સાવરકુંડલા શહેરમાં આજરોજ રવિવારની જાહેર રજાના દિવસે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. અસહ્ય ઉકળાટ બાદ મેઘરાજાએ ધમાકેદાર લટાર મારતાં શહેરના રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા. રવિવારની રજાની મજા માણી રહેલા અને રસ્તા પરથી પસાર થઈ રહેલા રાહદારીઓ અચાનક શરૂ થયેલા આ વરસાદમાં ભીંજાઈ ગયા હતા. વરસાદી ઝાપટાં બાદ પણ આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. વાતાવરણમાં હજુ પણ બાફ અને ભેજનું પ્રમાણ ખૂબ વધારે હોવાના કારણે આગામી સમયમાં હજુ પણ સારો વરસાદ ખાબકે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.
સાવરકુંડલા શહેરની ભૌગોલિક સ્થિતિને કારણે સ્થાનિક પ્રશ્નો પણ સર્જાયા છે. ખાસ કરીને શહેરની વ્યસ્ત ગણાતી મેઈન બજારમાં થોડોક જ વરસાદ પડે તો પણ આખો રસ્તો પાણીથી તરબતર થઈ જાય છે. મેઈન બજારનો રોડ કુદરતી રીતે જ ઢોળાવવાળો હોવાથી, ઉપરવાસમાંથી આવતું તમામ વરસાદી પાણી ખૂબ જ ઝડપથી નીચેના છેવાડાના વિસ્તાર તરફ ધસી આવે છે. જેના કારણે છેવાડાના ભાગમાં પાણીનો પ્રવાહ અત્યંત વેગવંતો બને છે. સ્થાનિક લોકો અને વેપારીઓની માંગ છે કે આ વરસાદી પાણીનો તાત્કાલિક ધોરણે અને કાયમી નિકાલ થાય તેવી યોગ્ય નિકાસ વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવવામાં આવે.
વરસાદના માત્ર બે-ચાર છાંટા વરસે તો પણ આ વિસ્તારમાં રસ્તાઓ પર ગોઠણ સમાન પાણી વહેતું જોવા મળે છે. . આ ભરાયેલા પાણીના કારણે વાહનચાલકોને પોતાના વાહનો ચલાવવામાં ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે. આટલું જ નહીં, રસ્તા પર ભરાયેલા પાણીમાંથી જ્યારે કોઈ વાહન થોડી વધુ ગતિમાં પસાર થાય છે, ત્યારે રસ્તા કિનારેથી ચાલતા નિર્દોષ રાહદારીઓ પર આ ગંદા વરસાદી પાણીના છાંટા ઉડે છે. અનેક રાહદારીઓ આ ગંદા પાણીથી આખેઆખા ભીંજાઈ જતા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. તંત્ર દ્વારા આ બાબતે વહેલી તકે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.


















Recent Comments