રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને અમદાવાદના પં. દીનદયાળ ઉપાધ્યાય ઑડિટોરિયમ ખાતે ‘ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રુરલ ડેવલપમેન્ટ બૅંક’ (ખેતી બૅંક)ના ૭૫મા સ્થાપના દિવસની ઉજવણી ગૌરવપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.
આ પ્રસંગે ગુજરાતના ખેડૂતોના કલ્યાણ અને ઉત્કર્ષ માટે કાર્યરત ખેતી બૅંકની ગૌરવશાળી યાત્રાને રાજ્યપાલશ્રીએ બિરદાવી હતી. તેમણે સ્વામી દયાનંદ સરસ્વતીના પુસ્તકનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ખેડૂત તો ‘રાજાનો પણ રાજા’ છે, કારણ કે તે રાજા અને રંક બધાને અનાજ પૂરું પાડે છે. જ્યારે ખેતરમાંથી પણ તમામ જીવજંતુઓ અને પશુ-પંખીઓને ભોજન મળી રહે છે. આ જ કારણ છે કે વેદોમાં પણ ખેતીને ઉત્તમ ગણાવાઈ છે.
તેમણે કહ્યું કે ખેડૂતનું ધન એ સૌથી પવિત્ર ધન હોય છે. કારણ કે, તેમાં તેની મહેનત અને પરસેવો ભળેલા હોય છે. ત્યારે ખેતી બૅંકની આજની આ મજબૂત સ્થિતિ દર્શાવે છે કે બૅંકના સ્થાપક ઉદયભાણ સિંહજીએ સેવેલું ખેડૂત કલ્યાણનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે.
શ્રી દેવવ્રતજીએ રાજ્યની સહકારી પરંપરા વિશે વાત કરતાં કહ્યું કે તેના કારણે ખેડૂતોને વ્યાજના ચક્રમાંથી મુક્તિ મળી છે. તેમણે સરદાર પટેલ અને અમૂલના ઉદાહરણો ટાંકીને સહકારિતાનું મહત્ત્વ સમજાવ્યું હતું. રાજ્યપાલશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આપેલા વિકસિત ભારત @૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા ‘સહકારથી સમૃદ્ધિ’નો મંત્ર અપનાવવા પર ભાર મૂક્યો હતો.
આ માટે તેમણે દેશના પ્રથમ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા સહકારિતા ક્ષેત્રે લેવાયેલા મજબૂત પગલાંઓ અને FPOના નિર્માણની પ્રશંસા કરી હતી. જેના દ્વારા ખેડૂતોને તેમની ઉપજના પૂરતાં અને સક્ષમ ભાવ મળતાં થયા છે.
તેમણે રાજ્ય સરકાર દ્વારા સહકારી ક્ષેત્રે થઈ રહેલા પ્રયાસોની સરાહના કરી હતી. રાજ્ય સરકારની સેવાભાવના અને પ્રામાણિક પ્રયત્નો થકી આજે ગુજરાતનું સહકાર મોડલ સમગ્ર દેશમાં અગ્રીમ હોવાનું તેમણે ગૌરવભેર જણાવ્યું હતું.
રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતી પર વિશેષ ભાર મૂક્યો હતો. રાસાયણિક ખેતીના અતિરેક વિશે ચિંતા વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે રસાયણોના કારણે જમીન ઝેરી બની રહી છે અને કેન્સર, ડાયાબિટીસ તથા હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીઓ વધી રહી છે. તેમણે વૈજ્ઞાનિક પુરાવાઓ સાથે જણાવ્યું કે પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘટતું નથી, પરંતુ ખર્ચ ઓછો થાય છે અને જમીનની ફળદ્રુપતા પણ વધે છે.
ભાવિ પેઢીને સ્વસ્થ જીવન અને ફળદ્રુપ જમીન આપવા માટે રાજ્યપાલશ્રીએ ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અને વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ખેતી બૅંકના ચેરમેન ડોલરભાઈ કોટેચાએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું કે રાજ્ય સરકારે નાના ખેડૂતો માટે વ્યાજ માફી યોજના મંજૂર કરી છે. જેમાં વ્યાજની નિયત રકમ માફ કરવામાં આવે છે. જેનાથી છેલ્લાં ત્રણ વર્ષમાં ખેડૂતોને કુલ ₹૧૨૫ કરોડની રાહત મળી છે. આ ખેડૂતલક્ષી નિર્ણય બદલ તેમણે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીનો આભાર વ્યક્ત કર્યો હતો.
તેમણે બૅંકની આર્થિક સધ્ધરતા વિશે માહિતી આપતાં જણાવ્યું કે ગત વર્ષે ₹૧૧૧ કરોડના વિક્રમી ગ્રોસ પ્રોફિટ સાથે ‘ઝીરો NPA’ ધરાવતી દેશની અગ્રણી બૅંક છે. વ્યાજ માફી આપવા છતાં બૅંકે મેળવેલો આ નફો તેની મજબૂત આર્થિક સ્થિતિ અને ખેડૂતો પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે તેમ તેમણે ઉમેર્યું હતું.
આ અવસરે રાજ્યપાલશ્રીના હસ્તે ખેતી બૅંકમાં ૨૫ વર્ષથી વધુ સમયની સેવા આપનાર ૨૫ જેટલા પ્રતિનિધિઓ/સભાસદોનું સન્માન કરાયું હતું. તદુપરાંત, ૭૫મા સ્થાપના વર્ષ નિમિત્તે ‘ખેડૂતોના વિશ્વાસનું વટવૃક્ષ’ કૉફી ટેબલ બુકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર શ્રી હિતેશભાઈ બારોટ, ખેતી બૅંકના વાઇસ ચેરમેન જીવણભાઈ આહિર, સિનિયર ડાયરેક્ટર જશાભાઇ બારડ તથા બ્રિજરાજસિંહ જાડેજા સહિતના પદાધિકારીઓ, ખેડૂત આગેવાનો, પ્રતિનિધિઓ અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.















Recent Comments