અમરેલી

ખરીફ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭: રાજ્ય સરકાર દ્વારા ડાંગર, મકાઈ, બાજરી, જુવાર અને રાગીની ટેકાના ભાવે ખરીદી માટે તા. ૨ ઓક્ટોબરથી ઓનલાઈન નોંધણી શરૂ

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ખરીફ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત રાજ્યના ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે ડાંગર, મકાઈ, બાજરી, જુવાર અને રાગીની સીધી ખરીદી કરવા માટેની જાહેરાત કરવામાં આવી છે.

ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી આ ખરીદી ઓનલાઈન નોંધણી કરાવેલા ખેડૂતો પાસેથી જ કરવામાં આવશે. ટેકાના ભાવે પાકનું વેચાણ કરવા ઈચ્છતા તમામ ખેડૂતોએ આગામી તા. ૦૨/૧૦/૨૦૨૬ થી તા. ૩૧/૧૦/૨૦૨૬ સુધીમાં ગ્રામ્ય કક્ષાએ વિલેજ કમ્પ્યુટર આંત્રપ્રિન્યોર (VCE) મારફતે ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે.

આ નોંધણી ખેડૂત ખાતેદારોના બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન (અંગૂઠાના નિશાન) દ્વારા જ કરવામાં આવશે. ઓનલાઈન નોંધણી સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ, ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા તા. ૧૬/૧૧/૨૦૨૬ થી ૧૫/૦૧/૨૦૨૭ દરમિયાન હાથ ધરવામાં આવશે, જેના માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે.

ભારત સરકાર દ્વારા આ સીઝન માટે નક્કી કરાયેલા લઘુત્તમ ટેકાના ભાવોની વિગતો મુજબ ડાંગર (કોમન) માટે રૂ. ૨,૪૪૧/- પ્રતિ ક્વિન્ટલ, ડાંગર (ગ્રેડ-એ) માટે રૂ. ૨,૪૬૧/- પ્રતિ ક્વિન્ટલ અને મકાઈ માટે રૂ. ૨,૪૧૦/- પ્રતિ ક્વિન્ટલ નિયત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બાજરી માટે રૂ. ૨,૯૦૦/- પ્રતિ ક્વિન્ટલ (સાથે રૂ. ૩૦૦/- નું વધારાનું બોનસ) ભાવ નક્કી કરાયો છે. જુવાર (હાઈબ્રિડ) માટે રૂ. ૪,૦૨૩/- અને જુવાર (માલદંડી) માટે રૂ. ૪,૦૭૩/- ભાવ નિયત કરાયેલ છે, (જેમાં બંનેમાં રૂ. ૩૦૦/- નું વધારાનું બોનસ પ્રતિ ક્વિન્ટલ) તેમજ રાગી પાક માટે રૂ. ૫,૨૦૫/- પ્રતિ ક્વિન્ટલ (સાથે રૂ. ૩૦૦/- નું વધારાનું બોનસ) નો ભાવ ખેડૂતોને પોષણક્ષમ વળતર તરીકે આપવામાં આવશે.

ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવતી વખતે જરૂરી આધાર-પુરાવા સાથે રાખવાના રહેશે, જેમાં આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો ૭/૧૨ અને ૮-અ ની નકલ સામેલ હોવી જોઈએ. જો સાત-બાર અથવા (આઠ-અ)ના ઉતારામાં પાકની વાવણી અંગેની એન્ટ્રી ન થઈ હોય, તો તલાટી-કમ-મંત્રીશ્રીનો સહી-સિક્કાવાળો વાવણીનો દાખલો રજૂ કરવાનો રહેશે.

આ ઉપરાંત ખેડૂતના પોતાના નામના બેંક ખાતાની વિગત માટે બેંક પાસબુકની ઝેરોક્ષ નકલ અથવા કેન્સલ ચેક સાથે લાવવાનો રહેશે. દસ્તાવેજોની ચકાસણી દરમિયાન જો કોઈ ખોટા પુરાવા અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે, તો તેવા કિસ્સામાં ખેડૂતની નોંધણી અને ખરીદી માટેનો ક્રમ રદ કરવામાં આવશે. ખરીદી સમયે પણ ખેડૂતે પોતાનું આધાર કાર્ડ અથવા ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે અને બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા જ જથ્થો ખરીદવામાં આવશે.

ખેડૂતોને ઓનલાઈન નોંધણી બાબતે કોઈ પણ મૂંઝવણ કે મુશ્કેલી અનુભવે તો મદદ માટે હેલ્પલાઈન નંબર ૮૫૧૧૧ ૭૧૭૧૮ અથવા ૮૫૧૧૧ ૭૧૭૧૯ પર સંપર્ક કરી શકે છે તેમ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. નાયબ જીલ્લા મેનેજર-અમરેલીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts