અમરેલી

અમરેલીમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી: CM ભૂપેન્દ્ર પટેલે નાગનાથ મહાદેવના દર્શન કરી જળાભિષેક કર્યો

અમરેલીમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આગમન થયું હતું. અમરેલી પહોંચ્યા બાદ મુખ્યમંત્રીશ્રીએ શ્રી નાગનાથ મહાદેવ મંદિર ખાતે દર્શન કરી ભગવાન મહાદેવની શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરી હતી. મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે તેમણે ભગવાન શિવનો જળાભિષેક કર્યો હતો.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર ગુજરાતના નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ તેમજ રાજ્યની ઉત્તરોત્તર પ્રગતિ માટે ભગવાન મહાદેવને પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રીશ્રીની મંદિર મુલાકાત દરમિયાન પરિસરમાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓ અને દર્શનાર્થીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ ભાવિકો સાથે આત્મીયતા અને સાદગીભર્યો વ્યવહાર કરી સૌનું અભિવાદન સ્વીકાર્યું હતું. તેમણે શ્રદ્ધાભેર “મહાદેવ… મહાદેવ”નો નાદ કરી ઉપસ્થિત ભાવિકો પ્રત્યે સ્નેહ વ્યક્ત કર્યો હતો.

80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીને લઈને અમરેલીમાં વિશેષ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રીશ્રીના આગમનથી શહેરમાં દેશભક્તિ અને ધાર્મિક આસ્થાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.

Related Posts