અમરેલી

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા ખાતે 80મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય અને દેશભક્તિસભર ઉજવણી

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા ખાતે 80મા રાષ્ટ્રીય પર્વ સ્વાતંત્ર્ય દિનની બે દિવસીય ભવ્ય ઉજવણી દેશભક્તિના માહોલમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુરુકુળના વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક, શૈક્ષણિક અને સર્જનાત્મક સ્પર્ધાઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

​વિવિધ સ્પર્ધાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં બાલમંદિરના ભૂલકાંઓ તથા પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓએ દેશના અમર સ્વાતંત્ર્ય વીરોની વેશભૂષા ધારણ કરી તેમને ભાવાંજલિ અર્પી હતી.

​ ઉચ્ચતર માધ્યમિક સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે રંગોળી તથા ‘કૂકિંગ સ્પર્ધા’નું આયોજન કરાયું હતું, જેમાં વિદ્યાર્થીઓએ પોતાની સુઝબુઝથી આકર્ષક રંગોળીઓ અને સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરી હતી.

​જેસર રોડ ગુરુકુળ: જેસર રોડ ગુરુકુળ ખાતે બાલમંદિરથી ધોરણ 10 ના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.

​અંગ્રેજી માધ્યમ તથા સાયન્સ/એ. કે. ઘેલાણી શાળા: અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય પર્વને અનુરૂપ પ્રવૃત્તિઓ કરી હતી, જ્યારે સાયન્સ વિભાગ અને એ. કે. ઘેલાણી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિસભર પ્રસ્તુતિઓ આપી કાર્યક્રમમાં ઉત્સાહ ઉમેર્યો હતો.

​15મી ઓગસ્ટના રોજ ગુરુકુળ પરિસરમાં સંસ્થાના વડા પૂજ્ય શાસ્ત્રી ભગવત પ્રસાદ દાસજી સ્વામીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ તકે પૂજ્ય સ્વામીજીએ “રાષ્ટ્રધર્મ એ જ સર્વોપરી ધર્મ છે” એ વિષય પર વિદ્યાર્થીઓને માર્ગદર્શક અને પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું.

​આ દ્વિ-દિવસીય ઉત્સવ દરમિયાન સંસ્થાના કોઠારી પૂજ્ય અક્ષર મુક્ત દાસજી સ્વામી તથા સંસ્થાના પ્રમુખ પૂજ્ય શાસ્ત્રી હરિપ્રસાદ દાસજી સ્વામીએ આશીર્વચન આપતાં સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનોને યાદ કર્યા હતા અને વિદ્યાર્થીઓને આઝાદીનું સાચું મૂલ્ય સમજાવ્યું હતું.

​સમગ્ર રાષ્ટ્રીય પર્વની ઉજવણીને સફળ બનાવવા માટે ગુરુકુળ પરિવારના તમામ શિક્ષકો તથા કર્મચારીઓએ ભારે જિહાદ અને મહેનત ઉઠાવી હતી.

Related Posts