અમરેલી

અમરેલીમાં કેન્દ્ર સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભાર્થીઓ સાથે પ્રત્યક્ષ મુલાકાત અને સંવાદ કરતાં કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા

દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં ૨૫ વર્ષની નિષ્ઠાપૂર્વકની સેવા અને સમર્પણના ઉપલક્ષમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી તા. ૧૭ ઓક્ટોબર ૨૦૨૬ સુધી ‘સેવા સંકલ્પ અભિયાન’નું વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

આજરોજ અમરેલી શહેર ખાતે કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ કેન્દ્ર સરકારની વિવિધ ફ્લેગશીપ યોજનાઓના લાભાર્થીઓની વિશેષ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન રાજ્યમંત્રીશ્રીએ લાભાર્થીઓ સાથે પ્રત્યક્ષ સંવાદ સાધીને યોજનાઓ અંતર્ગત મળતી સહાય અને તેનાથી તેમના જીવનમાં આવેલા હકારાત્મક બદલાવ અંગે વિગતવાર ચર્ચા કરી હતી. સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી સાચા અર્થમાં પહોંચી રહી છે તેનો પ્રત્યક્ષ ચિતાર આ સંવાદ દરમિયાન જોવા મળ્યો હતો.

આ મુલાકાત દરમિયાન એજ્યુકેશન અર્થે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટેની સરકારી લોન સુવિધા મેળવનારા વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો, પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી અંતર્ગત પાકું મકાન મેળવનારા પરિવારો તેમજ પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજનાના લાભાર્થીઓએ રાજ્યમંત્રીશ્રી સમક્ષ પોતાની ખુશી વ્યક્ત કરી હતી. સમયસર અને પારદર્શક રીતે સરકારી સહાયનો લાભ મળવા બદલ તમામ લાભાર્થીઓએ ખૂબ જ હર્ષ અને સંતોષની લાગણી પ્રદર્શિત કરી હતી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો હૃદયપૂર્વક ધન્યવાદ અને આભાર વ્યક્ત કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વસતા ગરીબ, વંચિત અને ઘરવિહોણા નાગરિકોને પોતાના હકનું પાકું અને સુવિધાયુક્ત મકાન બનાવવા માટે ખૂબ જ સહાયરૂપ નીવડી રહી છે. આ યોજનાના પરિણામે સમાજના નબળા વર્ગોને સામાજિક સુરક્ષા અને ગૌરવવંતું જીવન મળ્યું છે, જેના કારણે અનેક ઘરવિહોણા લાભાર્થીઓના પોતાના પાકા ઘરના વર્ષો જૂના સપનાઓ સાકાર થયા છે.

આ સાથે જ, પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોને રેસિડેન્શિયલ રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવવા પર સરકાર દ્વારા મોટી આર્થિક સબસિડી આપવામાં આવે છે. આ યોજના થકી લાભાર્થીઓને વિનામૂલ્યે વીજળી મળવા પાત્ર બને છે, જે નાગરિકોને મોંઘા વીજ બિલમાંથી કાયમી મુક્તિ અપાવીને આર્થિક રીતે સક્ષમ અને આત્મનિર્ભર બનાવી રહી છે. સાથે હરિત ઊર્જાના લક્ષ્યાંકો અને સપનાઓ સાકાર થઈ રહ્યા છે.

રાજ્યમંત્રીશ્રીએ અમરેલીની જાણીતી હરિ ઓમ ડેરી અને પ્લાન્ટની પણ મુલાકાત લીધી હતી અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર હેઠળ સરકારી લોન સહાયના લાભાર્થી અને ડેરીના માલિક શ્રી હરેશભાઈ બાંભરોલીયા અને તેમના પરિવાર સાથે પણ મુલાકાત કરી હતી અને તેમની સાથે સંવાદ સાધ્યો હતો. શ્રી હરેશભાઈએ જણાવ્યું કે, અમે નાનકડી એવી દુકાનથી ડેરીની શરૂઆત કરી હતી, અમને સરકાર દ્વારા રૂ. ૧.૫ કરોડની લોન સુવિધા મળતા અંદાજિત રૂ. ૩૭ લાભ જેટલી રકમની સબસિડીનો લાભ મળ્યો છે. તેમણે આ સરકારી સહાય બદલ વડાપ્રધાનશ્રીનો સાદર આભાર વ્યક્ત કર્યો હતો.

કેન્દ્ર સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ આજે દેશના છેવાડાના નાગરિકોના સામાજિક અને આર્થિક ઉત્થાનનું સશક્ત માધ્યમ બની છે. શિક્ષણ અને રોજગારલક્ષી સરકારી સહાય થકી યુવાનોને આત્મનિર્ભર બનાવીને સમાજમાં સમાનતા, સુરક્ષા અને ગૌરવભર્યા પરિવર્તનનો એક નવો યુગ શરૂ થયો છે.

Related Posts