વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરીમામય વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના તારકેશ્વર ખાતેથી સમગ્ર દેશમાં પી.એમ.-કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે વડાપ્રધાનશ્રીએ ડાયરેક્ટ બેન્ક ટ્રાન્સફર મારફતે પી.એમ.-કિસાન સન્માનનિધિ યોજનાના ૨૩મા હપ્તા પેટે દેશના ૯.૪૪ કરોડથી વધુ ખેડૂત પરિવારોના ખાતામાં રૂ. ૧૮,૮૮૦ કરોડથી વધુ રકમ જમા કરાવી હતી.
આ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કૃષિમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી તથા કૃષિરાજ્યમંત્રીશ્રી રમેશભાઈ કટારા ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્યના ૫૧.૨૮ લાખથી વધુ ખેડૂતોના ખાતામાં રૂ. ૧,૦૨૫ કરોડથી વધુ રકમ જમા કરવામાં આવી હતી.
અમરેલી ખાતે કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગમાં ઊર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના પી.એમ.-કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના પી.એમ.-કિસાન સન્માનનિધિ યોજનાના ૨૩મા હપ્તા પેટે ૧,૯૦,૯૬૧ ખેડૂતોના બેન્ક ખાતામાં એકંદરે રૂ. ૩૮.૧૯ કરોડથી વધુ રકમની સહાય જમા કરવામાં આવી હતી.
જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના ખેડૂતોને પી.એમ, કિસાન સન્માનનિધીની સહાયતાના રૂ. ૨૮.૧૯ કરોડ સહિત વિવિધ કૃષિલક્ષી યોજનાઓ અંતર્ગત કુલ રૂ. ૮૯.૧૯ કરોડની સહાયનું પ્રતિકાત્મક લાભ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સહાયતામાં ખેતીવાડી વિભાગ દ્વારા એજીઆર-૫૦ યોજના અંતર્ગત ટ્રેક્ટર ઘટકમાં ૩,૫૦૦ લાભાર્થીઓને રૂ. ૩૫ કરોડની સહાયની પૂર્વમંજૂરીનું પ્રતિકાત્મક વિતરણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી પાક સ્ટ્રક્ચર યોજના અંતર્ગત ૫૧૦ લાભાર્થીઓને આશરે રૂ. ૫ કરોડની પૂર્વમંજૂરીઓનું પ્રતિકાત્મક વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ખેડૂતોને વિનામૂલ્યે મગફળી અને સોયાબીનના પ્રમાણિત બિયારણના વિતરણ માટે અંદાજિત ૫,૧૦૦ લાભાર્થીઓને મંજૂર થયેલ રૂ. ૪ કરોડના બિયારણમાંથી પ્રતિકાત્મક વિતરણ કરવામાં આવ્યું હતું.
પાક સંરક્ષણ હેતુસર તારની વાડ યોજના અંતર્ગત અમરેલી જિલ્લાના કુલ ૨,૪૦૦ હેક્ટર વિસ્તાર માટે રૂ. ૧૦ કરોડ જેટલી રકમની પૂર્વમંજૂરી આપવામાં આવી છે. આ યોજનાના લાભાર્થીઓને પણ કાર્યક્રમમાં પ્રતિકાત્મક લાભ વિતરણ કરવામાં આવ્યું હતું.
પી.એમ.-કિસાન સન્માનનિધિ યોજના ખેડૂતોને આવક આધારરૂપ સહાય પૂરી પાડતી મહત્વપૂર્ણ યોજના છે. આ યોજનાના માધ્યમથી ખેડૂતોને ખેતી ખર્ચમાં સહાય મળવા સાથે તેમની આર્થિક સક્ષમતા વધારવામાં મદદ મળી રહી છે.
કાર્યક્રમમાં ધારી-બગસરા-ખાંભાના ધારાસભ્યશ્રી જે.વી. કાકડિયા, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, સભ્યશ્રીઓ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી કાનાણી, આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી જીડ, મદદનીશ નિયામક શ્રી ડામોર, વિસ્તરણ અધિકારીશ્રી શેખવા, આત્મા પ્રોજેક્ટના શ્રી ચાવડા, શ્રી થડેશ્વર સહિતના અધિકારીશ્રીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

















Recent Comments