જાંબાઝ પી.આઈ. એસ. એન. મહેતાની અનોખી કહાની. કાયદો અને વ્યવસ્થાનો એવો સુવર્ણકાળ, જ્યાં પરપ્રાંતના લોકો પણ સાવરકુંડલામાં અનુભવતા હતા ‘વિદેશ’ જેવી શિસ્ત
———————————————————-
વાત ભલે લગભગ વીસ વર્ષ જૂની એટલે કે વર્ષ ૨૦૦૬-૦૭ ના ગાળાની હોય, પરંતુ સાવરકુંડલા શહેરના પોલીસ પ્રશાસનમાં કાયદો અને વ્યવસ્થાનો સખત આયામ પ્રસ્થાપિત કરનાર તત્કાલીન પી.આઈ. સુરેશ એન. મહેતા (એસ. એન. મહેતા) નું નામ આજે પણ સ્થાનિક લોકો અત્યંત ગૌરવ અને આદર સાથે લે છે. આજે ભલે તેઓ આ ફાની દુનિયામાં હયાત નથી, પરંતુ તેમણે સાવરકુંડલાને આપેલી સુરક્ષા અને શિસ્તની ભેટ આજે પણ લોકમુખે ચર્ચાય છે. ઓછા મહેકમ અને મર્યાદિત સંસાધનો વચ્ચે પણ એક જાંબાઝ અધિકારી સમગ્ર શહેરની સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત કરી શકે, તેનું તેઓ ઉત્કૃષ્ટ ઉદાહરણ હતા.
મહેતા સાહેબના શાસનમાં ટ્રાફિક વ્યવસ્થા એટલી ચુસ્ત હતી કે શહેરમાં વાહન ક્યાં પાર્ક કરવું, ક્રોસિંગ પર કેવી રીતે વળાંક લેવો અને ફરજિયાત તમામ ડોક્યુમેન્ટ્સ સાથે રાખવા તે નાગરિકોની આદત બની ગઈ હતી. ફૂટપાથ પર વેપારીઓનું દબાણ કે રસ્તા વચ્ચે બે મિનિટ પણ નડતરરૂપ વાહન ઊભું રાખનાર સામે તેઓ ખુદ સ્થળ પર એક્શન લેતા.
એક કિસ્સો આજે પણ લોકો યાદ કરે છે જ્યારે તત્કાલીન સત્તાધારી અને રુઆબદાર હસ્તીના પત્નીએ પોતાની ગાડી રસ્તામાં નડતરરૂપ થાય તેમ ઊભી રાખી હતી. મહેતા સાહેબે કોઈપણ શેહશરમ રાખ્યા વગર કાયદાનું ભાન કરાવી તુરંત જ ગાડી હટાવવા તાકીદ કરી જરૂરી કાર્યવાહી કરી હતી. ખાનગી વાહનોમાં ઘેટાં-બકરાની જેમ મુસાફરો ભરતા વાહનચાલકો પર તેમની કડક નજર રહેતી. તેમણે ચલાલા, ધારી, મહુવા અને જેસર જેવા રૂટો પર ગેરકાયદેસર ખાનગી વાહનો સદંતર બંધ કરાવી દીધા હતા અને પેસેન્જરોની સુવિધા માટે એસ.ટી. ડેપોમાં ફોન કરી એક્સ્ટ્રા બસો દોડાવતા.
ગ્રાહક સુરક્ષા મંડળની રજૂઆતને ધ્યાને લઈને તેમણે એસ.ટી. બસોને રિદ્ધિ મંદિરને બદલે પુનઃ જૂના બસ-સ્ટોપ ખાતે આવતી-જતી કરાવી હતી. આ ઉપરાંત, નદીની મધ્યમાં કુમાર શાળા પાસેથી ઓપરેટ થતી સુરત, અમદાવાદ અને રાજકોટની ખાનગી લક્ઝરી બસોના સ્ટોપને ત્યાંથી ખસેડી અમરેલી રોડ પર ખાતરવાડી પાસે શિફ્ટ કરાવ્યા હતા, જેનાથી શહેરની ટ્રાફિક સમસ્યા હલ થઈ હતી.
રાત્રે બે કે ત્રણ વાગ્યે ખુદ પી.આઈ. મહેતા શહેરમાં પેટ્રોલીંગ કરતા જોવા મળતા. જરા પણ શંકાસ્પદ હિલચાલ દેખાય એટલે સામી છાતીએ પડકાર ફેંકતા. તેમના ડરથી ગેરકાયદે પ્રવૃત્તિ કરનારાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. જે લોકો જાહેર સ્થળોએ બિનજરૂરી ટોળ-ટપ્પા કે પંચાત કરતા જોવા મળતા, તેમને મહેતા સાહેબ પોલીસ ગાડીમાં બેસાડી શહેરથી બે-ચાર કિલોમીટર દૂર રોડ પર ઉતારી મૂકતા, જેથી ભવિષ્યમાં તેઓ સમય ન બગાડે.
અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી *રાજુભાઈ શિંગાળા* તે સમયને યાદ કરતા જણાવે છે કે,
”અમે રાત્રે બે વાગ્યે બહારગામથી ખરીદી કરીને સાવરકુંડલા રિદ્ધિ-સિદ્ધિ ચોક ખાતે ઉતારતા, ત્યારે મહેતા સાહેબ નાવલી પોલીસ ચોકી ખાતે ખુરશી નાખીને બેઠા-બેઠા સતત માળા કરતા અને સુરક્ષાની દેખરેખ રાખતા જોવા મળતા.”
