૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની ઊજવણીના ગરિમાપૂર્ણ સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તિરંગાને સલામી આપી નાગરિકોને સંબોધિત કરતા ગૌરવસહ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વમાં રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે ‘વિરાસત થી વિકાસ’નો મંત્ર સાકાર કરવામાં ગુજરાત અગ્રેસર છે. વડાપ્રધાનશ્રીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી ૨૦૪૭ના વિકસિત ભારત માટે શક્તિની સપ્તધારાની પ્રેરણા આપી છે.
આ સપ્તધારામાં મેન્યુફેક્ચરિંગ પાવર, એગ્રીકલ્ચર એન્ડ ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી, ઇનોવેશન, ગતિશક્તિ, રક્ષા શક્તિ અને સોફ્ટ પાવરના ક્ષેત્રોમાં ભારતને વધુ વિકસિત કરી વિશ્વ સામે મૂકવાનું લક્ષ્ય રાખ્યું છે ત્યારે ગુજરાત વડાપ્રધાનશ્રીના સપ્તધારા લક્ષ્યને સાકાર કરવામાં અગ્રેસર રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કરતા પ્રધાનમંત્રીશ્રીના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ નેતૃત્વની સરાહના કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શરૂ કરાવેલી વિકાસ યાત્રા આજે સમગ્ર દેશ માટે પ્રેરણાદાયી બની છે. ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ‘ના મંત્ર સાથે ગુજરાતે છેલ્લાં અઢી દાયકાથી અવિરત પ્રગતિ સાધી છે. રાજ્ય સરકારે આધુનિકતા અને આધ્યાત્મિકતાનો સમન્વય સાધીને સેમિકંડક્ટર, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને ગ્રીન એનર્જી જેવા ઉભરતા ક્ષેત્રોથી લઈને પ્રાચીન આયુર્વેદિક વિરાસત અને સોમનાથ મંદિરના પુનઃનિર્માણ જેવા સાંસ્કૃતિક પ્રકલ્પોમાં અભૂતપૂર્વ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે.
મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, ગરીબો, યુવાનો, અન્નદાતા કિસાનો અને નારીશક્તિ એ વિકસિત ગુજરાતના ચાર મુખ્ય સ્તંભ છે. રાજ્યમાં સ્ટાર્ટઅપ પોલિસી, ઈન્ક્યુબેશન સેન્ટરો અને કૌશલ્ય વિકાસ દ્વારા યુવાશક્તિને રોજગારના નવા અવસરો પૂરા પાડવામાં આવી રહ્યા છે. કિસાનોને દિવસે વીજળી, પર્યાપ્ત પાણી અને ઈ-નામ જેવી ડિજિટલ સુવિધાઓથી સશક્ત કરાયા છે. આ ઉપરાંત, મહિલા સશક્તિકરણને વેગ આપીને અર્થતંત્રમાં નારીશક્તિની ભાગીદારી ઉત્તરોત્તર વધારવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. પર્યાવરણ સંરક્ષણ માટે ‘એક પેડ મા કે નામ‘ અને ‘મિશન લાઈફ‘ જેવા અભિયાનો દ્વારા ગુજરાત ગ્રીન ગ્રોથ તરફ અગ્રેસર છે.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના સંતુલિત વિકાસનો રોડમેપ રજૂ કરતાં જણાવ્યું હતું કે, ‘વોકલ ફોર લોકલ’ અને ‘લોકલ ટુ ગ્લોબલ’ના ધ્યેય સાથે યોજાયેલી ચાર વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ થકી રાજ્યમાં રૂ. ૧૫.