અમરેલી

અમરેલી નગરપાલિકા દ્વારા જેશીંગપરા ખાતે સેવાસેતુ (શહેરી) કાર્યક્રમ યોજાયો: ૪૦૦થી વધુ લાભાર્થીઓએ લીધો સરકારી યોજનાઓનો લાભ

અમરેલી નગરપાલિકા દ્વારા જેશીંગપરા ખાતે આવેલ પટેલ વાડીમાં સેવાસેતુ કાર્યક્રમ (શહેરી)ના ૧૨મા તબક્કાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા પ્રમુખશ્રી વૈશાલીબેન માંગરોળીયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારના જુદા-જુદા ૧૩ વિભાગોની ૫૫ પ્રકારની સેવાઓની અરજીઓનો સ્થળ પર જ સવલતપૂર્વક નિકાલ કરવાનો હતો.

આ સેવા સેતુ કાર્યક્રમમાં અમરેલી શહેરના નાગરિકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને વિવિધ સરકારી સેવાઓનો લાભ લીધો હતો, જેમાં ગંગા સ્વરૂપા યોજના અને નિરાધાર વૃદ્ધ સહાય યોજના હેઠળના ૧૮ લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે સ્થળ પર જ મંજૂરીના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત આવકના દાખલા, રેશનકાર્ડને લગતી સેવાઓ, જન્મ-મરણના પ્રમાણપત્રો અને આધારકાર્ડ જેવી પાયાની વહીવટી સેવાઓનો ૪૦૦થી વધુ શહેરીજનોએ મહત્તમ લાભ મેળવ્યો હતો અને સરકારની અન્ય કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત સમજ મેળવી હતી.

આ પ્રસંગે નગરપાલિકાના કારોબારી ચેરમેન શ્રી મૌલિકભાઈ ઉપાધ્યાય, હોદ્દેદારશ્રી  વિજયભાઈ ચોટલીયા, ધર્મેશભાઈ અજાણી, શ્રી ગિરીશભાઈ ત્રાપસીયા, શ્રી પુનમબેન સાવલીયા, શ્રી ભાવનાબેન દેસાઈ તેમજ પ્રાંત અધિકારી શ્રી જાડેજા, મામલતદાર શ્રી દવે, ચીફ ઓફિસર શ્રી વિનોદ રાઠોડ સહિત જુદા-જુદા વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Related Posts