ભાવનગર

ભાવનગર શિપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીનું સન્માન

ભાવનગર ખાતે શિપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આયોજિત સન્માન સમારોહમાં
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘રાષ્ટ્ર પ્રથમ’ અને સેવા-
સમર્પણના ભાવ સાથે રાજ્ય સરકાર જનસેવા અને ઉદ્યોગ વિકાસ માટે સતત કાર્યરત છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સરકારી કાયદા, નીતિ અને નિયમો એટલા સરળ હોવા જોઈએ કે નાગરિકો તથા
ઉદ્યોગોને કામકાજમાં બિનજરૂરી મુશ્કેલી ન પડે. ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ ક્ષેત્રે ગુજરાત અગ્રેસર રહે તે માટે
સરકાર સતત નીતિગત સુધારાઓ કરી રહી છે.
વર્ષ ૨૦૦૩માં વડાપ્રધાનશ્રીએ શરૂ કરેલા વાઇબ્રન્ટ ગુજરાતના માધ્યમથી ગુજરાતને વૈશ્વિક રોકાણના
પ્લેટફોર્મ તરીકે વિકસાવવામાં આવ્યું છે. આગામી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં પણ વિશ્વભરના ઉદ્યોગો
ગુજરાતમાં આવે ત્યારે તેમને સરળ અને સુગમ વ્યવસ્થાઓ મળે તે સરકારની પ્રાથમિકતા છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, ઉદ્યોગોને મળવાપાત્ર સબસિડી સમયસર મળે તે માટે સરકાર દ્વારા મોનિટરિંગ
વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે. ઉદ્યોગને જ્યારે સરકારની સહાયની જરૂર હોય ત્યારે જ તે
સમયસર અને અસરકારક રીતે ઉપલબ્ધ થાય તે જરૂરી છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે દરેક ક્ષેત્ર અને વિશિષ્ટ ઉદ્યોગની જરૂરિયાતોને અનુરૂપ નીતિઓ, પારદર્શિતા અને
સરળ પ્રક્રિયાઓ સાથે સરકાર આગળ વધી રહી છે. સરકાર અને ઉદ્યોગ જગતના સંયુક્ત પ્રયાસોથી
આત્મનિર્ભર ગુજરાત અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત લીડ લેશે.

મુખ્યમંત્રીશ્રીએ શિપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તરફથી મળતા સહકાર બદલ આભાર વ્યક્ત
કરી ગુજરાતના ઔદ્યોગિક વિકાસની યાત્રામાં સતત સહભાગી બનવા આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, ઉર્જા અને ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઈ
વેકરીયા, મેયર શ્રીમતી ઉષાબેન તલરેજા,જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અશોકભાઈ લાધવા, ધારાસભ્યો
સર્વશ્રી સેજલબેન પંડ્યા, શિવાભાઈ ગોહિલ, ભીખાભાઈ બારૈયા, ગૌતમભાઈ ચૌહાણ, અગ્રણીઓ સર્વશ્રી
દિગ્વિજયસિંહ ગોહિલ, કુમારભાઈ શાહ, મહાનગરપાલિકા કમિશનર ડૉ. એન.કે. મીના, કલેક્ટર ડૉ. મનીષ
બંસલ, શિપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ શ્રી વિષ્ણુ કુમાર ગુપ્તા, ઉપ પ્રમુખ શ્રી સંજય
મહેતા, સહાયક સેક્રેટરી શ્રી અનિલભાઈ જૈન, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી તેજસભાઈ શેઠ
સહિત વિવિધ એસોસિએશનના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Related Posts