અમરેલી

નાવલીના કાંઠે અસ્તિત્વનો જંગ: રિવરફ્રન્ટના નામે ગરીબોના ‘પાલા’ પર પ્રશાસનનું ગ્રહણ

​નજર સામે ભલે આ શહેર 

આખું સ્માર્ટ થઈ જાય,

પરંતુ કોઈ ગરીબનો અહીંયા 

રોટલો ન જાય.

​બુઝાય ના કદી વર્ષો 

જૂની પરંપરાના દીવા,

રહે અકબંધ સૌના ઘરનો ચૂલો, 

માણસાઈના દીવા ન બૂઝાઈ. 

–“પાંધી સર”

રાજ્યભરમાં રિવરફ્રન્ટ અને સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ્સનો વેગ વધી રહ્યો છે, ત્યારે સાવરકુંડલાની ઐતિહાસિક ઓળખ સમાન ‘નાવલી’ નદીના કાંઠે એક ગંભીર સામાજિક અને આર્થિક સંકટ ઊભું થયું છે. વર્ષોથી પરંપરાગત રીતે વેપાર કરતા ‘પાલા’ ધારકો પર આજે વિસ્થાપિત થવાની તલવાર લટકી રહી છે. નામદાર અદાલતના નિર્ણય બાદ પ્રશાસન દ્વારા અપાયેલી બીજી નોટિસથી હજારો પરિવારોના ચૂલા ઓલવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.

​રિધ્ધિ-સિધ્ધિ ચોકથી રઝકાપીઠ સુધીના વિસ્તારમાં સૂચિત રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અત્યારે ભારે ચર્ચા અને વિવાદનો વિષય બન્યો છે. શહેરના વિકાસ માટે રિવરફ્રન્ટ આવકાર્ય છે, પરંતુ જે વિસ્તારમાં તેનું આયોજન થઈ રહ્યું છે, તેનાથી સ્થાનિક અર્થતંત્ર અને સેંકડો પરિવારોની રોજીરોટી છીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. આ પાલા હટાવવાથી અનેક પરિવારો રોજગારી વિહોણા થશે, જે તેમને શહેર છોડી અન્યત્ર સ્થળાંતર કરવા મજબૂર કરશે. સરકારના ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ના સૂત્ર સામે અહીં ગંભીર પ્રશ્નાર્થ ચિન્હો ઉભા થયા છે.

​બુદ્ધિજીવીઓના મતે, રિધ્ધિ-સિધ્ધિ ચોકથી રઝકાપીઠ સુધીનો વિસ્તાર રિવરફ્રન્ટ કરતાં કોમર્શિયલ હેતુ માટે વધુ પ્રસ્તુત છે. સાવરકુંડલા એક મર્યાદાશીલ અને પરંપરાગત મૂલ્યો ધરાવતું શહેર છે. સતત ચહલપહલવાળા વ્યાપારી વિસ્તારમાં રિવરફ્રન્ટનો મૂળ હેતુ સિદ્ધ થશે કે કેમ તે એક મોટો સવાલ છે. જાણકારોનું સૂચન છે કે તંત્રએ ફરીથી ફિઝિબિલિટી રિપોર્ટ કરાવી, રિવરફ્રન્ટના વિસ્તારને શહેરના ‘ઉપલે કાંઠે’ વિસ્તરિત કરવા અંગે વિચારણા કરવી જોઈએ, જેથી મુખ્ય વ્યાપારી કેન્દ્રને નુકસાન ન પહોંચે.

​ઉલ્લેખનીય છે કે, રાજવી કાળમાં નેક નામદાર મહારાજા સ્વ. કૃષ્ણકુમારસિંહજીએ પ્રજાના ‘રોટલા અને ઓટલા’ની રક્ષા માટે આ પાલા ધારકોને મંજૂરી આપી હતી. અમુક ધારક પાસે મહારાજા દ્વારા અપાયેલ ‘તાંબા પત્ર’ જેવા દસ્તાવેજો પણ હોવાનું મનાય છે. ભૂતકાળમાં સ્વ. નવીનચંદ્ર રવાણી જેવા નેતાઓએ જેમના હિતોનું રક્ષણ કર્યું હતું, આજે તે વેપારીઓ ‘ઈધર ખાઈ ઉધર કુવા’ જેવી સ્થિતિમાં મુકાયા છે.

​આ સંદર્ભે ​ગત રવિવારે સાવરકુંડલામાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં પાલા ધારકોએ જ્ઞાતિ અને સમાજના અગ્રણીઓ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી. સર્વાનુમતે તંત્રને જાહેર અપીલ કરવામાં આવી હતી કે શહેરની શોભા વધે તેની સામે વાંધો નથી, પરંતુ તે કોઈના મોઢાનો કોળિયો છીનવીને ન થવું જોઈએ. વધુમાં જણાવવાનું કે આ પાલા ધારકો છેલ્લા ત્રણ કે ચાર પેઢીથી અહીં વ્યવસાય કરીને પેટિયું રળે છે. ટાઢ, આકરો તડકો, ચોમાસા દરમિયાન નદીના પાણીના ભય સાથે પોતાના પરિવારને હસતો ખેલતો રાખવા અહીં સંઘર્ષ કરે છે. આ પાલા ધારકો કોઈ કરોડ પતિ ધનવાનો નથી સાવરકુંડલાને સજીવન રાખનારા એક આમ ઇન્સાન છે. વળી આ રોજગાર છીનવાતાં અનેક પરિવારો માટે ભરણપોષણની સમસ્યા પણ ઉપસ્થિત થશે. અને પછી મનેકમને સાવરકુંડલા શહેર છોડી રોજીરોટીની તલાશમાં અન્ય શહેરમાં હિજરત કરવા મજબૂર થશે. પરિણામે સાવરકુંડલાની એક નદી બઝાર કે જેની ઓળખ જ પાલા બઝાર તરીકે છે એની રોનક સંપૂર્ણ ઝાંખી પડશે..આ માનવીય પાસું પણ વિચારણા માંગી લે તેવું લાગે છે. જો કે આ હિજરત અને એ પણ રોજગારીની તલાશમાં આ પરિસ્થિતિનું દર્દ તો જેના પર વિતી હોય તે જ સમજી શકે.. આ સમજવા માટે પણ સંવેદનશીલ હૈયું તો જોઈએ’ને? સાવરકુંડલા આસપાસના ૮૦ જેટલા  ગામડાઓનું વ્યાપારી હાર્દ છે અને આ પાલા સામાજિક એકતાનું પ્રતીક છે. તંત્રએ લીઝ અને જમીન સંબંધિત ગૂંચવણોનો માનવીય અભિગમ સાથે સકારાત્મક ઉકેલ લાવવો જોઈએ.

Related Posts