આજરોજ ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે કે.કે.મેહતા સિવિલ હોસ્પિટલ પરિસરમાં રૂ. ૫,૫૦૦ લાખ (અંદાજે રૂ. ૫૫ કરોડ)ના ખર્ચે નવનિર્મિત થનાર જિલ્લાકક્ષાની મલ્ટીસ્પેશિયાલિટી અને ક્રિટિકલ કેર સહિત સુવિધાસંપન્ન હોસ્પિટલના વિકાસકામનું રાજ્ય આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ. આ તકે સાવરકુંડલા-લીલીયા વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આ નવી હોસ્પિટલ સાવરકુંડલા અને આસપાસના વિસ્તારના નાગરિકો માટે આરોગ્ય ક્ષેત્રે આશીર્વાદરૂપ સાબિત થશે. ચાર માળનું અત્યાધુનિક બિલ્ડિંગ, ૨૯૨ બેડની ક્ષમતા ધરાવતું હશે. આ હોસ્પિટલમાં ૨૪ કલાક કાર્યરત ક્રિટિકલ કેર બ્લોક (ઇમરજન્સી સારવાર), IPHL ઇન્ટેલિજન્ટ પબ્લિક હેલ્થ લેબોરેટરી‘, નવજાત બાળકો માટે SNCU (ICU યુનિટ) અને આધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટર જેવી વૈશ્વિક કક્ષાની સુવિધાઓ ઉપલબ્ધ હશે.
આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા રાજ્ય આરોગ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું કે, આ અદ્યતન હોસ્પિટલમાં પ્રજાજનો માટે આરોગ્યની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે અને આસપાસના અંતરિયાળ ગામડાઓ માટે આ જિલ્લાકક્ષાની હોસ્પિટલ આશીર્વાદરૂપ નીવડશે. રાજ્ય સરકાર સતત અને અવિરત આરોગ્ય સેવાઓની સુવિધાઓ વધુ વિકસિત બનાવવા માટે પૂરી કટિબદ્ધતા સાથે આગળ ધપી રહી છે. વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે, અદ્યતન ખાનગી હોસ્પિટલમાં હોય તે જ પ્રકારની અને તેનાથી પણ વધુ સુવિધાસંપન્ન સરકારી હોસ્પિટલોનું નિર્માણ થઈ રહ્યું છે. રાજ્યના ગરીબ અને વંચિત પરિવારોને પણ આરોગ્યની ઉત્તમ સેવાઓનો લાભ મળે તે માટે રાજ્ય સરકાર અવિરત પ્રયત્નશીલ છે.
રાજ્ય આરોગ્ય મંત્રીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતુ કે, આજનો સમય પ્રાકૃતિક કૃષિ તરફ પ્રયાણ કરવાનો સમય છે. આપણે ‘ફેમિલી ડોક્ટર’ની જેમ ‘ફેમિલી ફાર્મર‘ વિશે વિચાર કરીને તે દિશામાં આગળ વધવું જરૂરી બન્યું છે. ઉપરાંત સમાજમાં પરસ્પર પ્રેમ, કરુણા અને દયાની પવિત્ર ત્રિવેણી ભાવનાઓ થકી જ સમાજને વધુ સશક્ત બનાવી શકાય છે.
ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાએ જણાવ્યું કે, સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં સાવરકુંડલા એક એવો વિસ્તાર છે,જ્યાં અવિરત વિકાસની હેલી વરસી રહી છે. તેમણે નાગરિકોના સપનાઓ સાકાર થાય અને સાવરકુંડલાના સમગ્ર વિસ્તારને વધુ વિકસિત બનાવવાની નેમ વ્યક્ત કરી હતી.
આરોગ્ય રાજ્યમંત્રીશ્રીએ સાવરકુંડલા સ્થિત “શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર”ની વિશેષ મુલાકાત લીધી હતી અને હોસ્પિટલની તબીબી સુવિધાઓનું નિરીક્ષણ કરીને સેવાકીય અભિગમને બિરદાવ્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દક્ષાબેન ચોડવડીયા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ હોદ્દેદારશ્રી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી દક્ષાબેન મહીડા, સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ શ્રી નયનાબેન કાપડીયા, ઉપપ્રમુખ શ્રી નુતનબેન તન્ના, એસ.ઈ.પી.આઈ.યુ ગાંધીનગર શ્રી એસ.સી.મિસ્ત્રી, પ્રાંત અધિકારી શ્રી ઝીલ પટેલ, આર.ડી.ડી ભાવનગર શ્રી ડો. હરેશ વાળા, સી.ડી.એચ.ઓ અમરેલી ડો. સિંઘ, સાવરકુંડલા મામલતદાર શ્રી દેસાઈ, તાલુકા વિકાસ અધિકારી શ્રી જિગ્નેશ વાઘાણી સહિત બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments