અમરેલી જિલ્લો એશિયાટિક સિંહોના સૌથી મોટા વસવાટ ધરાવતા વિસ્તારોમાંનો એક માનવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગીર અને આસપાસના જંગલ વિસ્તારોમાંથી સિંહો ગામડાઓ અને ખેતીવાડી વિસ્તારોમાં વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. સાથે જ માનવ પર સિંહના હુમલાની ઘટનાઓમાં પણ વધારો નોંધાતા આ મુદ્દો સંશોધન અને અભ્યાસનો વિષય બન્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ સ્થિત આત્મીય યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના ડીન, પ્રોફેસરો અને વિદ્યાર્થીઓએ અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ અને માનવના સહઅસ્તિત્વ અંગે સંશોધન શરૂ કર્યું છે.
સંશોધન ટીમે લીલીયા તાલુકાના અંતળિયા, કરાંકચ સહિત આસપાસના અનેક ગામોની મુલાકાત લઈને સ્થાનિક ગ્રામજનો, ખેડૂતો અને પશુપાલકો સાથે સીધી વાતચીત કરી હતી. આ દરમિયાન સિંહોના ગામમાં આવવાના કારણો, ખેતરોમાં તેમની અવરજવર, માનવ પર થતા હુમલાના સંજોગો તેમજ સિંહ અને માનવ વચ્ચેના વર્તનના વિવિધ પાસાઓ અંગે વિગતવાર માહિતી એકત્રિત કરવામાં આવી હતી. ટીમ દ્વારા પ્રશ્નાવલિ આધારિત સર્વે પણ હાથ ધરવામાં આવ્યો હતો, જેના આધારે વૈજ્ઞાનિક રીતે માહિતીનું વિશ્લેષણ કરવામાં આવશે.
આત્મીય યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના પ્રોફેસર શિવુભા જાડેજાએ જણાવ્યું હતું કે મનોવિજ્ઞાન માત્ર માનવના વર્તન સુધી મર્યાદિત નથી, પરંતુ માનવ અને પ્રાણીઓ વચ્ચેના સંબંધો અને તેમની પરસ્પર ક્રિયાઓનો પણ અભ્યાસ કરે છે. અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સિંહ દ્વારા માનવ પર થતા હુમલાના બનાવોને ધ્યાનમાં રાખીને આ સંશોધન શરૂ કરવામાં આવ્યું છે. સંશોધનનો મુખ્ય હેતુ એ જાણવાનો છે કે સિંહ ગામોમાં શા માટે આવે છે, માનવ સાથેના સંઘર્ષના મૂળ કારણો શું છે અને કયા સંજોગોમાં હુમલાની શક્યતા વધે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે સંશોધન દરમિયાન સિંહનું માનવ પ્રત્યેનું વર્તન, માનવનું સિંહ પ્રત્યેનું વર્તન, ખેતરોમાં સિંહોની અવરજવર, પશુધનના શિકારની સ્થિતિ અને સ્થાનિક લોકોના અનુભવોને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે. સર્વેમાંથી પ્રાપ્ત માહિતીનું વિશ્લેષણ કર્યા બાદ સમગ્ર અભ્યાસના આધારે એક સંશોધન પેપર તૈયાર કરવામાં આવશે. આ સંશોધન ભવિષ્યમાં સિંહ-માનવ સંઘર્ષ ઘટાડવા, લોકોમાં જાગૃતિ લાવવા તેમજ વન્યજીવ સંરક્ષણ અને માનવ સુરક્ષા માટે ઉપયોગી સાબિત થઈ શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
સ્થાનિક ગ્રામજનોએ પણ સંશોધન ટીમને પોતાના અનુભવો જણાવતાં જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં સિંહો ગામની સીમ, ખેતરો અને પશુઓની નજીક વધુ જોવા મળે છે. આવા સંજોગોમાં વૈજ્ઞાનિક અભ્યાસ દ્વારા સાચા કારણો બહાર આવશે અને ભવિષ્યમાં યોગ્ય આયોજન અને અસરકારક ઉપાયો ઘડવામાં વન વિભાગ તથા સ્થાનિક તંત્રને પણ મદદ મળશે.


















Recent Comments