અમરેલી ખાતે આગામી તા. ૧૫મી ઓગસ્ટના રોજ યોજાનાર ૮૦મા રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની સત્તાવાર ઉજવણીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ ઉજવણી અંતર્ગત મુખ્ય ધ્વજ વંદન કાર્યક્રમ, મલ્ટીમીડિયા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ, પોલીસ પરેડ અને શસ્ત્ર પ્રદર્શન સહિતના તમામ સરકારી આયોજનો સુચારુ અને નિયમબદ્ધ રીતે સંપન્ન થાય તે માટે સંબંધિત વિભાગો દ્વારા ગ્રાઉન્ડ લેવલ પર આખરી તબક્કાની કામગીરી અને પ્રેક્ટિસ તેજીથી આગળ ધપી રહી છે.
રાજ્યકક્ષાના આ ભવ્ય મહોત્સવના સુસારું આયોજન સંદર્ભે અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે તમામ લાઈન ડિપાર્ટમેન્ટના અધિકારીશ્રીઓની એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ મુખ્ય સરકારી પરેડ ગ્રાઉન્ડના વ્યવસ્થાપન, સ્ટેજ પ્રોટોકોલ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, ટ્રાફિક ડાયવર્ઝન પ્લાન, આમંત્રિત મહાનુભાવોની બેઠક વ્યવસ્થા તેમજ કાર્યક્રમ નિહાળવા આવનાર નાગરિકો માટે પીવાના પાણી અને પ્રાથમિક તબીબી સુવિધાઓ અંગે વિભાગવાર સઘન સમીક્ષા કરી હતી.
જિલ્લા કલેક્ટરશ્રીએ તમામ અમલીકરણ અધિકારીઓને પરસ્પર મજબૂત સંકલન સાધીને સમયમર્યાદામાં સોંપાયેલી કામગીરી પૂર્ણ કરવા દિશાનિર્દેશ આપ્યા હતા અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અને ‘વંદે માતરમ્’ ના ૧૫૦ વર્ષ અંતર્ગત તા. ૧૩ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે પોલીસ પરેડ ગ્રાઉન્ડ અમરેલી ખાતેથી ભવ્ય તિરંગા યાત્રા યોજાશે અને સાંજે ૮.૩૦ કલાકે અમરેલી સ્થિત ફોરવર્ડ હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે ‘રંગ કસુંબલ ડાયરા’નો કાર્યક્રમ યોજાશે.
આ ભવ્ય ‘રંગ કસુંબલ લોકડાયરા’ના કાર્યક્રમમાં લોકસાહિત્યમાં આંતરરાષ્ટ્રીય ક્ષિતિજે ગુજરાતનું નામ રોશન કરનારા ખ્યાતનામ લોકસાહિત્યકાર શ્રી રાજભા ગઢવી, પોતાની બુલંદ અને મધુર ગાયકીથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરનારા સુપ્રસિદ્ધ લોકગાયિકા શ્રી ઉર્વશી રાદડિયા તેમજ આજની યુવા પેઢીના હૃદયમાં ધબકતા અને વંટોળ ઊભો કરનારા લોકપ્રિય યુવા લોકગાયક શ્રી વિવેક સાંચલા પોતાની કલાનું રસપાન કરાવશે. પ્રસિદ્ધ કલાકારોની આ ત્રિવેણી બેલડીના સથવારે અમરેલીના ફોરવર્ડ હાઈસ્કૂલ મેદાનમાં શૌર્યરસ અને ભક્તિરસનો એવો માહોલ જામશે જે પ્રત્યેક કલારસિકો અને નાગરિકોને લોકસાહિત્યના અનોખા રંગે ડોલાવી દેશે. આ બંને કાર્યક્રમોમાં અમરેલીની જાહેર જનતાને સહભાગી બનવા માટે જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.


















Recent Comments