અમરેલી

અનુદાનિત ગર્લ્સ સ્કૂલ ખાતે ટેકનિકલ સાયન્સ નો વિશેષ વર્કશોપ યોજાયો

અમરેલીની અનુદાનિત ગર્લ્સ સ્કૂલ ખાતે જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર અને ગુજકોસ્ટ (GUJCOST)ના સંયુક્ત ઉપક્રમે ટેકનિકલ સાયન્સ વિષયક વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપનો મુખ્ય હેતુ વિદ્યાર્થીનીઓમાં વિજ્ઞાન પ્રત્યે જિજ્ઞાસા જગાવવાની સાથે આધુનિક ટેક્નોલોજીનો પ્રાયોગિક પરિચય કરાવવાનો હતો.

વર્કશોપ દરમિયાન વિદ્યાર્થીનીઓને ઇલેક્ટ્રોનિક્સ, રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), વર્ચ્યુઅલ રિયાલિટી (VR), 3D પ્રિન્ટિંગ, સેન્સર આધારિત ટેક્નોલોજી તેમજ વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગોની જીવંત રજૂઆત કરવામાં આવી હતી. નિષ્ણાતો દ્વારા વિજ્ઞાનના સિદ્ધાંતોને સરળ અને રસપ્રદ રીતે સમજાવવામાં આવ્યા, જેના કારણે વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક પ્રયોગોમાં ભાગ લીધો.

શાળાના મંડળના પ્રમુખશ્રી દિલીપભાઈ સંઘાણીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીનીઓમાં ટેકનિકલ અને વૈજ્ઞાનિક અભિગમ વિકસે તેવા હેતુથી વિશેષ શૈક્ષણિક કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આગામી સમયમાં પણ વિદ્યાર્થીનીઓને આધુનિક ટેક્નોલોજી આધારિત શિક્ષણ, પ્રયોગાત્મક અભ્યાસ અને નવીનતા સાથે જોડાય તેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે, જેથી તેઓ ભવિષ્યના પડકારો માટે સજ્જ બની શકે.

કાર્યક્રમના અંતે જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર શ્રી નિલેશભાઈ પાઠકનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમણે વિજ્ઞાન અને ટેક્નોલોજીને ગ્રામ્ય વિસ્તારની વિદ્યાર્થીનીઓ સુધી પહોંચાડવા માટે સતત સહયોગ અને માર્ગદર્શન આપ્યું છે, જેના માટે શાળા પરિવાર દ્વારા તેમની કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, ગુજકોસ્ટ, શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ તથા તમામ આયોજકોનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો.

Related Posts