ગુજરાત

કેન્દ્રીય મંત્રી ભૂપેંદર યાદવે ગાંધીનગર ખાતે ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર’ની મુલાકાત લીધી

કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી શ્રી ભૂપેંદર યાદવે આજે ગાંધીનગર સ્થિત “વિદ્યા સમીક્ષા કેન્દ્ર – ઈન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ફોર સ્કૂલ્સ”ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે વિદ્યા સમીક્ષા કેન્દ્રની અત્યાધુનિક વીડિયો વોલના માધ્યમથી સમગ્ર કાર્યપદ્ધતિનું જીવંત નિરીક્ષણ કર્યું હતું અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સર્વગ્રાહી ચર્ચા કરી હતી.

શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી મિલિંદ તોરવણેએ કેન્દ્રીય મંત્રીશ્રીને આ કેન્દ્રની અત્યાધુનિક ટેકનોલોજી અને રીઅલ-ટાઇમ ડેટા મોનિટરિંગ સિસ્ટમ વિશે વિગતવાર માહિતી પૂરી પાડી હતી.

મુલાકાત બાદ પોતાના પ્રતિભાવમાં કેન્દ્રીય મંત્રી શ્રી યાદવે જણાવ્યું હતું કે, શિક્ષણ માત્ર અક્ષરજ્ઞાન પૂરતું મર્યાદિત ન રહેતા, આવનારા ભારતના ગુણાત્મક વિકાસનો વિષય બને તેવો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સ્પષ્ટ અભિગમ છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર એ શિક્ષણમાં ગુણાત્મક સુધારા લાવવા માટેનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

મંત્રીશ્રીએ વિદ્યા સમીક્ષા કેન્દ્રના મોનિટરિંગ ડેશબોર્ડની પ્રશંસા કરતા જણાવ્યું કે, આ મોડેલ સમગ્ર દેશ માટે પ્રેરણાદાયી છે અને ભારતના અન્ય રાજ્યો પણ હવે આ સફળ પદ્ધતિ અપનાવી રહ્યા છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર આગામી સમયમાં ભારતના આધુનિક શિક્ષણના મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી આવશે, તેવો તેમણે દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

કેન્દ્રીય મંત્રી શ્રી યાદવે ઉમેર્યું કે, આ મુલાકાત તેમના માટે પણ ડેટા મેનેજમેન્ટ ક્ષેત્રે નવું જાણવા અને શીખવા માટેની એક મોટી તક હતી. ડેટાના સચોટ વિશ્લેષણ દ્વારા ‘વિદ્યાર્થીઓ શાળા કેમ છોડી રહ્યા છે?” તેના ચોક્કસ કારણો જાણીને તેને દૂર કરવા માટે જરૂરી નીતિ વિષયક નિર્ણયો લેવામાં આ કેન્દ્ર અત્યંત મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.

આ મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રીશ્રીએ અટલ ટિંકરિંગ લેબ, STEM અને ગુણવત્તાયુક્ત લાઈબ્રેરી જેવા પ્રગતિશીલ વિષયો પર શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે હકારાત્મક પરામર્શ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા સરકારી શાળાઓના વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી અને શિક્ષકો દ્વારા આપવામાં આવતા શિક્ષણની ગુણવત્તાનું અસરકારક રીતે મોનિટરિંગ કરવામાં આવે છે. પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓના વાંચન, સ્પષ્ટ ઉચ્ચારણ અને નવા વિષયોના જ્ઞાનમાં કેવી રીતે વૃદ્ધિ થાય છે, તેનું મૂલ્યાંકન અહીં સંપૂર્ણ વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ ઢબે કરવામાં આવે છે.

આ મુલાકાત વેળાએ રાજ્યસભાના સાંસદ શ્રી રાજેશભાઈ શુક્લા, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, અગ્રણી શ્રી આશિષભાઈ દવે સહિતના મહાનુભાવો તેમજ શિક્ષણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts