સાવરકુંડલા શહેરના હાથસણી રોડ પર આવેલી જાણીતી વી. જે. પારેખ આંખની હોસ્પિટલની હાલની સ્થિતિને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. એક સમયે દર્દીઓની સેવા માટે જાણીતી આ હોસ્પિટલ હાલ સંપૂર્ણપણે બંધ જેવી હાલતમાં હોવાના સ્થાનિકો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. સરકારી હુકમ અને તપાસના પગલે, તાલુકાના કુંડલા ગામના રેવન્યુ સર્વે નંબર ૩૯૩/૧ ની બિનખેતીની જમીન અંગે શરતભંગ બદલ જમીન શ્રીસરકાર કરવા અને માપણી હાથ ધરવા જીલ્લા કલેક્ટર દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.
સરકાર દ્વારા હોસ્પિટલના ટ્રસ્ટીઓને શરતભંગ અંગે કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી હતી. જેના જવાબમાં ટ્રસ્ટીઓ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે હોસ્પિટલમાં કાર્ડિયોલોજિસ્ટ, ન્યુરોલોજિસ્ટ, ઓર્થોપેડિક, પીડિયાટ્રિશિયન, ગાયનેકોલોજિસ્ટ જેવા નિષ્ણાત તબીબો તથા પેથોલોજી લેબ જેવી મલ્ટી સ્પેશિયાલિટી સુવિધાઓ ઉપલબ્ધ છે. પરંતુ સ્થાનિક સ્તરે તપાસતા વાસ્તવિક સ્થિતિ સાવ વિપરીત જોવા મળે છે. પ્રાથમિક સારવાર કે આંખના સામાન્ય ડોક્ટર પણ હાજર ન હોઈ હોસ્પિટલ તાળાબંધી જેવી હાલતમાં દેખાઈ રહી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, હોસ્પિટલમાં દર્દીઓ માટે જરૂરી કોઈ સાધનો કે વાહનવ્યવહારની સુવિધા નથી. સરકાર દ્વારા ફાળવવામાં આવેલી એમ્બ્યુલન્સ પણ ઉપયોગ વગર પડી રહીને ધૂળ ખાઈ રહી છે. એટલું જ નહીં, હોસ્પિટલનું બિલ્ડિંગ અત્યંત જર્જરિત થઈ ગયું છે અને તાજેતરમાં હોસ્પિટલનું વીજ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. હોસ્પિટલ પરિસરના ખુલ્લા ગ્રાઉન્ડમાં અસામાજિક કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોવાની ફરિયાદો પણ ઉઠી છે.
આ સમગ્ર મામલે જીલ્લા કલેક્ટર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. કલેક્ટરના હુકમ અનુસાર:
સાવરકુંડલા મામલતદાર અને સર્વેયર દ્વારા સ્થળ તપાસ કરી જમીનની માપણી કરવામાં આવશે. સંસ્થા પાસે રાખવા પાત્ર જમીન અને શરતભંગ બદલ સરકાર હસ્તક (શ્રીસરકાર) લેવાની જમીન અંગેનો વિગતવાર અહેવાલ નાયબ કલેક્ટર સમક્ષ રજૂ કરાશે.
વર્ષોથી ઊભી કરાયેલી સરકારી મિલકતનો પ્રજાહિતમાં ઉપયોગ ન કરવા બદલ ટ્રસ્ટીઓની કામગીરી પણ તપાસના દાયરામાં આવી છે.
ગ્રામ્ય અને શહેરી પ્રજામાં ભારે રોષ
સાવરકુંડલા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ગરીબ અને સામાન્ય દર્દીઓને આરોગ્ય સુવિધાઓથી વંચિત રહેવું પડી રહ્યું છે. સ્થાનિક નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે સરકારી જમીન, હોસ્પિટલની ગ્રાન્ટ, અને હાલની જર્જરિત સ્થિતિ અંગે સક્ષમ અધિકારીઓ દ્વારા નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવામાં આવે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે આ હોસ્પિટલના વિશાળ મેદાનમાં હવે તો સરકારશ્રી દ્વારા જ કોઈ લોકહિત કે લોકકલ્યાણના પ્રોજેક્ટ આકાર લે તેવું શહેરીજનો પણ ઈચ્છી રહ્યા છે.















Recent Comments