૮૯ લાખ કરોડના ૧૩,૨૫૫ એમઓયુ સંપન્ન થયા છે, જે MSME અને પરંપરાગત ઉદ્યોગો સહિત નવા સેક્ટર્સને નવી ઊર્જા પૂરી પાડશે. ૧૬૦૦ કિલોમીટર લાંબો દરિયાકિનારો ધરાવતું ગુજરાત દેશના કુલ કાર્ગો હેન્ડલિંગમાં ૪૦ ટકાથી વધુ યોગદાન આપીને બ્લૂ ઈકોનોમીનું નેતૃત્વ કરી રહ્યું છે. આધુનિક ફિશિંગ હાર્બર અને કોલ્ડ ચેઈન સિસ્ટમથી માછીમારો સમૃદ્ધ બન્યા છે. છેવાડાના નાગરિકો સુધી કલ્યાણકારી સુવિધાઓ પહોંચાડવાના સંકલ્પ સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાખો પરિવારોને પાકાં મકાન તેમજ નવી મેડિકલ કોલેજો, તાલુકા સ્તરે ડાયાલિસિસ અને કેન્સર ડે-કેર સેન્ટરો થકી વિનામૂલ્યે શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી શ્રી ડૉ. જીવરાજ મહેતાની જન્મભૂમિ અમરેલીના આંગણે આ પાવન પર્વની ઉજવણી થઈ રહી હોવાનો આનંદ વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રીએ આઝાદીની લડતમાં પોતાના ત્યાગ, તપસ્યા અને અદમ્ય રાષ્ટ્રભક્તિ દ્વારા માતૃભૂમિને મુક્ત કરાવનારા તમામ નામી-અનામી સ્વતંત્રતા સેનાનીઓ તથા અમર શહીદોને આ તકે ભાવસભર વંદન કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીની પ્રેરણાથી શ્રી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રચિત અમર રાષ્ટ્રગીત ‘વંદે માતરમ‘ના ૧૫૦ વર્ષની ઉજવણી દેશભરમાં ઉત્સાહભેર થઈ રહી છે. આ ગીતે આઝાદીના આંદોલનને નવી ચેતના પૂરી પાડી પ્રત્યેક નાગરિકમાં રાષ્ટ્રભક્તિનો જુવાળ જગાડ્યો હતો. આ પવિત્ર વિરાસતને જાળવીને ભારત આજે પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ ગુલામીની માનસિકતામાંથી મુક્ત થઈ ‘વિકાસ ભી, વિરાસત ભી‘ના મંત્ર સાથે વિકસિત ભારત ૨૦૪૭ના લક્ષ્ય તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘હાઉસિંગ ફોર ઓલ‘ના સંકલ્પને સાકાર કરવા રાજ્ય સરકારે ગ્રામીણ વિસ્તારોમાં રહેણાંક આવાસ પૂરા પાડવા અંગેના મહત્વપૂર્ણ નિર્ણય વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે ગ્રામીણ વિસ્તારોમાં વસતા પાત્રતા ધરાવતા કુટુંબોની વધતી વસતી અને આવાસની જરૂરિયાતોને ધ્યાને રાખીને, જો ગ્રામ પંચાયત પાસે ગામતળ, સરકારી પડતર કે ખરાબાની પૂરતી જમીન ઉપલબ્ધ નહીં હોય તો રાજ્ય સરકાર ખાનગી જમીન ખરીદીને પણ પાત્ર પરિવારોને વિનામૂલ્યે પ્લોટ ફાળવશે.
નાગરિકોને સુરક્ષિત, સુવિધા સભર અને ગુણવત્તાયુક્ત રોડ નેટવર્ક ઉપલબ્ધ કરાવવાની પ્રાથમિકતા સાથે માર્ગ અને મકાન વિભાગ હેઠળના રાજ્યના જુદા જુદા ૨૧૪ રસ્તાઓના ૨૧૦ કિલોમીટરના નવીનીકરણ અને સુધારણા માટે રૂ.૩,૪૨૮ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
રાજ્યની આંગણવાડીઓમાં આવતા ૩ થી ૬ વર્ષના ૧૬.૭૫ લાખથી વધુ બાળકો માટે એક અગત્યની જાહેરાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આ બાળકોને વર્ષમાં ૩૦૦ દિવસ અપાતા પૂરક પોષણ રૂપે અપાતા ગરમ નાસ્તા માટે સ્થાનિક બજારમાંથી ખરીદીના દરમાં ૬૭ ટકાનો જંગી વધારો કરવામાં આવ્યો છે. અગાઉ સ્થાનિક ખરીદી માટે દરરોજ બાળક દીઠ અપાતા રૂ. ૫.૧૦ ના બદલે હવે પ્રતિ બાળક રૂ. ૮.૫૦ આપવામાં આવશે. આ બાળકલ્યાણકારી નિર્ણયના અમલ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.૧૭૩ કરોડની વધારાની ફાળવણી કરવામાં આવી છે.
ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા ઇચ્છતા રાજ્યના યુવાનોને આર્થિક મુશ્કેલી ન પડે તે હેતુથી ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા અપાતી વિદેશ અભ્યાસ લોન યોજનામાં કૌટુંબિક વાર્ષિક આવક મર્યાદા રૂ. ૬ લાખથી વધારીને રૂ. ૧૦ લાખ કરવામાં આવી છે. આ નિર્ણયથી બિનઅનામત વર્ગના વધુ યુવાનોને વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવાની ઉત્તમ તકો પ્રાપ્ત થશે.
