અમરેલી

ગીરની ગોદમાં ગુંજતી અનોખી સાધના: ભાંગલવડના અલબેલી મસ્તી ધરાવતા યોગી સંત ઓમ પ્રકાશ બાપુ

ગુરુપૂર્ણિમાના પાવન પર્વે જ્યારે ભક્તો પોતાના સદ્ગુરુના સાનિધ્ય અને સ્મરણમાં લીન થાય છે, ત્યારે ગીરના અડાબીડ જંગલમાં આવેલી ભાંગલવડ તપોભૂમિના દિવ્ય સંત બ્રહ્મલીન ઓમ પ્રકાશ બાપુનો પ્રભાવશાળી જીવનવૃત્તાંત સ્વયંભૂ માનસપટલ પર ઉપસી આવે છે. આસ્થા, શ્રદ્ધા અને અવિરત સેવાભાવના પ્રતીક સમી આ જગ્યા આજે પણ એ મહાન સંતના ચૈતન્યથી ધબકી રહી છે.

​અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના તાતણીયા ગીરથી આશરે ૮ કિલોમીટર દૂર જંગલની મધ્યમાં આવેલી આ જગ્યાનો ઇતિહાસ એક સૈકા જૂનો છે. અહીં એક ઘેઘૂર વડલો થોડો ભાંગેલો હોવા છતાં આખેઆખો લીલોછમ અને ઊંચી વડવાઈઓથી સુશોભિત હતો, જેથી આ પૌરાણિક સ્થાનકનું નામ ‘ભાંગલવડ’ પડ્યું. કાળક્રમે આ પાવન ગાદીનો કાર્યભાર ખાખડા બાપુ એટલે કે યોગી સંત ઓમ પ્રકાશ બાપુએ સંભાળ્યો હતો.

​સંત ઓમ પ્રકાશ બાપુ એક સિદ્ધ અને અલગારી યોગી હતા. માથે લાંબી જટા, તેજસ્વી આંખો, શરીર પર માત્ર લંગોટ અને ભસ્મ ધારણ કરીને અડાબીડ જંગલમાં હિંસક પ્રાણીઓની ડણક વચ્ચે તેઓ એકાંત ધ્યાન ધરતા. સાધનાના પ્રારંભિક કાળમાં તેઓ માત્ર લીમડાના પાનનો આહાર લેતા અને ત્યારબાદ ધુણામાં પકાવેલી ઘઉં-બાજરાની ‘બાટી’ જ ગ્રહણ કરતા.*સંસ્કૃત, હિન્દી અને વેદ-શાસ્ત્રો પર તેમનું અદ્ભુત પ્રભુત્વ હતું. ગીતા અને રામાયણના શ્લોકોને સચોટ ગુજરાતીમાં રસપદ શૈલીથી સમજાવવાની તેમની કળા અજોડ હતી.*

​’ ભક્તોના આગ્રહવશ જ્યારે તેઓ ભજન મંડળીઓમાં જતા ત્યારે પોતાની જીપ (જેને સહુ પ્રેમથી ‘રામ-રેકડો’ કહેતા) પોતે ડ્રાઇવ કરતા. જોકે, ઘણીવાર ખાખડા બાપુ પોતે પણ ડ્રાઇવિંગ કરતા તથા સાવરકુંડલાના ખાસ સેવક વનરાજભાઈ તખુભાઈ ખુમાણ (હાથસણીવાળા) અને ભૂપતભાઈ યાદવને પણ ગાડી ચલાવવાનો લ્હાવો મળતો; ત્યારે બાપુ પાછળ બેસીને આરામથી હરિ સ્મરણ કરતા. ક્યારેય કોઈની પાસે કશું જ માગવું નહીં તેવા વ્રત સાથે તેઓ જીવ્યા. દર્શનાર્થીઓને પ્રસાદીરૂપે સુકામેવા કે સાકર આપતા.

​”સાધુ તો ચલતા ભલા, શ્વાસ છે ત્યાં સુધી સેવા છે”

— વર્ષ ૧૯૮૫-૮૬ માં દીપડાના જોરદાર હુમલામાં ઘવાયેલા બાપુએ ખાંભા હોસ્પિટલમાં સારવાર દરમિયાન ડોક્ટરે આરામ કરવાની સલાહ આપી ત્યારે આ માર્મિક શબ્દો કહ્યા હતા.

ખાખડા ​બાપુનું જીવન માત્ર તપ પૂરતું સીમિત નહોતું, પરંતુ લોકકલ્યાણ માટે સમર્પિત હતું:

 વર્ષ ૧૯૮૭-૮૮ ના ભયાનક દુષ્કાળ વખતે તેમણે તાતણીયા ગીદરડી હનુમાન મંદિર પાસે કૂવો ગાળીને સમગ્ર વિસ્તારની પાણીની તરસ છીપાવી હતી.

​સેવકો અને ભક્તોની મેદની: વર્ષ ૨૦૦૭-૦૮ માં પિતૃ મોક્ષાર્થે યોજાયેલી ભવ્ય ભાગવત સપ્તાહ હોય કે રવિવારની ધાર્મિક સભાઓ, આ જગ્યાએ અનેક નામી-અનામી ભક્તો ઊમટતા. આ પાવન સાનિધ્યમાં આત્મિક શાંતિ અનુભવનારાઓમાં મુખ્યત્વે:

​સ્વ. બાલુબાપા ગઢીયા

​આર.ડી. ઝાલા સાહેબ, 

​જગા માધુ લાતીવાળા, 

​વનરાજભાઈ તખુભાઈ ખુમાણ (હાથસણીવાળા, સાવરકુંડલા), 

​ઘોહાભાઈ તળાવિયા (જેમને ૩૩ વર્ષ સુધી બાપુની સેવા કરવાનો લ્હાવો મળ્યો), 

​ભૂપતભાઈ યાદવ, 

​પત્રકાર વિનોદ પંડ્યા, 

​ઝાલુભાઈ સરપંચ, 

​ધીરુભાઈ પંડ્યા, 

​મહંત શ્રી નંદરામબાપુ, 

​ડોક્ટર જયંતીભાઈ ભાડ (વાંકિયા), 

​આંબાભાઈ પૂંભડિયા, 

​વાજસુરભાઈ ભમ્મર, 

​પ્રવીણ મહેતા, 

​ડો. હર્ષદ બગથળીયા, 

​ડો. પ્રતાપભાઈ અધવર્યુ, 

​ધનાભાઈ વાણંદ, 

​જયસુખભાઈ જોષી, 

​હરિભાઈ મોર, 

​આદમભાઈ બીલખીયા, 

​મધુકાંત પરડવા (લાસા), 

​શામળાભાઈ કાતરીયા, 

​વલ્લભભાઈ કાતરીયા (ધાવડિયા), 

​આ ઉપરાંત આસપાસના તમામ ગામોના શ્રદ્ધાળુઓ અને તબીબો પણ બાપુના સાનિધ્યમાં લીન રહેતા.

​સાવરકુંડલા સાથે વિશેષ લગાવ: પૂ. ખાખડા બાપુને સાવરકુંડલા પ્રત્યે ખાસ લગાવ હતો. *અહીં વનરાજભાઈ ખુમાણના નિવાસસ્થાને આવેલ એક અલગ મકાનમાં પૂ. બાપુએ નિવાસ કરી સાવરકુંડલાના સેવકોને ભજન-સત્સંગનો અમૂલ્ય લ્હાવો આપ્યો હતો.*

