અમરેલી માનવતા વાદી તબીબ અને અનુકંપા ફાઉન્ડેશ ના મોભી ડો કાનાબાર ની દૂરંદેશી હંમેશા કલ્યાણકારી રહી છે ટુ વ્હીલર ફોર ટૂ એક નાનકડી પહેલ.
સંવેદનશીલતાનો આગવો સંદેશ.
દરરોજ જ્યારે આપણે આપણા ટૂ-વ્હીલર પર મુસાફરી કરીએ છીએ, ત્યારે રસ્તામાં અનેક લોકો પગપાળા ચાલતા જોવા મળે છે—ક્યારેક તડકાની અસહ્ય ગરમીમાં, ક્યારેક વરસાદમાં ભીના થતા, તો ક્યારેક ભારે સામાન લઈને.
કોઈ વૃદ્ધ ધીમે ધીમે પોતાના ઘરે જઈ રહ્યા હોય છે. કોઈ માતા પોતાના બાળકનો હાથ પકડીને ચાલતી હોય છે. કોઈ વિદ્યાર્થી પરીક્ષા આપવા ઉતાવળમાં દોડી રહ્યો હોય છે, તો કોઈ મજૂર દિવસભરની મહેનત પછી થાકેલો ઘરે પરત ફરી રહ્યો હોય છે.
એક ક્ષણ માટે આપણા મનમાં વિચાર આવે છે..
“શું હું તેમને લિફ્ટ આપું?”
પરંતુ… આપણે આગળ વધી જઈએ છીએ.
એટલા માટે નહીં કે આપણને તેવી ભાવના નથી, પણ આપણે એટલા માટે સંકોચ અનુભવીએ છીએ કેમ કે આપણને લાગે છે કે કદાચ અજાણી વ્યક્તિ પાસેથી લિફ્ટ સ્વીકારવામાં તેમને ખચકાટ થશે.
બીજી તરફ, જે વ્યક્તિ ચાલીને જઈ રહી છે તેને ખરેખર લિફ્ટની જરૂર હોવા છતાં તે પણ કંઈ બોલી શકતી નથી, કારણ કે આપણા સમાજમાં અજાણી વ્યક્તિ પાસે લિફ્ટ માંગવી આજે પણ નોરમલ – ઉચિત સામાજિક વર્તન માનવામાં આવતું નથી.
આ બન્ને તરફનું મૌન અને સંકોચ દરરોજ હજારો નાની પરંતુ સુંદર સંવેદનશીલ ઘટનાને આકાર લેતા અટકાવે છે.
અનુકંપા ફાઉન્ડેશન આ માઇન્ડ સેટ- માનસિકતા બદલવા માંગે છે.
અમારા અભિયાન “ટૂ વ્હીલર ફોર ટૂ” દ્વારા અમે એવું વાતાવરણ સર્જવા માગીએ છીએ જ્યાં ટૂ-વ્હીલર પર લિફ્ટ આપવી અને જરૂરિયાતમંદ દ્વારા તે નિઃસંકોચ સ્વીકારવી—એક સ્વાભાવિક અને સામાજિક રીતે સન્માનજનક માનવતાનું કાર્ય બની જાય.
આ માટે અમે એવા જવાબદાર નાગરિકોનું શહેરવ્યાપી વોલયનટરો – સ્વયંસેવકોનું નેટવર્ક ઉભું કરી રહ્યા છીએ, જે નિયમિત રીતે ટૂ-વ્હીલર ચલાવે છે અને શક્ય હોય ત્યારે જરૂરિયાતમંદ વ્યક્તિને સુરક્ષિત રીતે લિફ્ટ આપવા તૈયાર રહે છે.
સમાજમાં વિશ્વાસ વધે અને વધુ લોકો આ અભિયાન સાથે જોડાય તે માટે ડૉક્ટરો, વકીલો, શિક્ષકો, ઉદ્યોગપતિઓ, વ્યાવસાયિકો, સમાજસેવકો, વિવિધ ક્ષેત્રોના આગેવાનો અને અન્ય પ્રતિષ્ઠિત નાગરિકો આ પહેલમાં જોડાઈને પોતે ઉદાહરણ પૂરું પાડે તેવો અમારો સંનિષ્ઠ પ્રયાસ રહેશે.
અમારો હેતુ માત્ર કોઈને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવાનો નથી. અમારો હેતુ એવી વ્યવસ્થાનું નિર્માણ કરવાનો છે જ્યાં સંવેદના બતાવવી સ્વાભાવિક બને, પરસ્પર વિશ્વાસ મજબૂત બને અને એકબીજાની મદદ કરવી આપણા રોજિંદા જીવનનો અનિવાર્ય ભાગ બની જાય.જરા કલ્પના કરો…
એવું શહેર જ્યાં કોઈ વૃદ્ધ વ્યક્તિ મદદ સ્વીકારવામાં સંકોચ અનુભવે નહીં.
જ્યાં બાળક સાથે ચાલતી કોઈ માતાને અનાવશ્યક લાંબું અંતર પગપાળા ન જવું પડે.
જ્યાં દરેક ટૂ-વ્હીલર ચાલક માત્ર એક વધારાની સીટ જ નહીં, પરંતુ માનવતાને જીવંત રાખવાની એક વધારાની તક સમજીને ચાલે.
કારણ કે…
સમાજમાં પરિવર્તન લાવવા માટે હંમેશા મોટા અને ભવ્ય કાર્યો કરવાની જરૂર નથી.
શરૂઆત તો માત્ર એક ખાલી સીટથી પણ થઈ શકે છે !
TWO WHEELER FOR TWO એટલે …
એક વધારાની સીટ = અસંખ્ય સંવેદનાસભર કાર્યોની અનંત સંભાવનાઓ.
















Recent Comments