સાવરકુંડલાની કે.કે. મહેતા સરકારી હોસ્પિટલ ખાતે એક મહિલામાં નોન-રપ્ચર્ડ ટ્યુબલ એક્ટોપિક પ્રેગ્નન્સી તેમજ હેમોરેજિક સિસ્ટનું સમયસર નિદાન થતાં ગંભીર જટિલતાઓને ટાળી સફળ સારવાર કરવામાં આવી હતી.
દર્દીની રેડિયોલોજીકલ તપાસમાં ડૉ. હિમાંશુ મુલાણી (રેડિયોલોજિસ્ટ) દ્વારા વહેલા તબક્કે ચોક્કસ નિદાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ડૉ. રિયા રુંઘાણી (ગાયનેકોલોજિસ્ટ), ડૉ. હસમુખ કાપડિયા (એનેસ્થેટિસ્ટ) તેમજ ઓ. ટી. સ્ટાફ દ્વારા સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું, સમગ્ર સારવાર કે.કે. મહેતા સરકારી હોસ્પિટલ, સાવરકુંડલા ખાતે સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવી હતી.
તબીબોના જણાવ્યા અનુસાર, એક્ટોપિક પ્રેગ્નન્સીનું વહેલું નિદાન દર્દીનો જીવ બચાવવામાં અત્યંત મહત્વપૂર્ણ છે. જો સમયસર નિદાન ન થાય તો ગર્ભનળી (Fallopian Tube) ફાટી જવાની (Rupture) શક્યતા રહે છે, જેના કારણે પેટમાં ભારે આંતરિક રક્તસ્રાવ, હેમોરેજિક શોક, ગંભીર સ્થિતિ અને ક્યારેક જીવલેણ પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે. ઉપરાંત ભવિષ્યમાં પ્રજનન ક્ષમતા પર પણ પ્રતિકૂળ અસર પડી શકે છે.
આ કેસમાં સમયસર અને સચોટ નિદાન થવાને કારણે કોઈ ગંભીર જટિલતા સર્જાઈ નહોતી અને દર્દીની સફળતાપૂર્વક સારવાર શક્ય બની હતી. આ ઘટના સરકારી હોસ્પિટલોમાં ઉપલબ્ધ આધુનિક નિદાન સુવિધાઓ અને નિષ્ણાત તબીબોની સમયસર કામગીરીનું ઉત્તમ ઉદાહરણ છે.

















Recent Comments