તેવી જ રીતે અમદાવાદ-સાવરકુંડલા બસના કંડક્ટર (નાગનાથ સોસાયટી, હાથસણી રોડ નિવાસી) ગઢવીભાઈ જણાવે છે કે, તેઓ રાત્રે મોડા સામાન સાથે રીક્ષામાં ઘરે જતા ત્યારે મહેતા સાહેબ પેટ્રોલીંગ દરમિયાન તેમની પૂછપરછ કરી વિધિવત સંજ્ઞાન લેતા અને સુરક્ષાની ખાતરી કરતા.
મહેતા સાહેબના સમયમાં મણિભાઈ ચોક અને એસ.ટી. ડેપો જેવા વિસ્તારોમાં અસ્થાયી પોલીસ ઝૂંપડીઓ બનાવી સ્ટાફ તહેનાત કરાયો હતો. હવેલી જેવા ધાર્મિક સ્થળોએ પીક અવર્સમાં ગણવેશધારી જવાનો ખડેપગે રહેતા. સ્થાનિક ગૃહિણી કાજલબેન પંડ્યા જણાવે છે કે,
”મહેતા સાહેબની હાજરીથી બહેનો રાત્રે પણ સંપૂર્ણ સલામત અનુભવતી. મેળા, જાગરણ કે ધાર્મિક તહેવારોમાં મહિલાઓ મુક્તપણે ફરી શકતી. કોલેજ અને ગર્લ્સ સ્કૂલ પાસે રોમિયોગીરી સદંતર નાબૂદ થઈ ગઈ હતી અને કોઈ છોકરાની ત્યાં ફરકવાની હિંમત નહોતી થતી.”
તેઓ ભારતીય સંસ્કૃતિના પ્રખર હિમાયતી હતા અને યુવા પેઢી (ખાસ કરીને યુવતીઓ) માં જીન્સ કલ્ચર અને ટૂંકા વસ્ત્રોના વિરોધી હતા, તેઓ હંમેશા સંસ્કૃતિને શોભે તેવા વસ્ત્રો પહેરવાનો આગ્રહ રાખતા. નવરાત્રીમાં દીકરીઓ શાંતિથી ગરબે રમી શકે તે માટે ચુસ્ત બંદોબસ્ત રાખતા અને સમયપાલનના આગ્રહી હોવાથી નિર્ધારિત સમય પછી ગરબા બંધ કરાવી દેતા.
કડક ખાખી પાછળ છુપાયેલી સંવેદનશીલતા અને જીવદયા
મહેતા સાહેબ જેટલા કડક હતા, એટલા જ દયાળુ પણ હતા. રાત્રે કોઈ એકલી-અટૂલી મહિલા બસ ચૂકી ગઈ હોય અને મોડું થયું હોય, તો તેને પોલીસ વાહન દ્વારા સલામત રીતે ઘરે પહોંચાડતા.
કૃષ્ણ પ્લોટ શેરી નંબર-૨ માં નાના બાળકોએ બનાવેલી માતાજીની ગરબીમાં લાઈટની સમસ્યા હતી. ત્યારે *બાળમંડળના પ્રિયંક પાંધી અને સાથીઓએ મહેતા સાહેબને વાત કરતા, તેમણે બાળકોની ધાર્મિક ભાવના જોઈ તુરંત લાઈટની વ્યવસ્થા કરાવી આપી હતી અને ખુદ રાત્રે ગરબીના દર્શને આવી બાળકો સાથે સમય વિતાવતા.*
શ્રી કૃષ્ણ ગૌશાળા (દેવળા ગેઈટ) ના પ્રમુખ *રાજુભાઈ બોરીસાગરના* જણાવ્યા મુજબ, મહેતા સાહેબ પરમ જીવદયા પ્રેમી હતા. તેઓ રાત્રે રખડતી ગાયોને ગૌશાળામાં આશ્રય અપાવતા અને અડધી રાત્રે ગેરકાયદેસર કતલખાને જતા પશુઓને જીવના જોખમે પકડી પાડી બચાવતા હતા.
હાથસણી રોડ પર *‘શિવ શક્તિ ડ્રાય ક્લીન’ ની દુકાન ધરાવતા દીપકભાઈ જેઠવા જેવા અનેક ચાહકો આજે પણ તેમની તસવીર પોતાની પાસે રાખતાં* મહેતા સાહેબની એન્ટ્રી જ કંઈક ઓર હતી. જ્યારે તેમની સાવરકુંડલાથી બદલી થઈ, ત્યારે શહેરના અસંખ્ય નાગરિકોની આંખો ભીની થઈ ગઈ હતી અને બદલી રોકવા માટે લોકસ્તરે પ્રયાસો પણ થયા હતા. કાયદાનું સાચું ભાન કરાવનારા અને જનતાના દિલ જીતનારા આવા જાંબાઝ, ન્યાયપ્રિય અને વહીવટી કુશળતા ધરાવતા અધિકારી ભવિષ્યમાં સાવરકુંડલાને ફરી ક્યારે મળશે? એ સવાલ આજે પણ પ્રત્યેક કુંડલાવાસીના મનમાં અકબંધ છે.
અહીં મહેતા સાહેબની તસવીર નથી લગાવી કારણકે મહેતા સાહેબ આજે પણ સાવરકુંડલાના હજારો નાગરિકોમાં એક રોલ મોડેલ તરીકે ધબકી રહ્યા છે.

















Recent Comments