અમરેલી

અમરેલી જિલ્લામાં ૧૬ ઓગસ્ટથી ‘એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વે’નો પ્રારંભ: રોજગાર મેળવવાની સુવર્ણ તક

રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા ખરીફ સીઝન ૨૦૨૬-૨૭ માટે અમરેલી જિલ્લામાં ‘એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વે’નો પ્રારંભ આગામી તા. ૧૬ ઓગસ્ટ, ૨૦૨૬થી કરવામાં આવશે, જે સર્વેની કામગીરી તા. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી હાથ ધરવામાં આવશે.

આ સર્વેની કામગીરી માટે એન્ડ્રોઇડ મોબાઈલ અને મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ જાણતા હોય તેવા રોજગાર ઈચ્છુક વ્યક્તિઓને જોડાવા માટેની આ એક સુવર્ણ તક છે. રસ ધરાવતા ઉમેદવારો વધુ માહિતી મેળવવા માટે સંબંધિત તાલુકાના ખેતી મદદનીશ, ખેતીવાડી અધિકારી અથવા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), અમરેલી કચેરીનો (બી-૩૦૧, બહુમાળી ભવન, અમરેલી) સંપર્ક કરી શકે છે.

સર્વે કામગીરી કરનાર વ્યક્તિને પૂર્ણ કરાયેલા દરેક સર્વે દીઠ, સર્વે એપ્રુવ થયે સરકાર દ્વારા નિયત કરેલ મહેનતાણું ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફતે સીધું તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. વધુમાં, જે ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રી કરાવેલ હોય અને એપ્રુવલ મળેલ હોય, તેવા ખેડૂતો પોતાની ખેતીની જમીનનો પાક સર્વે જાતે પણ કરી શકશે.

આ માટે ખેડૂતોને પોતાના ગામના ગ્રામસેવક કે ખેતી મદદનીશનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. જિલ્લાના ખેડૂતો, ગ્રામ પંચાયતના સરપંચો તેમજ ગ્રામજનોને આ એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થાય તે માટે સંપૂર્ણ સહકાર આપવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts