વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રસેવા અને જનસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં
ચાલી રહેલા ‘સેવા, સંકલ્પ અને સમર્પણ’ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આજે ભાવનગર
શહેર-જિલ્લાને રૂ.૭૩૮.૦૯ કરોડના ૭૯ વિકાસકાર્યોની ભેટ આપી હતી. મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિવિધ
વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની
રાજનીતિને નવી દિશા આપી છે. જનસેવાને કેન્દ્રમાં રાખીને છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓના
લાભ પહોંચે અને સામાન્ય નાગરિકનું જીવન વધુ સુવિધાયુક્ત બને તે દિશામાં સરકાર સતત કાર્યરત છે.
મુખ્યમંત્રીશ્રીએ ભાવનગરની સ્વચ્છતાની પ્રશંસા કરતાં જણાવ્યું કે સ્વચ્છતા માત્ર સરકાર કે સફાઈ
કર્મચારીઓની જવાબદારી નથી પરંતુ દરેક નાગરિકની સહભાગિતાથી જ સ્વચ્છ શહેરનું નિર્માણ થઈ શકે
છે. ભાવનગરના નાગરિકોએ સ્વચ્છતાને પોતાના સ્વભાવ અને સંસ્કારનો હિસ્સો બનાવ્યો છે તે આનંદની
બાબત છે.
વિકાસની સાથે ભાવિ પેઢી માટે પાણી અને પર્યાવરણનું સંરક્ષણ કરવાની જરૂરિયાત પર ભાર મૂકતાં
મુખ્યમંત્રીશ્રીએ ‘કેચ ધ રેઇન’ જેવી પહેલોને જનભાગીદારીથી આગળ ધપાવવાની હાકલ કરી હતી.
વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ અને ભૂગર્ભજળના રિચાર્જ માટે આયોજનબદ્ધ પ્રયાસો કરવા તેમણે સૌને
અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને આગળ ધપાવતા જણાવ્યું કે આપણી સંસ્કૃતિ, સંસ્કાર
અને પર્યાવરણનું જતન કરીને જ વિકાસને ટકાઉ બનાવી શકાય. ‘એક પેડ મા કે નામ’ જેવી પહેલો સાથે
જોડાઈ પર્યાવરણ સંરક્ષણમાં નાગરિકોની ભાગીદારી વધારવા તેમણે આહ્વાન કર્યું હતું.
વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ આયુષ્માન ભારત સહિતની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભો
સામાન્ય માનવી સુધી પહોંચ્યા હોવાનું જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે સરકારની યોજનાઓનો લાભ કોઈ
પાત્ર વ્યક્તિથી વંચિત ન રહે તે માટે સેવા સંકલ્પ અભિયાન દરમિયાન જનભાગીદારીથી પ્રયાસો કરવા
જરૂરી છે.
મુખ્યમંત્રીશ્રીએ ભાવનગરના વિકાસમાં ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને થઈ રહેલા વિવિધ
આયોજનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે વિકાસ માત્ર આજની જરૂરિયાતો પૂરતો સીમિત ન રહે પરંતુ
આવતીકાલની પેઢીને પણ વધુ સુવિધાસભર અને સમૃદ્ધ ભાવનગર મળે તે દિશામાં સરકાર કાર્યરત છે.
આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ સેવા સંકલ્પ અભિયાનને જનભાગીદારીનું અભિયાન બનાવી વિકસિત ભારતના
સંકલ્પ સાથે વિકસિત ગુજરાત અને વિકસિત ભાવનગરના નિર્માણમાં સહભાગી બનવા સૌને આહ્વાન કર્યું
હતું.
આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના
નાગરિક દેવો ભવઃ અને ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ના મંત્ર સાથે જનસેવાને વધુ સુલભ બનાવવામાં આવી
રહી છે. નવી કલેક્ટર કચેરી આધુનિક સુવિધાઓ સાથે નાગરિકોને ઝડપી સેવાઓ પૂરી પાડશે.
