સાવરકુંડલા ગુરુકુળ ખાતે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગાંધીનગર યુનિસેફ (UNICEF) તેમજ અમરેલી જિલ્લા પોલીસ અને સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે ‘જીવન કૌશલ્ય અને બાળસુરક્ષા’ વિષય પર વિશેષ જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગાંધીનગરથી ખાસ ઉપસ્થિત રહેલા યુનિસેફના અધિકારીઓ શ્રી કેશવ કર્ણાવત અને બિનલબેન પટેલે વિદ્યાર્થીઓને વર્તમાન સમયમાં જીવન કૌશલ્યનું મહત્વ, બાળસુરક્ષાના કાયદાઓ તેમજ રોજિંદા જીવનમાં ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
કાર્યક્રમમાં સાવરકુંડલા તાલુકાના ડી.વાય.એસ.પી. શ્રી વિરલ ચંદન સાહેબ તેમજ સાવરકુંડલા ટાઉન પી.આઈ. શ્રી કે. બી. સોલંકી સાહેબે ખાસ હાજરી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને સાયબર સુરક્ષા, કાયદાકીય જાગૃતિ અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પોલીસ સહાય મેળવવા અંગે વ્યવહારુ માર્ગદર્શન આપ્યું હતું.
સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી કોઠારી અક્ષર મુક્ત દાસજી સ્વામીએ ઉપસ્થિત તમામ મહાનુભાવોનું શાબ્દિક અને પુષ્પગુચ્છથી ભાવભર્યું સ્વાગત કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સુચારુ આયોજન અને વ્યવસ્થા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના કર્મચારી હર્ષદભાઈ તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
આ પ્રસંગે શાળાના ડાયરેક્ટર, આચાર્યશ્રી, શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરિવાર અને પોલીસ ટીમે ભારે જહમત ઉઠાવી હતી.


















Recent Comments