સ્થાનિક શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલમાં વિદ્યાર્થીનીઓમાં નેતૃત્વ, જવાબદારી અને લોકશાહી મૂલ્યોનો વિકાસ થાય તેવા ઉમદા હેતુ સાથે તારીખ ૧૮ જૂન, ૨૦૨૬ના રોજ વર્ગ પ્રતિનિધિ, જનરલ સેક્રેટરી (જી.એસ) તથા ઉપ જનરલ સેક્રેટરી (ઉપ જી.એસ)ની નિયુક્તિનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.
આ સમગ્ર પ્રક્રિયા શાળાના આચાર્યાશ્રી ઉષાબેન બી. તેરૈયાના કુશળ માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં વિદ્યાર્થીનીઓને વર્ગ પ્રતિનિધિ, જી.એસ અને ઉપ જી.એસના કાર્યો, ફરજો અને તેમની સામાજિક-શૈક્ષણિક જવાબદારીઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીનીઓની યોગ્યતા, નેતૃત્વ ક્ષમતા અને શૈક્ષણિક પ્રગતિને માપદંડ બનાવીને વિવિધ વર્ગોના પ્રતિનિધિઓની પસંદગી કરવામાં આવી હતી.
વર્ગ પ્રતિનિધિઓની પસંદગી બાદ લોકશાહીની તાલીમના ભાગરૂપે આગળની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ ચૂંટાયેલા પ્રતિનિધિઓમાંથી શાળાની મુખ્ય વ્યવસ્થાપક કમિટીની રચના કરવામાં આવી, જેમાં શાળાના મુખ્ય જી.એસ (જનરલ સેક્રેટરી) અને ઉપ જી.એસ (ઉપ જનરલ સેક્રેટરી) તરીકે પ્રમુખ અને ઉપપ્રમુખની નિયુક્તિ થઈ હતી. આ નવનિયુક્ત હોદ્દેદારોને શાળામાં શિસ્ત જાળવવા, વિકાસલક્ષી કાર્યો કરવા, વિવિધ સાંસ્કૃતિક-રમતગમત પ્રવૃત્તિઓના આયોજનમાં સહયોગ આપવા તેમજ વિદ્યાર્થીનીઓ અને શિક્ષકો વચ્ચે સેતુ બની સંકલન જાળવવાની મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી હતી.
આ રોમાંચક અને શૈક્ષણિક પ્રક્રિયામાં ચૂંટણી અધિકારી તરીકે વિજયભાઈ કનેરિયાએ ઉત્કૃષ્ટ જવાબદારી સંભાળી હતી. સમગ્ર કાર્યક્રમનું મોનિટરિંગ સુપરવાઇઝર નીતાબેન ત્રિવેદી અને મેહુલભાઈ મહેતાની સીધી દેખરેખ હેઠળ ખૂબ જ ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયું હતું.
અંતમાં, શાળાના આચાર્યાશ્રી ઉષાબેન બી. તેરૈયાએ તમામ નિયુક્ત થયેલી વિદ્યાર્થીનીઓને પુષ્પગુચ્છ અને શુભકામનાઓ પાઠવી, નિષ્ઠાપૂર્વક પોતાની ફરજો બજાવવા પ્રેરણા પૂરી પાડી હતી. જવાબદારી મળતા જ તમામ વિદ્યાર્થીનીઓએ પણ હર્ષભેર નવીન ફરજો સ્વીકારી શાળાના ઉત્તરોત્તર વિકાસમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદાન આપવાનો મક્કમ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.એમ નિલેશભાઈ ગોસ્વામીની એક યાદીમાં જણાવાયું હતું

















Recent Comments