fbpx
અમરેલી

અમરેલીના જેજાદ ગામના ખેડૂતનું મોડલ ફાર્મ એટલે પ્રાકૃતિક કૃષિની લેબોરેટરી

રાજ્યને આગામી ૦૫ વર્ષમાં ૧૦૦ ટકા પ્રાકૃતિક કૃષિ તરફ લઈ જવા માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મિશન મોડમાં પ્રયાસો થઈ રહ્યા છે.આ કડીમાં અમરેલી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો દિનપ્રતિદિન વ્યાપ વધી રહ્યો છે. કેટલાક ખેડૂતો વર્ષોથી પ્રાકૃતિક ખેતી સાથે જોડાઈ અને હવે અન્ય ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવાની પ્રેરણા આપી રહ્યા છે.અમરેલીના સાવરકુંડલા તાલુકાના જેજાદ ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી હરેશભાઈ દેગડાએ ૧૫ વીઘા જમીનમાં પ્રાકૃતિક કૃષિનું મોડલ ફાર્મ તૈયાર કર્યુ છે. શ્રી હરેશભાઇ પાકની વિવિધ પદ્ધતિઓ અને બિયારણના પ્રયોગ કરે છે,  સફળતા મળે તે પદ્ધતિ અને અન્ય વિગતોથી બીજા ખેડૂતોને પણ તે અનુસરવા માટે પ્રેરણા આપે છે. આમ, શ્રી હરેશભાઈનું રામદેવ ફાર્મ પ્રાકૃતિક કૃષિની એક પ્રકારની લેબોરેટરી તરીકે ઓળખાઇ રહ્યું છે.

આ અંગે પ્રગતિશીલ ખેડુત શ્રી હરેશભાઇ કહે છે કે, શ્રી સુભાષ પાલેકરના પ્રાકૃતિક કૃષિ અભિયાનથી પ્રેરણા મળી હતી અને મેં આશરે ૦૭ વર્ષ પહેલાં પ્રાકૃતિક કૃષિનો પ્રયોગ કર્યો હતો. ત્યારબાદ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અભિયાન દરમિયાન પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધતા આ અભિયાન વધુ તીવ્ર બન્યું હતું.હું ૧૫ વીઘા જમીનમાં કાળી શેરડી, શાકભાજી, ઘંઉ, બાજરો, કઠોળ, બાગાયત, મગફળી સહિતની પ્રાકૃતિક કૃષિ કરી રહ્યો છું. આ સમગ્ર વિસ્તારમાંપ્રાકૃતિક કૃષિથી કાળી શેરડીની શરુઆત મેં કરી હતી જેમાં આશરે ૨૫-૩૦ લાખ રુપિયા સુધીનું વળતર મળ્યું હતું.તેમણે ઉમેર્યુ કે, આ ઋતુમાં તાજેતરમાં જ મગફળીનું વેચાણ થયું છે. આ સાથે લાલ તુવેર, કાબુલી ચણા, લસણ, શેલમ હળદર વગેરે વાવી હતી. આગામી દિવસોમાં ઘંઉનું વાવેતર કરી અને મિશ્ર પાક તરીકે આવી રીતે જ અન્ય પાક તેમજ શાકભાજી, કઠોળ વાવશું.
 
પ્રાકૃતિક કૃષિના આધાર સ્થંભ એવા દેશી ગાય અને જીવામૃત વિશે તે જણાવે છે કે, મારી પાસે ૦૨ દેશી ગાય અને ૦૨ વાછરડી છે. આ ગૌ મૂત્રથી હું જીવામૃત તૈયાર કરું છું અને વિપૂલ પ્રમાણમાં સંગ્રહ કરી શકું છું. ડ્રીપ ઇરીગેશન અને પારંપારિક પિયત પદ્ધતિથી જીવામૃત પાક આપી અને સારું પરિણામ મેળવીએ છીએ. અમારા ફાર્મ પર ખેડૂતોને જીવામૃત, કીટનાશકો, ફૂગનાશકો અને પ્રાકૃતિક ખાતર તૈયાર કરવાનું જીવંત નિદર્શન પણ મળી રહે છે. આ સાથે આત્મા પ્રોજેક્ટના વિવિધ કાર્યક્રમોમાં હું ખેડૂતોને માર્ગદર્શન પણ આપું છું.ભણતર કરતાં પણ ગણતર મહત્વનું છે એમ માનતા કોઠાસૂઝ ધરાવતા શ્રી હરેશભાઈ જણાવે છે કે, ખેડૂતોને માર્ગદર્શન મળે તે માટે યુ-ટ્યૂબના માધ્યમથી વીડિયો મૂકું છું. એક પ્રકારે મારું ફાર્મ પ્રાકૃતિક કૃષિની લેબોરેટરી છે. તાજેતરના જ સોઇલ ટેસ્ટીંગના નમૂના મુજબ મારા ખેતરમાં રાસાયણિક ખેતી કરતા ખેડૂતોના ખેતર કરતાં કાર્બન અને નાઇટ્રોજન વધારે પ્રમાણમાં જોવા મળ્યું છે.રાસાયણિક ખાતરો અને દવાઓની વ્યાપક અસરથી ખેતીની મુક્ત કરી અને પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે ખેડૂતોને અમરેલીના આ ખેડૂત પ્રેરણા પૂરી પાડે છે.

Follow Me:

Related Posts