અમરેલી

કુંકાવાવ ઘટકમાં ‘આપણી આંગણવાડી આપણી જવાબદારી’ થીમ હેઠળ રાષ્ટ્રીય પોષણ માસ અને ‘આંગણ ઉત્સવ’ની ભવ્ય ઉજવણી

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત આઈ.સી.ડી.એસ (ICDS) કુંકાવાવ ઘટક દ્વારા નવમા રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત ‘આપણી આંગણવાડી આપણી જવાબદારી’ થીમ સાથે વિવિધ જાગૃતિલક્ષી પ્રવૃત્તિઓ અને ‘આંગણ ઉત્સવ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ વિશેષ ઝુંબેશ હેઠળ આરોગ્ય, પોષણ અને બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને વકૃત્વ સ્પર્ધા તેમજ માર્ગદર્શન પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું.

કાર્યક્રમ દરમિયાન સગર્ભા માતાઓની ગૃહ મુલાકાત લઈ તેમના પરિવારોના પુરુષ સભ્યો સાથે શિશુ આહાર પદ્ધતિ અને બાળ ઉછેરમાં પુરુષોની સક્રિય ભાગીદારી અંગે ખાસ પરામર્શ કરવામાં આવ્યો હતો. આ સાથે જ બાળકો અને કિશોરીઓના પોષણ સ્તર, એનિમિયા નિવારણ માટે યોગ્ય આહાર અને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા અંગે ઉપસ્થિત લાભાર્થીઓને વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી.

હાલ ચાલી રહેલા ‘આંગણ ઉત્સવ’ અંતર્ગત કુંકાવાવ ઘટકના આંગણવાડી કેન્દ્રોમાં બાળકો તથા માતા-વાલીઓની સહભાગિતા સાથે પૂરક પોષણ આહાર, પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને આરોગ્ય સેવાઓ અંગે વાલીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ ઉજવણીના ભાગરૂપે આંગણવાડી કેન્દ્રોમાં ૩ થી ૬ વર્ષના બાળકો માટે “આનંદ અને ઉમંગના રંગો” વિષય હેઠળ ચિત્રકામ અને રંગપૂરણી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ૩ થી ૪ વર્ષના બાળકોને આપેલા ચિત્રોમાં આંગણવાડીમાં ઉપલબ્ધ ક્રેયોન કલરથી રંગકામ કરાવવામાં આવ્યું હતું.

આ ઉપરાંત ૧૫ થી ૧૮ વર્ષની કિશોરીઓ માટે પણ ‘પોષણ માહ’ અથવા ‘પોષણ થાળી’ થીમ પર ચિત્ર સ્પર્ધા યોજી સર્જનાત્મકતા અને કલાત્મક અભિવ્યક્તિને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહનરૂપે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ સમગ્રલક્ષી પ્રવૃત્તિઓને સફળ બનાવવા માટે આઈ.સી.ડી.એસ. કુંકાવાવ ઘટકના આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો તથા સંબંધિત વિભાગના કર્મચારીઓએ સક્રિય યોગદાન આપ્યું હતું.

Related Posts