અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને અને ધારી-બગસરા-ખાંભા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી જે.વી. કાકડિયા તથા લાઠી-બાબરા મત વિસ્તારના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયાની ઉપસ્થિતિમાં ક્લેક્ટર કચેરી ખાતે સપ્ટેમ્બર મહિનાની જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ ધારાસભ્યશ્રીઓ દ્વારા રજૂ થયેલા પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં અગાઉ રજૂ થયેલા પ્રશ્નોનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવા માટે સંબંધિત વિભાગોને જરૂરી સૂચના આપીને જરૂરી કાર્યવાહી કરવા પર ભાર મૂક્યો હતો.
ધારાસભ્ય શ્રી જે.વી.કાકડિયા દ્વારા ધારી સિટી વિસ્તારમાંથી પસાર થતા સ્ટેટ્સ હાઈવે પરના ટ્રાફિકનું નિવારણ, નિર્માણાધીન માર્ગોની કામગીરી ઝડપી પૂર્ણ કરવા, ધારી-બગસરા-ખાંભા વિસ્તારમાં સ્પોર્ટ્સ સંકુલ નિર્માણ માટેના સૂચન બાદ થયેલી કામગીરીની પ્રગતિ અંગે, ચોમાસાને ધ્યાને લઈને ખેડૂતોને વાયર ફેન્સિંગ કામગીરી માટે મુદ્દતમાં વધારો કરી આપવા સહિતના પ્રશ્નો બેઠકમાં રજૂ કરવામાં આવ્યા હતા.
ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા દ્વારા જમીન માપણી અને જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી ડેનીભાઈ પરમાર દ્વારા પણ જનહિતના વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.
વધુમાં જિલ્લા કલેક્ટરશ્રીએ ખેડૂતોને રાસાયણિક ખાતર અને અન્ય જરૂરી પુરવઠાનો નિયમિત પ્રવાહ મળતો રહે તે માટે જરૂરી દિશા-નિર્દેશ આપ્યા હતા. સાથો સાથ જનપ્રતિનિધિશ્રીઓના પ્રશ્નોનું આંતરિક સંક્લનથી હકારાત્મક ઉકેલ લાવવા માટે સંબંધિત વિભાગો સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની પણ બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દ્વારા માસિક વિતરણ અંગેની માહિતી આપવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રજાપતિ, સુપર ન્યુમરરી આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી હર્ષિતા ગોયલ, નિવાસી અધિક કલેકટરશ્રી એ.એ.ડોડિયા, સર્વે પ્રાંત અધિકારીશ્રીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
















Recent Comments