તેમણે જણાવ્યું કે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે ભાવનગર માટે ગેમ ચેન્જર બની રહ્યો છે. ભાવનગરમાં
શરૂ થયેલું SIPPA કેન્દ્ર યુવાનોને GPSC-UPSCની તૈયારી માટે નવી તકો આપશે, જ્યારે નારી ખાતે STPI
માટે જમીન ફાળવણીથી IT ક્ષેત્રે રોજગારીની તકો વધશે.
રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ જિલ્લામાં ૧૦ હજારથી વધુ લોકોનું એસેસમેન્ટ અને ૧૪ જેટલા કેમ્પો
યોજાયા છે. વૃદ્ધજનો અને દિવ્યાંગોને સહાયક સાધનો નિઃશુલ્ક આપવામાં આવી રહ્યાં છે. ભાવનગરના
વિકાસને વેગ આપવા બદલ તેમણે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ
ભાવનગરના સર્વાંગી વિકાસને સતત વેગ મળી રહ્યો છે. આજે રૂ.૭૩૮ કરોડના ૭૯ વિકાસકાર્યો જનતાને
અર્પણ થઈ રહ્યા છે. આજે નવી કલેક્ટર કચેરીનું લોકાર્પણ પણ થયું છે.
મંત્રીશ્રીએ જણાવ્યું કે, ભાવનગરની કનેક્ટિવિટી વધુ સુદૃઢ બનાવવા રૂ.૬૫૦ કરોડના મહત્વપૂર્ણ બ્રિજ
પ્રોજેક્ટને મંજૂરી મળી છે. આ પ્રોજેક્ટથી શહેરના ટ્રાફિકનું ભારણ ઘટશે અને રાજકોટ, સોમનાથ, ધોલેરા
સહિતના વિસ્તારો સાથેની અવરજવર વધુ સરળ બનશે. અલંગ, ઉદ્યોગ અને ધોલેરા જેવા વિકાસક્ષેત્રોને
મળતા વેગથી ભાવનગરમાં આગામી સમયમાં રોજગાર અને રોકાણની નવી તકો ઊભી થશે.
બોક્ષ
ભાવનગર જિલ્લામાં રૂ.૩૩ કરોડના ખર્ચે નવનિર્મિત કલેક્ટર કચેરીના લોકાર્પણ ઉપરાંત ભાવનગર
મહાનગરપાલિકાના રૂ.૬૨૧.૬૩ કરોડના ૩૦ વિકાસકામો, માર્ગ અને મકાન વિભાગ-રાજ્યના રૂ.૧૩.૧૯
કરોડના ૧ કામ, માર્ગ અને મકાન વિભાગ-પંચાયતના રૂ.૫૭.૦૩ કરોડના ૪૬ કામો તથા પ્રાદેશિક
કમિશનર, નગરપાલિકાઓના રૂ.૧૩.૨૪ કરોડના કામનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વયોશ્રી યોજનાના ૫ લાભાર્થીઓને કિટ વિતરણ, ૧૩ સફાઈ કર્મચારીઓનું સન્માન તથા
પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૫ લાભાર્થીઓને પ્રતિકરૂપે ઘરની ચાવી અર્પણ કરવામાં આવી હતી.
ભાવનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી ઉષાબેન તલરેજાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે ઉર્જા અને ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ
શ્રી અશોકભાઈ લાધવા, ધારાસભ્યો સર્વશ્રી સેજલબેન પંડ્યા, શિવાભાઈ ગોહિલ, ભીખાભાઈ બારૈયા,
ગૌતમભાઈ ચૌહાણ, ડેપ્યુટી મેયર શ્રી અશોકભાઈ બારૈયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશનભાઈ મહેતા,
અગ્રણીઓ સર્વશ્રી દિગ્વિજયસિંહ ગોહિલ, કુમારભાઈ શાહ, મહાનગરપાલિકા કમિશનર ડૉ. એન.કે. મીના,
કલેક્ટર ડૉ. મનીષ બંસલ સહિત અધિકારીઓ-પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા
હતા.















Recent Comments