફર કરવાની સ્પષ્ટ ભલામણ કરવામાં આવી છે.
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે રાજ્ય સરકારની સક્રિય રજૂઆત અને દરખાસ્તને પગલે, ભારતીય ચિકિત્સા પદ્ધતિ રાષ્ટ્રીય આયોગ (NCISM) તેમજ ભારત સરકારના આયુષ મંત્રાલય, નવી દિલ્હી દ્વારા આ ૧૮૮ વિદ્યાર્થીઓનો અભ્યાસ પૂર્ણ થાય ત્યાં સુધી અલગ-અલગ સ્વનિર્ભર (સેલ્ફ-ફાઇનાન્સ) કોલેજોમાં ‘સુપરન્યુમરી’ બેઠકો મંજૂર કરવામાં આવી છે.
મંત્રી શ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ,આ સમગ્ર ટ્રાન્સફર પ્રક્રિયા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગર દ્વારા નિયામકશ્રી આયુષની કચેરી અને એડમિશન કમિટી પ્રોફેશનલ મેડિકલ એજ્યુકેશન કોર્ષ (ACPMEC) ના પરામર્શમાં કડક નિયમો તેમજ ધોરણોને આધીન રહીને કરવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓને સંબંધિત વર્ષના મેરિટ અથવા ઓલ ઇન્ડિયા ‘નીટ’ (NEET) રેન્કના ધોરણે જ બેઠકોની ફાળવણી કરાશે. ટ્રાન્સફર પામેલા વિદ્યાર્થીઓએ નવી સંસ્થા ખાતે પણ મુળ ધનવંતરી આયુર્વેદ કોલેજની નિયત ફી જ ભરવાની રહેશે અને નવી સંસ્થાએ પણ એ જ ફીના ધોરણો મુજબ વિદ્યાર્થીઓનો અભ્યાસ પૂરો કરાવવાનો રહેશે. આ માટે પ્રત્યેક વિદ્યાર્થી અને સંબંધિત નવી સંસ્થા પાસેથી નિયમાનુસાર પરસ્પર સંમતિ અંગેની સત્તાવાર બાંહેધરી મેળવવાની રહેશે. કોલેજ લાંબા સમયથી બંધ હોવાને કારણે વિદ્યાર્થીઓની હાજરીની ક્ષતિ (Shortage of Attendance) તેમજ ચોથા વર્ષના પાસ વિદ્યાર્થીઓની ઇન્ટર્નશિપ અંગેના નિર્ણયો ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગર દ્વારા લેવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓની કારકિર્દીને કોઈ નુકસાન ન થાય.
આ ઉપરાંત, નિયમોના ઉલ્લંઘન બદલ ધનવંતરી આયુર્વેદ કોલેજનું એફિલેશન રદ કરવાની વહીવટી કાર્યવાહી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા ‘ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી એક્ટ-૨૦૨૧’ અને ‘રેગ્યુલેશન્સ-૨૦૨૪’ના કાયદાકીય દાયરામાં રહીને પૂર્ણ કરવાની જવાબદારી આરોગ્ય વિભાગની રહેશે. કોઈપણ સંજોગોમાં ડિબાર્ડ થયેલા કે જેમનો પ્રવેશ રદ થવા પાત્ર હોય તેવા વિદ્યાર્થીઓની તબદીલી -ટ્રાન્સફર ન થાય, તેની પણ ખાસ ચોકસાઈ રાખવા મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું.
















Recent Comments