અમરેલી : ૧૫મી ઓગસ્ટના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના અનુસંધાને શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ તથા અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે. કે. પારેખ કોમર્સ કોલેજ – અમરેલી ખાતે પ્રી-ઈન્ડિપેન્ડન્સ સેલિબ્રેશન અંતર્ગત વિવિધ સર્જનાત્મક, જ્ઞાનવર્ધક અને જાગૃતિપ્રેરક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રી-ઈન્ડિપેન્ડન્સ સેલિબ્રેશનના ભાગરૂપે તા. ૫ ઓગસ્ટે “મેરા ભારત – વિકસિત ભારત ૨૦૪૭” વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન થયું હતું. આ સ્પર્ધામાં પ્રો. વાય. એચ. ઠાકર અને પ્રો. જે. એમ. તળાવિયા નિર્ણાયક તરીકે રહ્યા હતા. તેમાં બી.કોમ. સેમ. 01માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની વાઘેલા દીપીકાબેન પ્રથમ ક્રમે રહ્યા હતા. તા. ૬ ઓગસ્ટે “સ્વાતંત્ર્યના ૭૯ વર્ષ : વિકસિત ભારત તરફની યાત્રા” વિષય પર નિબંધ લેખન સ્પર્ધામાં બી.કોમ. સેમ. 03ની વિદ્યાર્થીની સાવલિયા દેવાંશી પ્રથમ ક્રમે રહ્યા હતા. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ડો. એ. જી. પટેલે ભૂમિકા ભજવી હતી. તા. ૭ ઓગસ્ટે “મેરા ભારત – વિકસિત ભારત” વિષય પર રંગોળી સ્પર્ધા યોજાઈ હતી. તેમાં નિર્ણાયક તરીકે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ભારતીબેન ફીણવીયા અને ડો. એમ. એમ. પટેલ રહ્યા હતા. વિદ્યાર્થીઓએ રંગો, શબ્દો અને કલાત્મક અભિવ્યક્તિ દ્વારા વિકસિત ભારતના સ્વપ્નને જીવંત કર્યું હતું. તેમાં બી.કોમ. સેમ 01ની વિદ્યાર્થીની ભટ્ટ નેત્રા અને વિસાણી પ્રિયાંશી પ્રથમ ક્રમે રહ્યા હતા.
તા. ૮ ઓગસ્ટે ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ, ભારતીય બંધારણ અને રાષ્ટ્રનિર્માણ વિષય આધારિત ક્વિઝ સ્પર્ધા તથા ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્વિઝ દ્વારા વિદ્યાર્થીઓમાં ઐતિહાસિક અને બંધારણીય જ્ઞાનને ઉજાગર કરવામાં આવ્યું હતું. તેમાં પ્રો. જે. એમ. તળાવીયાએ સ્કોરર તરીકે અને પ્રો. ડબલ્યુ. જી. વસાવાએ ટાઈમ કીપર તરીકે ફરજ બજાવી હતી. પ્રો. ડો. એ. બી. ગોરવાડીયા ક્વિઝ માસ્ટર રહ્યા હતા. ક્વિઝ કોમ્પિટિશનમાં બી.કોમ. સેમ 03 ની વિદ્યાર્થીનીઓની ટીમ વિજેતા રહી હતી. જેમાં સોલંકી આયુષી, કળસરા જાનવી, સાવલિયા દેવાંશી અને કાલાવડીયા ઝિયા પ્રથમ ક્રમે રહ્યા હતા. જ્યારે ચેસ સ્પર્ધા દ્વારા વ્યૂહાત્મક વિચારશક્તિ અને નિર્ણયક્ષમતાને પ્રોત્સાહન મળ્યું હતું. તેમાં બી.કોમ. સેમ. 01ના વિદ્યાર્થી ડાભી બ્રિજેશ પ્રથમ ક્રમે રહ્યા હતા
તા. ૧૦ ઓગસ્ટે “સેલ્ફી વિથ તિરંગા” અભિયાનમાં વિદ્યાર્થીઓએ રાષ્ટ્રધ્વજ સાથે સેલ્ફી લઈ દેશપ્રેમની લાગણી વ્યક્ત કરી હતી. તા. ૧૩ ઓગસ્ટે સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગે જાગૃતિ અભિયાન અંતર્ગત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. એ. બી. ગોરવાડીયાએ સિંગલ યુઝ પ્લાસ્ટિક પર્યાવરણને કેવી રીતે નુકસાન કરે છે તેના વિશે જાણકારી આપી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા. તેના માધ્યમથી વિદ્યાર્થીઓમાં પર્યાવરણ સંરક્ષણ અને જવાબદાર નાગરિકત્વ અંગે જાગૃતિ કેળવવામાં આવી હતી.
આ સમગ્ર આયોજનનો મુખ્ય ઉદ્દેશ યુવા પેઢીમાં દેશપ્રેમ, રાષ્ટ્રીય એકતા, બંધારણીય મૂલ્યો, પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને વિકસિત ભારતના નિર્માણમાં યુવાનોની ભૂમિકા અંગે જાગૃતિ કેળવવાનો રહ્યો હતો. વિવિધ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને અર્થસભર બનાવી હતી.
તમામ કાર્યક્રમોનું આયોજન અને સંચાલન કોલેજના એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. એ. બી. ગોરવાડીયા તથા ડો. એ. જી. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમોની સફળતામાં કોલેજ પરિવાર અને વિદ્યાર્થીઓનો સહયોગ રહ્યો હતો.
આ કાર્યક્રમોના સફળ આયોજન બદલ અમરેલી જિલ્લા વિદ્યાસભાના પ્રમુખશ્રી અને સર્વોત્તમ શિક્ષણના સ્વપ્ન દ્રષ્ટા શ્રી વસંતભાઈ ગજેરા, મંત્રીશ્રી મનસુખભાઈ ધાનાણી, મંત્રીશ્રી ચતુરભાઈ ખુંટ, અમરેલી જિલ્લા વિદ્યાસભાના ડાયરેક્ટર શ્રી અતુલભાઇ પટેલ અને કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ભારતીબેન ફીણવીયાએ શુભેચ્છાઓ પાઠવી હતી.


















Recent Comments