અમરેલી

સાવરકુંડલાથી સોમનાથ પદયાત્રાનો મંગલ પ્રારંભ: છેલ્લા ૩૨ વર્ષથી ચાલી આવતી પરંપરા અંતર્ગત ૩૩મી પદયાત્રાનું પ્રસ્થાન.

શ્રી સોમનાથ પદયાત્રા સંઘ – સાવરકુંડલા દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સાવરકુંડલાથી પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ સુધીની વાર્ષિક પદયાત્રાનો આજરોજ ઉત્સાહભેર પ્રારંભ થયો છે. છેલ્લા ૩૨ વર્ષથી અવિરતપણે યોજાતી આ પદયાત્રા આ વર્ષે સફળતાપૂર્વક ૩૩મા વર્ષમાં પ્રવેશ કરી ચૂકી છે.

​આ વર્ષે યોજાયેલી ૩૩મી પદયાત્રામાં સાવરકુંડલા ઉપરાંત સુરત, મુંબઈ અને અમદાવાદ જેવાં મહાનગરોમાંથી આવેલા શિવભક્તો સહિત અંદાજે ૭૦થી ૮૦ જેટલાં પદયાત્રીઓ અને સ્વયંસેવકો જોડાયા છે. તારીખ ૧૦ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ સાવરકુંડલાથી પ્રસ્થાન થયેલો આ સંઘ તારીખ ૧૪ ઓગસ્ટના રોજ સોમનાથ ધામ પહોંચશે. ત્યાં દેવાધિદેવ મહાદેવજીના દર્શન કરી, સોમનાથ દાદાને વિધિવત ધજા રોહણ કર્યા બાદ પદયાત્રા પૂર્ણ કરવામાં આવશે.

​છેલ્લા બત્રીસ વર્ષથી આ સંઘનું આયોજન અને પદયાત્રીઓને માર્ગદર્શન પૂરું પાડવાની સેવા શૈલેષભાઈ જોશી, દર્શનભાઈ મહેતા, કમલેશભાઈ કડવાણી, વિક્રમભાઈ પરમાર, નિલેશભાઈ ચૌહાણ તથા નરેશગીરી ગોસ્વામી જેવાં નિષ્ઠાવાન શિવભક્તો દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી રહી છે.

​યાત્રાળુઓને માર્ગમાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે રસ્તામાં ઠેર-ઠેર ચા-નાસ્તો, ભોજન-પ્રસાદ તેમજ રાત્રિ રોકાણ (ઉતારા) માટેની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. સાવરકુંડલાના તમામ ધર્મપ્રેમી નાગરિકો અને શિવભક્તો આ આયોજનમાં ઉત્સાહભેર સહયોગ આપી રહ્યા છે.

Related Posts