જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, રાજકોટ દ્વારા અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓમાં વસવાટ કરતા પૂર્વ સૈનિકો, દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓ તથા તેમના આશ્રિતો માટે એક વિશેષ જિલ્લા કક્ષાના સૈનિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલન તારીખ ૦૪/૧૦/૨૦૨૬ ને રવિવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિર, પોલીસ લાઈન પાસે, ગાંધીબાગ પાછળ, અમરેલી મુકામે યોજાશે.
આ સંમેલનનો મુખ્ય હેતુ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર તેમજ રાજ્ય સૈનિક બોર્ડ દ્વારા પૂર્વ સૈનિકો અને તેમના પરિવારોને મળતી વિવિધ કલ્યાણકારી યોજનાઓ, સહાય તથા સવલતો વિશે વિસ્તૃત માહિતગાર કરવાનો છે. આ ઉપરાંત, સૈનિક પરિવારોના સરકારી કચેરીઓને લગતા પ્રશ્નો અને વિવિધ સમસ્યાઓનું સ્થળ પર જ નિરાકરણ લાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે.
રાજકોટ કચેરી દ્વારા અમરેલી જિલ્લાના તમામ રજિસ્ટર્ડ પૂર્વ સૈનિકો અને દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓને આમંત્રણ પત્ર પાઠવવામાં આવ્યા છે. તેમ છતાં, જો કોઈ પૂર્વ સૈનિક કે આશ્રિત પરિવારને કોઈ કારણસર આમંત્રણ પત્ર ન મળ્યો હોય, તો પણ તેઓને આ સંમેલનમાં અચૂક હાજર રહેવા માટે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી કમાન્ડર પવન કુમાર (નિવૃત્ત) દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

















Recent Comments