સ્થાનિક સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં અગ્રેસર એવી સંસ્થા ‘નૂતન કેળવણી મંડળ, સાવરકુંડલા’ સંચાલિત ગ્રાન્ટેડ અનુદાનિત પ્રાથમિક આશ્રમશાળા ખાતે આજે એક પ્રેરણાદાયી સેવાકાર્ય સંપન્ન થયું હતું. આજ રોજ તારીખ ૨૩/૦૬/૨૦૨૬ ને મંગળવારના બપોરે, સાવરકુંડલાના જાણીતા અશોકભાઈ ખુમાણ પરિવાર તરફથી પૂજ્ય સ્વર્ગસ્થ ગાયત્રીબેન ગૌતમભાઈ ખુમાણની પુણ્યતિથિ નિમિત્તે આશ્રમશાળાના નાના-નાના ભૂલકાઓ માટે એક વિશેષ ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ખુમાણ પરિવારના સભ્યોએ આશ્રમશાળાની રૂબરૂ મુલાકાત લીધી હતી અને બાળકો પ્રત્યે વહાલ પ્રગટ કરીને પોતાના સ્વહસ્તે ભોજન પીરસ્યું હતું. પૂણ્યતિથિ નિમિત્તે બાળકોને ભોજનમાં મોસમની સોગાત એવો સ્વાદિષ્ટ કેરીનો રસ, ગરમાગરમ પુરી, ખમણ ઢોકળા, મસાલેદાર શાક, દાળ-ભાત, પાપડ અને ઠંડી છાશ તૃપ્તિપૂર્વક જમાડવામાં આવ્યા હતા. બાળકોના ચહેરા પરની ખુશી જોઈને ખુમાણ પરિવારે દિવંગત આત્માને સાચી શાતા (શાંતિ) પહોંચાડી હોવાનો સંતોષ અનુભવ્યો હતો. આજના સમયમાં આવું સદકાર્ય અન્ય સમાજશ્રેષ્ઠીઓ માટે પણ અનુકરણીય અને પ્રેરણારૂપ સાબિત થશે.
અત્યંત ભાવપૂર્ણ વાતાવરણમાં યોજાયેલા આ ભોજન બદલ નૂતન કેળવણી મંડળ ખુમાણ પરિવારનું હૃદયપૂર્વક ઋણ સ્વીકારે છે. સંસ્થાના ટ્રસ્ટી મંડળ વતી મુકુંદભાઈ નાગ્રેચાએ અશોકભાઈ ખુમાણ પરિવારના આ ભગીરથ કાર્યને બિરદાવતા જણાવ્યું હતું કે, “આશ્રમશાળાના વંચિત અને જરૂરિયાતમંદ બાળકોને આ પ્રકારે સ્નેહપૂર્વક ભોજન કરાવીને ખુમાણ પરિવારે સાચે જ ધન્યવાદને પાત્ર કાર્ય કર્યું છે. પરમાત્મા દિવંગત પવિત્ર આત્માને તેઓ જ્યાં પણ હોય ત્યાં શાશ્વત શાંતિ અને સદ્ગતિ અર્પે એવી સંસ્થા વતી અમે હાર્દિક અભ્યર્થના અને પ્રાર્થના કરીએ છીએ.”














Recent Comments