જિલ્લા સેવા સદન અમરેલી ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.જે.જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત આરોગ્ય શાખાની વિવિધ સમિતિઓની બેઠક યોજાઇ હતી.
જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જિલ્લા સંચારી રોગ સર્વેક્ષણ અને સંકલન સમિતિ, જિલ્લા ટાસ્ક ફોર્સ ઇમ્યુનાઇઝેશન (રસીકરણ), નેશનલ વેકટર બોર્ન ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ અન્વયે વિવિધ કામગીરી વિષયક વિસ્તૃત સમીક્ષા હાથ ધરી હતી.
જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા વર્ષ-૨૦૨૫ના એપ્રિલ થી શરૂ કરી અને એપ્રિલ-૨૦૨૬ અને અંતિમ તા. ૨૨-૦૬-૨૦૨૬ સુધીમાં કરવામાં આવેલા રસીકરણની કામગીરીની વિગતો રજૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત બાકી રહી ગયેલ બાળકોનું વેક્સિનેશન ઝડપથી પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત ફિલ્ડ પર સર્વે વધારવા, રસીકરણને લગતી કામગીરી ઘનિષ્ઠ રીતે કરવા બાબતે હાથ ધરવાની કાર્યવાહી વિષયક ચર્ચા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, તા. ૨૮ જુન, ૨૦૨૬થી જિલ્લામાં સઘન પલ્સ પોલિયો રસીકરણ હાથ ધરવામાં આવશે. જેમાં ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને બાળ લકવા વિરોધી રસીના ડોઝ આપવામાં આવશે. જિલ્લામાં આ બાળકોની સંખ્યા અંદાજે ૧,૨૮,૭૮૨ છે. કુલ ૮૦૧ બુથ ઉપર રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરી માટે ૧૫૬ સુપરવાઈઝરોની નિમણૂક કરવામાં આવી છે.
જિલ્લામાં હાલ સંચારી રોગને લઈને કોઈ રોગચાળો ફેલાયેલ નથી. આ ઉપરાંત આ વર્ષે ચોમાસાની સીઝનમાં સીઝનલ ફ્લુ જેવી સ્થિતિ સર્જાય તો આરોગ્ય શાખા પાસે તે માટે જરૂરી દવાઓ, માસ્ક સહિતનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાનું આરોગ્ય અધિકારીશ્રીએ જણાવ્યું હતું. જિલ્લામાં હાલ ટ્રીપલ લેયર માસ્ક, ટેસ્ટિંગ કીટ, જરૂરી દવાઓનો જથ્થો ઉપલબ્ધ છે.
ચોમાસાની ઋતુની શરૂઆત હોય મચ્છરજન્ય રોગચાળો ન ફેલાઈ તે બાબતે વિશેષ સાવધાની રાખવાના પગલાઓ ધ્યાને લેવા સૂચના આપવામાં આવી હતી. પીવાના પાણીના ક્લોરિનેશન સહિતની બાબતે કામગીરી માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સંબંધિત અધિકારીશ્રીઓને સૂચનાઓ આપી હતી. મચ્છર ઉપદ્રવ નિયંત્રણ માટે ફોગીંગ કામગીરી અને અન્ય પગલાઓ લેવા માટે પણ ચર્ચા કરવામાં આવી હતી.
રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાકક્ષાની રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ સમિતિની બેઠક યોજાઈ હતી. રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ-તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થા શાળા કાર્યક્રમ માર્ગદર્શિકા મુજબ શાળા વિસ્તારથી નજીક હોય તેવા વિસ્તારમાં તમાકુ યુક્ત પદાર્થોનું વેચાણ થઇ શકે નહિ તે બાબતે કાયદાનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તે સહિતની વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી.
જિલ્લા સ્કવોડ, આરોગ્ય, પોલીસ, શિક્ષણ, વાહનવ્યવહાર, ખોરાક અને ઔષધ નિયમન, નગરપાલિકાઓ દ્વારા તમાકુ નિયંત્રણ ધારાના ભંગ બદલ એપ્રિલ-૨૦૨૬ થી મે-૨૦૨૬ દરમિયાન કુલ ૪૬૭ કેસ નોંધાયા હતા અને રૂ. ૩૬ હજારથી વધુની રકમના દંડની વસૂલાત કરવામાં આવી હતી.
બેઠકનું સંચાલન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ કર્યું હતું. આ બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા-તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓ, નગરપાલિકા ચીફ ઓફિસરશ્રીઓ, વિવિધ કચેરીના અધિકારીશ્રીઓ-કર્મયોગીશ્રીઓ અને સમિતિના સભ્યશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

















Recent Comments