ઉદ્યોગ-વેપાર ક્ષેત્રે ‘વિરાસત સાથે વિકાસ‘ની નેમ દોહરાવતાં તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના સક્ષમ નેતૃત્વ અને સફળ પ્રયાસોથી ગુજરાતને ‘કોમનવેલ્થ ગેમ્સ – ૨૦૩૦’ની ઐતિહાસિક યજમાનીનું ગૌરવ મળ્યું છે. જે ગુજરાતની આયોજન ક્ષમતા અને વૈશ્વિક સ્વીકૃતિ દર્શાવે છે. આ વૈશ્વિક રમતોત્સવ ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ, અતિથિ સત્કાર પરંપરા અને આયોજન ક્ષમતાનો વિશ્વના નક્શા પર ડંકો વગાડશે અને ‘વિકસિત ગુજરાત ૨૦૪૭‘ તરફની રાજ્યની વિકાસયાત્રાને વધુ તેજ ગતિ આપશે.
આ તકે તેમણે વર્ષ ૨૦૩૫માં રાજ્યની સ્થાપનાના ૭૫મા વર્ષની ઉજવણી અને ‘વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત ૨૦૪૭‘ ના લક્ષ્ય સાથે રાષ્ટ્રપ્રથમના ભાવથી રાજ્યની ગૌરવમય વિકાસગાથા આગળ ધપાવવા સૌ નાગરિકોને આહ્વાન કર્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં મુખ્યમંત્રીશ્રીએ ધ્વજ ફરકાવ્યો ત્યારે આકાશમાંથી હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા, પોલીસ બેન્ડની કર્ણપ્રિય સુરાવલી અને હર્ષ નાદથી સમગ્ર પરેડ ગ્રાઉન્ડનું વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે દેશપ્રેમથી ભરપૂર વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરાઈ હતી. વિદ્યાસભાના વિદ્યાર્થીઓ દ્વારા અમરેલીના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને ગૌરવને ઉજાગર કરતી ‘મારું અમરેલી’ થીમ આધારિત મનમોહક સાંસ્કૃતિક કૃતિ રજૂ કરવામાં આવી હતી. જ્યારે શ્રી શક્તિ સેવા કેન્દ્ર, અંબાજી દ્વારા ગુજરાતનું પ્રથમ આદિજાતિ બાલિકાઓનું બેગપાઇપર બેન્ડની પ્રસ્તુતિ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી.
કાર્યક્રમમાં પોલીસ જવાનો દ્વારા યોગ નિદર્શન, નારી શક્તિ સાંસ્કૃતિક કાર્યક્રમ, મહિલા રાયફલ ડ્રીલ, મોટરસાયકલ સ્ટંટ શો, ડોગ શો અને અશ્વ શો રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ જવાનોની શિસ્ત, સાહસ, કૌશલ્ય અને તાલીમનું પ્રત્યક્ષ નિદર્શન કરાવતા આ કાર્યક્રમોએ ઉપસ્થિત જનમેદનીમાં જબરદસ્ત રોમાંચ અને ઉત્સાહ જગાવ્યો હતો. ઉપસ્થિત બાળકો અને નાગરિકોએ તાળીઓ અને હર્ષનાદથી આ પ્રસ્તુતિઓને વધાવી લીધી હતી.
કાર્યક્રમના અંતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ખુલ્લી જીપમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ સમયે બહોળી સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીએ પણ હર્ષભેર મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યું હતું. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના સમાપન પ્રસંગે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રીશ્રીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દક્ષાબેન ચોડવડિયા, અમરેલી નગરપાલિકા પ્રમુખ શ્રી વૈશાલીબેન માંગરોળીયા, સાંસદ સર્વેશ્રી ભરતભાઈ સુતરિયા અને શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, ધારાસભ્ય સર્વેશ્રી મહેશભાઈ કસવાલા અને શ્રી જનકભાઈ તળાવીયા સહિતના પદાધિકારીશ્રીઓ- અગ્રણીશ્રીઓ, રાજ્યના મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી અંજુ શર્મા, ગૃહ વિભાગ અગ્રસચિવ શ્રી સંજીવકુમાર, પોલીસ મહાનિર્દેશક શ્રી જી.એસ.મલિક, માર્ગ અને મકાન વિભાગના સચિવ શ્રી પી. આર. પટેલિયા, જિલ્લા પ્રભારી સચિવ શ્રી સંદીપકુમાર, યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ કમિશનર શ્રી યોગેશ નિરગુડે, ભાવનગર રેન્જ આઈજી શ્રી આર. વી. અસારી, જિલ્લા કલેકટર શ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.જે. પ્રજાપતિ, જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત સહિતના વરિષ્ઠ અધિકારીઓ, બહોળી સંખ્યામાં વિધાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા


















Recent Comments