અમરેલી

અમરેલી જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

અમરેલી જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં ઊર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લાના વિકાસકાર્યોને વધુ ગતિ આપવા તેમજ જનહિતના પ્રશ્નોના સમયબદ્ધ અને અસરકારક નિરાકરણ માટે જિલ્લા વહીવટીતંત્રને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

બેઠક દરમિયાન, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, દક્ષાબેન ચોડવડિયા, સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા, ધારી-બગસરા-ખાંભા મતવિસ્તારના ધારાસભ્યશ્રી જે.વી.કાકડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા અમલી વિકાસલક્ષી યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી.

માર્ગ અને મકાન, પાણી પુરવઠા, આરોગ્ય,  ગૌચર, વીજળી, કૃષિ, ગ્રામ વિકાસ સહિતના વિવિધ ક્ષેત્રોમાં ચાલી રહેલા કામો અંગે ચર્ચા કરી પ્રજાલક્ષી કાર્યો સમયસર સમાપ્ત થાય તેનું આંતરિક વિભાગોના સંક્લન દ્વારા નિરાકરણ આવે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

રાજ્યમંત્રીશ્રીએ નાગરિકો દ્વારા રજૂ થતા પ્રશ્નો અને ફરિયાદો પ્રત્યે સંવેદનશીલ અભિગમ અપનાવી, દરેક પ્રશ્નનો યોગ્ય અને ઝડપી ઉકેલ લાવવા ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે અને નાગરિકોને કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે માટે વિભાગીય અધિકારીઓએ સંકલનપૂર્વક કાર્ય કરવું જરૂરી છે.

બેઠકમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લામાં ઓપન વાઇલ્ડલાઇફ સફારી પાર્કની સંભાવનાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ અંગે યોગ્ય સ્થળની પસંદગી, પ્રાણીઓની સુરક્ષા સાથે પ્રવાસન વિકાસ, કેન્દ્ર અને રાજ્ય સરકારની મંજૂરીઓ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ આરએન્ડબી, વનવિભાગ અને વીજતંત્રના સંક્લિત પ્રશ્નો માટે રાજ્ય સરકાર કક્ષાએથી સંક્લન કરી નિરાકરણ લાવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ સાથે જિલ્લા પ્રવાસન વિકાસ સમિતિની બેઠક પણ યોજાઈ હતી. જેમાં અમરેલી જિલ્લાના ઐતિહાસિક, ધાર્મિક, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક પ્રવાસન સ્થળોની સંભાવનાઓને વધુ ઉજાગર કરવા અંગે વિસ્તૃત વિચારણા કરવામાં આવી હતી. પ્રવાસન ક્ષેત્રના વિકાસ થકી સ્થાનિક રોજગારી અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળે તે દિશામાં જરૂરી આયોજન કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઇ.ચા. કે.જે. જાડેજા, પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત, નાયબ વનસંરક્ષકશ્રી ધારી ગીર પૂર્વ, નાયબ વનસંરક્ષકશ્રી વન્યજીવ વિભાગ પાલીતાણા, નાયબ વનસંરક્ષકશ્રી, અમરેલી, પ્રાંત અધિકારીશ્રી અમરેલી, સાવરકુંડલા, બગસરા, ધારી, લાઠી ઉપરાંત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ તથા સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેક્ટરશ્રી દિલિપસિંહ ગોહિલે કર્યું હતું.

Related Posts