સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડોક્ટરની આત્મહત્યાની દુઃખદ ઘટનાને રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ અત્યંત ગંભીરતાથી લીધી છે. ઘટનાની ગંભીરતા જોઈને તેમણે તાત્કાલિક ધોરણે પેનલ તેમજ ફોરેન્સિક પીએમ (PM) કરાવવાના આદેશો જારી કર્યા હતા.
આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની કડક સૂચના બાદ રચાયેલી વિશેષ તપાસ કમિટીએ રાત-દિવસ એક કરીને માત્ર ૨૪ કલાકમાં જ તપાસ પૂર્ણ કરી હતી. કમિટીના અહેવાલમાં રેગિંગ અને માનસિક ત્રાસની પુષ્ટિ થતાં જ જવાબદાર ચાર સીનિયર ડોક્ટરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે જ, આ પ્રકારની ઘટના રોકવામાં નિષ્ફળ રહેવા બદલ નવી સિવિલ હોસ્પિટલના સંબંધિત વિભાગના HOD અને ટીચિંગ સ્ટાફને ‘શો-કોઝ’ નોટિસ પાઠવવામાં આવી છે. મંત્રીશ્રીના આ કડક વલણથી રેગિંગ કરનારા તત્વો સામે સ્પષ્ટ સંદેશ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.
આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને રચાયેલી તપાસ કમિટીએ રાત્રે ૯:૩૦ વાગ્યાથી સવાર સુધી સતત કામગીરી કરી પ્રથમ વર્ષના ૮૦થી વધુ જુનિયર ડોક્ટરોના નિવેદન નોંધ્યા હતા. જોકે મૃતક ડોક્ટર પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી, પરંતુ તેમની સાથે અભ્યાસ કરતા સહઅધ્યાયીઓના નિવેદનો પરથી સ્પષ્ટ થયું છે કે, સીનિયર ડોક્ટરો દ્વારા તેમને અવારનવાર માનસિક ટોર્ચરિંગ અને હેરાનગતિ કરવામાં આવતી હતી.
એન્ટી રેગિંગ કમિટીના પ્રાથમિક અહેવાલના આધારે માનસિક ત્રાસ આપવા માટે સીધા જવાબદાર એવા ૦૪ સીનિયર ડોક્ટરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, જુનિયર ડોક્ટરોની સુરક્ષા અને યોગ્ય સંચાલનની પોતાની પ્રાથમિક જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહેવા બદલ કોલેજના HOD સહિત સંબંધિત ટીચિંગ સ્ટાફને પણ ‘શો-કોઝ’ નોટિસ આપી જવાબ માગવામાં આવ્યો છે.
મંત્રીશ્રી પાનશેરીયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જુનિયર ડોક્ટરોનું અપમાન કરવું કે માનસિક ત્રાસ આપવો એ આપણી સંસ્કારિતા નથી. આવી નિંદનીય અને કલંકિત ઘટનાઓમાં સામેલ થનારા કોઈપણ વ્યક્તિ સામે ભવિષ્યમાં પણ સરકાર દ્વારા કડકમાં કડક પગલાં ભરવામાં આવશે. સીનિયર ડોક્ટરોને શિસ્ત અને માનવતા દાખવવાની અપીલ કરતા તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, તબીબી ક્ષેત્રે સેવા આપવા આવેલા ડોક્ટરો જો આવી પ્રવૃત્તિમાં જોડાશે તો રેગિંગનું આ કલંક તેમની આખી જિંદગી અને ભવિષ્યના કરિયરને સંપૂર્ણપણે બરબાદ કરી દેશે.
મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને અપીલ કરતા જણાવ્યું હતું કે, જો કોલેજમાં કોઈ પણ સીનિયર દ્વારા હેરાનગતિ કરવામાં આવે, રેગિંગ થાય કે પરીક્ષામાં નાપાસ કરવાની ધમકી આપવામાં આવે, તો કોઈપણ વિદ્યાર્થીએ મનમાં મૂંઝવણ કે આત્મહત્યા કરવા જેવા ગંભીર પગલાં તરફ જવાની બિલકુલ જરૂર નથી. આવી કોઈપણ પરિસ્થિતિમાં ડર્યા વગર તાત્કાલિક તમારા ડીન, કોલેજ નિયામકશ્રી અથવા તો સીધો મારો કે રાજ્ય સરકારનો સંપર્ક કરો. તમારી સુરક્ષા અને ઉજ્જવળ ભવિષ્ય માટે રાજ્ય સરકાર તમારી સાથે જ ઊભી છે એમ મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને હિંમત આપતા જણાવ્યું હતું.
સુરત નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરની આત્મહત્યાની ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ મૃતક ડોક્ટરના પિતાશ્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. મંત્રીશ્રીએ પરિવારજનો પ્રત્યે ઊંડા શોકની સંવેદના વ્યક્ત કરી તેમને સાંત્વના પાઠવી હતી. વાતચીત દરમિયાન મંત્રીશ્રીએ પરિવારને ખાતરી આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર એક માનવતાવાદી અભિગમ સાથે આ દુઃખની ઘડીમાં પીડિત પરિવારની સાથે ઊભી છે. ઘટનામાં જવાબદાર કોઈ પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે અને મૃતક ડોક્ટર તથા તેમના પરિવારને સંપૂર્ણ ન્યાય મળશે તેવી ખાતરી આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા દ્વરા આપવામાં આવી હતી


















Recent Comments