ભાવનગર

તળાજાના ટીમાણા ગામે પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા ૫૦થી વધુ વૃક્ષોનું રોપણ

એકતા અને પર્યાવરણ જતનનો વૃક્ષારોપણ દ્વારા આપ્યો સંદેશ

તળાજા તાલુકાના ટીમાણા ગામે ગ્રામજનો અને પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા એક ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત પર્યાવરણની જાળવણી અને માનવજીવન માટે અતિ ઉપયોગી એવા દેશી કુળના લીમડા, વડ, કરંજ સહિતના ૫૦થી વધુ ઔષધીય અને છાંયડો આપતા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું.

આ સુંદર આયોજનમાં ગામના વડીલો, ઉત્સાહી યુવાનો અને બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા. વડીલોના માર્ગદર્શન હેઠળ યુવાનો અને બાળકોએ એકસાથે મળીને કરેલી આ કામગીરી ગામની એકતા, શિસ્ત અને ઉચ્ચ સંસ્કારોનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડે છે.

માત્ર વૃક્ષારોપણ જ નહીં, પરંતુ વાવેલા તમામ છોડ પૂર્ણપણે ઉછેરીને ઘટાદાર વૃક્ષ ન બને ત્યાં સુધી તેની પૂરતી સંભાળ અને જતન કરવાની સામૂહિક જવાબદારી પણ સૌ પ્રકૃતિ પ્રેમીઓએ સ્વીકારી હતી. અંતમાં કુદરતનો આભાર માનીને સમગ્ર કાર્યક્રમ સંપન્ન થયો હતો.

Related Posts