અમરેલી : અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે. કે. પારેખ કોમર્સ કોલેજ, અમરેલી ખાતે તા. ૧૦ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ “વિશ્વ સિંહ દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે કોલેજના વિદ્યાર્થીઓ અને કર્મચારીગણની ઉપસ્થિતિમાં સિંહ સંરક્ષણ શપથવિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન કોલેજના સીનીયર પ્રાધ્યાપક પ્રો. જે. એમ. તળાવીયા દ્વારા વિદ્યાર્થીઓને આપણા ગૌરવશાળી એશિયાટિક સિંહ અને તેના કુદરતી નિવાસસ્થાનના સંરક્ષણ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ સિંહો તથા અન્ય વન્યજીવો પ્રત્યે પ્રેમ, કરુણા અને જવાબદારીની ભાવના રાખવા તેમજ વન્યજીવોના સંરક્ષણ માટે હંમેશા પ્રયત્નશીલ રહેવાની સામૂહિક શપથ લીધી હતી.
આ પ્રસંગે વિદ્યાર્થીઓએ “સિંહ બચાવીએ, પ્રકૃતિ બચાવીએ” અને “ગીરનું ગૌરવ – સિંહનું સંરક્ષણ” જેવા સંદેશો દ્વારા સિંહ સંરક્ષણ અને પર્યાવરણ જાગૃતિનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં વન્યજીવ સંરક્ષણ, પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને સિંહોના અસ્તિત્વના મહત્વ અંગે જાગૃતિ કેળવવાનો હતો. સિંહ માત્ર ગુજરાતની ઓળખ અને ગૌરવ જ નથી, પરંતુ સમગ્ર જૈવવિવિધતાના સંરક્ષણનું મહત્વપૂર્ણ પ્રતીક છે, તે અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે કોલેજના આચાર્યાશ્રી, અધ્યાપકગણ, એન.એસ.એસ. તથા એન.સી.સી.ના સ્વયંસેવકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. એ. બી. ગોરવાડીયા તથા ડો. એ. જી. પટેલ અને એન.સી.સી. પ્રોગ્રામ ઓફિસર પ્રો. ડબ્લ્યુ. જી. વસાવા અને તમામ અધ્યાપકગણ અને કર્મચારીઓએ જરૂરી સહયોગ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સુચારુ આયોજન અને સંચાલન એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. એ. બી. ગોરવાડીયા દ્વારા કરવામાં આવ્યું હતું.
વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યોજાયેલ આ સિંહ સંરક્ષણ શપથવિધિ દ્વારા વિદ્યાર્થીઓમાં વન્યજીવો પ્રત્યે સંવેદનશીલતા અને પર્યાવરણ સંરક્ષણની ભાવના વધુ મજબૂત બની હતી.
આ સમગ્ર આયોજન બદલ અમરેલી જિલ્લા વિદ્યાસભાના પ્રમુખ અને સર્વોત્તમ શિક્ષણના સ્વપ્નદ્રષ્ટા શ્રી વસંતભાઈ ગજેરા, મંત્રી શ્રી મનસુખભાઈ ધાનાણી, શ્રી ચતુરભાઈ ખુંટ, અમરેલી જિલ્લા વિદ્યાસભાના નિયામક ડો. અતુલભાઇ પટેલ તેમજ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ભારતીબેન ફીણવીયાએ સમગ્ર કોલેજ પરિવાર અને વિદ્યાર્થીઓને હૃદયપૂર્વકના અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી.


















Recent Comments