અમરેલી

જીરા રેલ્વે સ્ટેશનના નવા પ્લેટફોર્મમાં નબળી કામગીરીનો ભંડાફોડ, સાંસદ ભરત સુતરીયાનો કડક એક્શન; એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની સૂચના

સાવરકુંડલા તાલુકાના જીરા રેલ્વે સ્ટેશન પર થોડા મહિના પહેલાં બનાવવામાં આવેલા નવા પ્લેટફોર્મની ગુણવત્તાને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. પ્લેટફોર્મમાં નબળી કામગીરી થયાની ફરિયાદ બાદ અમરેલીના સાંસદ ભરત સુતરીયાએ જાતે જ સ્થળ પર પહોંચી નિરીક્ષણ કર્યું હતું. સ્થળ તપાસ દરમિયાન કામગીરીમાં ગંભીર ખામીઓ નજરે ચઢતાં તેમણે સંબંધિત રેલવે અધિકારીઓને તાત્કાલિક કડક કાર્યવાહી કરવા અને જવાબદાર કોન્ટ્રાક્ટર એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની સૂચના આપી હતી. સાથે જ નબળી ગુણવત્તાવાળું કામ તોડી ફરીથી ધોરણસર કરાવવા પણ નિર્દેશ આપ્યો હતો.

આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે સાવરકુંડલાના પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલે ચાર દિવસ અગાઉ સાંસદ ભરત સુતરીયાને લેખિત રજૂઆત કરી હતી. રજૂઆતમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે જીરા રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મનું કામ અત્યંત નબળી ગુણવત્તાથી કરવામાં આવ્યું છે. વધુમાં, આવી કામગીરી છતાં કોન્ટ્રાક્ટરને ચૂકવણી પણ કરી દેવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. સાથે જ સંબંધિત રેલવે અધિકારીઓએ આવી કામગીરી કેવી રીતે સ્વીકારી તે અંગે પણ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા.

રજૂઆતને ગંભીરતાથી લઈને સાંસદ ભરત સુતરીયા સ્થળ પર પહોંચ્યા હતા અને પ્લેટફોર્મનું નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન રજૂઆતમાં કરાયેલા આક્ષેપો પ્રાથમિક દ્રષ્ટિએ સાચા જણાતા તેમણે અધિકારીઓ સાથે સ્થળ પર જ ચર્ચા કરી હતી. સાંસદે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દેશભરમાં રેલવેના આધુનિકીકરણ અને મુસાફરોને ઉત્તમ સુવિધાઓ આપવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રેલ્વે સ્ટેશનોને આધુનિક અને સુવિધાસભર બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે જાહેર નાણાંનો બગાડ કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં.

જીરા રેલ્વે સ્ટેશન સહિત આશરે 6 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા, જેમાં પ્લેટફોર્મનું નિર્માણ પણ સામેલ હતું. જોકે, થોડા જ મહિનામાં પ્લેટફોર્મની ગુણવત્તા અંગે પ્રશ્નો ઉભા થતાં સમગ્ર કામગીરી શંકાના ઘેરામાં આવી છે. સાંસદે નબળું કામ સંપૂર્ણપણે દૂર કરીને નવા ધોરણો મુજબ ફરીથી કામ કરાવવા તેમજ જવાબદાર કોન્ટ્રાક્ટર એજન્સી સામે કડક કાર્યવાહી કરીને તેને બ્લેકલિસ્ટ કરવાની સૂચના આપી છે.

હવે સમગ્ર મામલે રેલવે વિભાગ જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે શું કાર્યવાહી કરે છે અને જાહેર નાણાંના દુરુપયોગ માટે કોને જવાબદાર ઠેરવવામાં આવે છે, તેના પર સૌની નજર મંડાઈ છે.

Related Posts