ભાવનગર

ધોરણ-10ના વિદ્યાર્થી વીર પરમારની લઘુનવલ એક જંગ, જંગલો માટેનું ભવ્ય વિમોચન

ભાવનગરના સાહિત્ય અને શિક્ષણજગત માટે ગૌરવની ક્ષણ સર્જાઈ જ્યારે ભૂતેશ્વર શાળાના આચાર્ય અભેસંગભાઈ પરમારના પુત્ર તથા ધોરણ-10માં અભ્યાસ કરતા યુવા સર્જક વીર પરમારની લઘુનવલનું વિમોચન સમારોહ ઉષ્માભર્યા વાતાવરણમાં યોજાયો. આટલી નાની ઉંમરે પુસ્તક પ્રકાશિત કરીને લેખક તરીકે ઓળખ મેળવવી ખરેખર ગૌરવની બાબત છે.

કાર્યક્રમ દરમિયાન ફરિયાદકા શાળાના આચાર્ય પ્રવીણભાઈ સરવૈયાએ પોતાના ઉદ્બોધનમાં વીરના સર્જનને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે આજની યુવા પેઢીમાં આવા સર્જકોનો ઉદય ગુજરાતી સાહિત્ય માટે આશાસ્પદ સંકેત છે. તેમણે વીર જેવી ઉંમરના અન્ય યુવા લેખકોનો પણ ઉલ્લેખ કરીને વાંચન અને લેખનની સંસ્કૃતિને વધુ પ્રોત્સાહિત કરવાની જરૂરિયાત વ્યક્ત કરી.

ઓજ પરિવારના મોભી નીરવભાઈએ વીરને હૃદયપૂર્વક આશીર્વાદ આપતાં તેના ઉજ્જ્વળ સાહિત્યિક ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી. અજય ઓઝાએ પણ વીરના આત્મવિશ્વાસ, સર્જનાત્મકતા અને નાની ઉંમરે પ્રાપ્ત કરેલી આ સિદ્ધિને બિરદાવી હતી.

કાર્યક્રમના અધ્યક્ષ મહેન્દ્રસિંહ પરમારએ વીરને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે આવા યુવા સર્જકો ગુજરાતી ભાષા અને સાહિત્યની અમૂલ્ય મૂડી છે. તેમણે વીરને ભાવનગરના ભાષાભવનમાં પણ પુસ્તકનું વિમોચન યોજવા માટે આમંત્રણ આપી તેની સર્જનયાત્રાને વધુ ગતિ મળે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી.

આ પ્રસંગે ભાવનગરના શિક્ષણજગતના અગ્રણીઓ, બુધસભા અને ગદ્યસભાના સર્જકો, તેમજ કવિતાકક્ષના મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુચારુ અને રસપ્રદ સંચાલન નિકુંજ મહેતાએ કર્યું હતું.

કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત મહાનુભાવો અને મહેમાનોએ અલ્પાહાર સાથે પરસ્પર શુભેચ્છાઓની આપલે કરી. આ અવસરે વીર પરમારના દાદા, કાકા સહિત સમગ્ર પરમાર પરિવાર પણ ઉપસ્થિત રહી આ ગૌરવપૂર્ણ ક્ષણનો આનંદ માણ્યો.

નાની ઉંમરે સર્જનાત્મકતા, વાંચનપ્રેમ અને લેખન દ્વારા સમાજને પ્રેરણા આપનાર વીર પરમારની આ સિદ્ધિ માત્ર પરમાર પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર ભાવનગરના શિક્ષણ અને સાહિત્ય જગત માટે ગર્વની ક્ષણ બની રહી.

Related Posts