અમરેલી

શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલા દ્વારા સસ્નેહ હનુમાનજીની પ્રતિમા અર્પણ કરવામાં આવી

સાવરકુંડલા સ્થિત ‘શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન’ સંચાલિત પ્રસિદ્ધ ‘શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર’ ની આજરોજ રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ ખાસ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે હોસ્પિટલમાં ઉપલબ્ધ સમગ્ર વિભાગોની વિસ્તૃત માહિતી મેળવી તથા અહીંની આધુનિક તબીબી સુવિધાઓનું વિગતવાર નિરીક્ષણ કર્યું હતું અને સંસ્થા દ્વારા ચલાવવામાં આવતા આરોગ્યલક્ષી સેવાકીય મહાયજ્ઞને નિહાળીને ઊંડો રાજીપો વ્યક્ત કર્યો હતો.

,*અમીર-ગરીબના ભેદભાવ વગર સંપૂર્ણ નિઃશુલ્ક સારવાર*

શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલા શહેર તેમજ આસપાસના સમગ્ર ગ્રામ્ય વિસ્તાર માટે આરોગ્ય ક્ષેત્રે સાચા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ છે. આ મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કોઈપણ જાતના અમીર-ગરીબ કે જ્ઞાતિ-જાતિના ભેદભાવ વિના તમામ પ્રકારની સારવાર, લેબોરેટરી પરીક્ષણ, દવાઓ તેમજ પૌષ્ટિક ભોજન સહિતની તમામ સુવિધાઓ દર્દીઓને અવિરતપણે પૂરી પાડવામાં આવે છે.

આજની કાળઝાળ મોંઘવારીના સમયમાં જ્યાં તબીબી સારવાર સામાન્ય માનવી માટે ખૂબ ખર્ચાળ બની ગઈ છે, ત્યાં આ હોસ્પિટલમાં તમામ સારવાર સંપૂર્ણ નિઃશુલ્ક આપવામાં આવે છે. હોસ્પિટલની નમૂનારૂપ સ્વચ્છતા, સ્ટાફની કાર્યકુશળતા અને દર્દીને ‘નારાયણ’નું સ્વરૂપ માનીને સસ્મિત ચહેરે કરવામાં આવતી સારવાર અહીં આવતા લોકોને સ્વર્ગીય અનુભૂતિ કરાવે છે. જ્યારે દર્દીઓ પૂર્ણપણે સ્વસ્થ થઈને હસતા મુખે પોતાના ઘરે પરત ફરે છે, ત્યારે સંસ્થાના પ્રાંગણમાં આ ખુશીનો અહેસાસ સદાય ગુંજતો રહે છે.

અંતમાં આરોગ્ય મંત્રીશ્રીનું હનુમાનજીની ભવ્ય પ્રતિમા આપી તથા શાલ ઓઢાડી સન્માન ડો પ્રકાશ કટારીયા દ્વારા કરવામાં આવ્યું.આ પ્રસંગે આરોગ્ય મંત્રીશ્રીએ સંસ્થાના ટ્રસ્ટીઓના યોગ્ય માર્ગદર્શન હેઠળ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી રહેલી અભૂતપૂર્વ વિકાસકૂચની વિશેષ નોંધ લીધી હતી.સાથે અહીંના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. પ્રકાશ કટારીયા તથા સમગ્ર કર્મચારીગણની કાર્યદક્ષતાની સરાહના કરી હતી.

સંસ્થાના પ્રમુખ શ્રી હરેશભાઈ મહેતા તથા સમગ્ર ટ્રસ્ટીગણ પરમ પૂજ્ય મોરારીબાપુના આશીર્વાદથી સંસ્થાના ઉત્તરોત્તર વિકાસ અને જનસેવાના કાર્યો માટે સતત પ્રયત્નશીલ રહે છે. આરોગ્ય મંત્રીશ્રીની આ મુલાકાતથી સંસ્થાના તમામ કર્મચારીઓ અને ટ્રસ્ટીગણમાં નવી ઊર્જા અને ઉત્સાહનો સંચાર થયો છે.

Related Posts