સમય એક અતિ પ્રવાહી પદાર્થ છે, જે હાથમાંથી ક્યારે સરકી જાય છે તેનો ખ્યાલ પણ નથી રહેતો. પરંતુ સેવા અને સંવેદનાના સંસ્મરણો ક્યારેય ભૂસાતા નથી. આજથી લગભગ અગિયાર વર્ષ પૂર્વે સાવરકુંડલાની જાણીતી સંસ્થા ‘શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર’ ખાતે ઘટેલી એક માનવતાવાદી ઘટનાની યાદો આજે પણ નગરજનો અને બુદ્ધિજીવીઓના માનસપટ પર તરવરી રહી છે. અમેરિકા સ્થિત માનસિક ઉપચારના જાણીતા કન્સલ્ટન્ટ ડૉ. રશ્મિબા જાડેજા જ્યારે સૌ પ્રથમ વખત આ સંસ્થાની મુલાકાતે આવ્યા હતા, ત્યારે તેમણે અહીંના દર્દીઓ માટે સતત ૨૧ દિવસ સુધી એક કન્સલ્ટન્ટ તરીકે પોતાની નિઃશુલ્ક સેવાઓ અર્પણ કરી માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
જીવન જીવવાની જડીબુટ્ટી સમાન સાક્ષાત્કાર
આ મુલાકાત દરમિયાન સાવરકુંડલાના સિનિયર પત્રકાર શ્રી બિપીનભાઈ પાંધી દ્વારા ડૉ. રશ્મિબા જાડેજાનો એક વિશેષ ઈન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો. આ આશરે પંદર મિનિટના સાક્ષાત્કારમાં ભારતીય પરંપરા અને અમેરિકન લાઈફ સ્ટાઈલના તફાવતો ઉપરાંત હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, ટાઈમ મેનેજમેન્ટ અને માનસિક સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા અંગેની ગહન ચર્ચાઓ થઈ હતી.
ડૉ. જાડેજાએ એ સમયે જણાવ્યું હતું કે, વ્યક્તિનું ટાઈમ મેનેજમેન્ટ તેના માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ અગત્યનું ફેક્ટર છે. મનમાં દબાવી રાખેલી કે અભિવ્યક્ત ન થયેલી લાગણીઓ જ ભવિષ્યમાં સ્ટ્રેસ અને માનસિક અસમતુલાનું કારણ બને છે.
અમેરિકાની સરખામણીમાં ભારતીય માનસિક સ્વાસ્થ્ય ઘણું સારું હોવાનું સ્વીકારતા તેમણે ઉમેર્યું હતું કે, આજના સમયમાં અતિ ભૌતિકવાદ, પારિવારિક વિટંબણાઓ અને સામાજિક વહેવારો જાળવવાનો અતિરેક વ્યક્તિ પર બોજ બની જતો હોય છે. દેખાદેખી અને ચડસાચડસીની લ્હાયમાં લોકો જીવનની અમૂલ્ય ક્ષણો ગુમાવી રહ્યા છે. વધુ પડતી મહત્વકાંક્ષા દુઃખનું કારણ બને છે. સુખી જીવનની સાચી ચાવી આપતા તેમણે કહ્યું હતું કે, “સોડ મુજબ ચાદર તાણવી” (વધુ પડતું દેણું ન કરવું), જીવનમાં ધર્મ સાથે અર્થનું સંયોજન કરવું, નિયમિત ધ્યાન, યોગ અને આત્મસંતોષ રાખવો એ જ સુખી જીવનનો સાચો માર્ગ છે.
અગિયાર વર્ષ પૂર્વેની આ યાદગાર ક્ષણોની તસ્વીરો આજે પણ એ ક્ષણોની સાક્ષી પૂરે છે. આ નિઃશુલ્ક સેવા યજ્ઞના અંતે યોજાયેલા ભાવભર્યા વિદાય સમારંભની પ્રસ્તુત તસ્વીરોમાં ડૉ. રશ્મિબા જાડેજાની સાથે સાવરકુંડલાના અગ્રણીઓ જેવા કે પ્રા. તેરૈયા સાહેબ, છાયાબેન મુની, ગીતાબેન જોષી અને ડૉ. પ્રકાશ પટેલ વગેરે ઉપસ્થિત રહીને આ ક્ષણોને ઈતિહાસના પાના પર અમર કરી દીધી હતી. સમય ભલે વહી ગયો હોય, પણ આ સેવાકીય સંસ્મરણો આજે પણ સાવરકુંડલાના હૃદયમાં ધબકે છે. આપને ખાસ જણાવી દઈએ કે શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલા પ. પૂ મોરારીબાપુના આશીર્વાદ સાથે છેલ્લા બાર વર્ષ કરતાં વધુ સમયથી દર્દીઓને નારાયણનું સ્વરૂપ સમજી તમામ મેડિકલ સુવિધા નિશુલ્ક પ્રદાન કરવામાં આવે છે. સંસ્થાના પ્રમુખ હરેશભાઈ મહેતા, ટ્રસ્ટીશ્રીઓ તથા મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ શ્રી ડો પ્રકાશ કટારીયા તથા સમગ્ર કર્મચારીગણ દ્વારા આ સંસ્થા વિકાસની હરણફાળ ભરી રહી છે.














Recent Comments