​દિવ્ય દેહત્યાગ અને પ્રાચી ક્ષેત્રે બનેલો અદ્ભુત ચમત્કાર

​વર્ષ ૨૦૦૯ ના શ્રાવણ સુદ અગિયારસે સાંજે ૬:૧૦ કલાકે અમરેલી મુકામે આ દિવ્ય દીપ બ્રહ્મલીન થયો. છેલ્લા ૨૦ એક વર્ષથી સેવા આપતા સેવક વનરાજભાઈ ખુમાણ અને તેત્રીસ વરથી પૂ. બાપુના સેવક ઘોહાભાઈ તળાવિયા સહિતના સેવકગણને બાપુ કહેતા કે *”આ શ્રાવણ સુદ અગિયારશે હરિદ્વાર જવું છે.” પરંતુ તે કયું હરિદ્વાર હતું તે બાપુના દેહત્યાગ બાદ જ સહુને સમજાયું.*

​ પૂ. બાપુના અસ્થિ વિસર્જન માટે પ્રાચી ગયેલા ભક્તોને તેમની કૃપાનો અદ્ભુત અનુભવ થયો. વિસર્જન સમયે તાતણીયાનો લુહારનો ૧૮ વર્ષનો એક યુવાન નદીના પાણીના પ્રવાહમાં ડૂબ્યો. વનરાજભાઈ ખુમાણ અને ભૂપતભાઈ યાદવે ૨૦-૨૫ મિનિટની ભારે જહેમત બાદ આખો પ્રવાહ ખોળીને તે યુવાનને બેભાન અવસ્થામાં બહાર કાઢ્યો. સૌએ આશા છોડી દીધી હતી અને બાપુને બે હાથ જોડી પ્રાર્થના કરી: “આપના કાર્ય માટે આવ્યા છીએ અને કાળી ટિલી લાગે નહીં… હવે આપના આશરે છીએ.*” આ પ્રાર્થના અસર કરી ગઈ હશે અને ઈશ્વરીય ચમત્કારથી એ યુવાન સ્વસ્થ થઈ ગયો!* ત્યાં ઉપસ્થિત તમામનો આશ્ચર્યનો પાર ન રહ્યો.. 

​વિશાળ ભંડારો અને પ્રમાણિકતા: બાપુના દે વિલય  બાદ યોજાયેલા મહાભંડારામાં *આશરે ૪૫,૦૦૦ ભક્તોએ પ્રસાદ લીધો,* જેમાં *સાવરકુંડલાના ૨૮ જેટલા રસોઈયાઓએ નિસ્વાર્થ ભાવે સેવા આપી હતી.* જૂનાગઢના નમ્રમુનિ મહારાજસાહેબે ભંડારામાં ન આવી શકતા ભારે હૈયે દુઃખ વ્યક્ત કરી આર.ડી. ઝાલા સાહેબ મારફત ₹૨.૫ લાખ મોકલ્યા હતા. જોકે, *સેવક વનરાજભાઈ ખુમાણ અને ઘોહાભાઈ તળાવિયાની આગેવાનીમાં સેવકો દ્વારા જ ખર્ચ પહોંચી વળાયો હોવાથી તેમાંથી માત્ર ₹૫૦,૦૦૦ વાપરીને બાકીના ₹૨ લાખ ઝાલા સાહેબ મારફત સવિનય પરત કરવામાં આવ્યા હતા.*

​કાળક્રમે જંગલ ખાતા દ્વારા ભાંગલવડ વિસ્તાર પ્રતિબંધિત જાહેર કરાતાં, *હાલમાં ધાવડિયા ગામ પાસે ‘ભૂતપતીની જગ્યા’ ખાતે પૂ. બાપુના ગુરુભાઈ રઘુવીર દાસ બાપુ દ્વારા આ સેવાયજ્ઞ અને પરંપરા અવિરતપણે ચલાવવામાં આવી રહી છે.*

​ઓમ પ્રકાશ બાપુએ ક્યારેય કોઈને શિષ્ય બનાવ્યા નહીં, કારણ કે તેઓ માનવીને પોતાના નહીં પરંતુ ‘પરમાત્માના’ બનાવવામાં માનતા હતા. દેહવિલય પછી પણ તેમની તપસ્યા, ભક્તિ અને કરુણાની મહેંક ગીરની ધરા પર સદા અમર રહેશે.

​ સંત કૃપા સદા સહાયતે ।

Related Posts