અમરેલી

કૌશલ્યને મળ્યું સન્માન : અમરેલી જિલ્લા રોજગાર ભરતીમેળામાં ત્રણ પ્રતિષ્ઠિત કંપનીઓ દ્વારા રેકોર્ડ બ્રેક પસંદગી, ૭૬ યુવાનોને મળી કારકિર્દીની નવી દિશા, ‘અનુબંધમ’ પોર્ટલ બન્યું આશીર્વાદરૂપ

ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તક કાર્યરત જિલ્લા રોજગાર વિનિમય કચેરી, અમરેલી તથા ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI), અમરેલીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલો રોજગાર ભરતીમેળો સ્થાનિક યુવાનો માટે સાચા અર્થમાં સફળતાની ગાથા સાબિત થયો છે.

તા. ૧૭/૦૭/૨૦૨૬, શુક્રવારના રોજ આઈ.ટી.આઈ., લાઠી રોડ, અમરેલી ખાતે ડિજિટલ ‘અનુબંધમ’ પોર્ટલના માધ્યમથી આ સફળ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ મેળામાં શીતલ કૂલ પ્રોડક્ટ્સ લિમિટેડ (અમરેલી), ક્રેડિટ એક્સેસ ગ્રામીણ લિમિટેડ (સાવરકુંડલા) અને HDFC Life ઈન્સ્યોરન્સ (અમરેલી) જેવી ત્રણ પ્રતિષ્ઠિત કંપનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

રોજગારીની સુવર્ણ તક ઝડપી લેવા માટે જિલ્લાના આશરે ૯૦ જેટલા ઉત્સાહી ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. આઇ.ટી.આઇ. અમરેલીના પ્લેસમેન્ટ ઓફિસર, ત્રણેય કંપનીઓના એચ.આર. મેનેજર્સ તેમજ જિલ્લા રોજગાર વિનિમય કચેરીના કેરિયર કાઉન્સેલર શ્રી કૌશિક વાઘેલાએ હાજર રહીને યુવાનોને યોગ્ય દિશાસૂચન અને જરૂરી ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સચોટ કાઉન્સેલિંગ અને પારદર્શક ભરતી પ્રક્રિયાના પરિણામે ઉપસ્થિત ઉમેદવારોમાંથી રેકોર્ડબ્રેક ૭૬ યુવાનોની વિવિધ જગ્યાઓ માટે પ્રાથમિક પસંદગી (Primary Selection) કરવામાં આવી હતી.

સ્થાનિક સ્તરે જ રોજગારી મળતા યુવાનો અને તેમના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જિલ્લા રોજગાર કચેરીએ આગામી સમયમાં પણ આવા વધુ ને વધુ રોજગારલક્ષી મેળાઓ યોજીને અમરેલીના યુવાધનને સ્વનિર્ભર બનાવવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે.

Related Posts