અમરેલી

જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

અમરેલી જિલ્લા  કલેકટરશ્રી, વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાની માર્ગ સલામતીની વિવિધ કામગીરી બાબતે વિસ્તૃત સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.

બેઠકમાં સ્પીડ લિમિટ, નિયમ મુજબનાં સાઇનેઝ બોર્ડ લગાવવા, વૃક્ષનું યોગ્ય સમયે ટ્રીમીંગ કરાવવું, સ્પીડ બ્રેકર, રમ્બલ સ્ટ્રીપ, શેવરોન બોર્ડ, કેટ આઈઝ વગેરેનો ઉપયોગ કરી રોડ અકસ્માત ઘટાડવા રોડ એન્જિનીયરીંગને લગત પગલાં લેવા બાબતે સંબંધિત અધિકારીશ્રીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

કલેક્ટરશ્રી દ્વારા આ બેઠકમાં જિલ્લાના માર્ગોને સુરક્ષિત બનાવવાની વિવિધ પહેલો અંતર્ગત અકસ્માતો નિવારવા ટ્રેકટરની ટ્રોલીમાં કાયમી રીફ્લેક્ટર લગાડવા માટે દિશાનિર્દેશ આપ્યો હતો. તેમણે જિલ્લાના વિવિધ પ્રાંત અધિકારીશ્રીઓને તેમના વિસ્તારમાં આવેલા ટ્રેક્ટરની ટ્રોલીના ઉત્પાદકોને નવી બનતી ટ્રોલીમાં આ અંગે લેખિત સૂચના આપતી જાણ કરી અને નિયમોનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.

દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શનમાં ગતમાસમાં એ.આર.ટી.ઓ દ્વારા જિલ્લાના વિવિધ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે આવતા કૃષિ લક્ષી વાહનોમાં રેડિયમ રીફ્લેક્ટર લગાડવાની કામગીરી કરવામાં આવી હતી.

એ.એસ.પી.શ્રી જયવીર ગઢવીએ ખાંભાચલાલા હાઇવે પર અકસ્માત સંભવિત ક્ષેત્રોમાં વધારે સાઇન બોર્ડ, શેવરોન બોર્ડ લગડવાનું સૂચન કર્યુ હતું. જેના પગલે કલેક્ટરશ્રીએ આ દિશામાં અકસ્માત સંભવિત ક્ષેત્રો અને અન્ય ભયજનક વળાંકો ઓળખી અને ત્યાં માર્ગ સલામતીને લગતા બોર્ડ મૂકવા માટે સૂચના આપી હતી.

અમરેલી નગરપાલિકાને સાવરકુંડલા બાયપાસ ચોકડથી ગુરૂદત્ત પેટ્રોલ પંપ સુધીના માર્ગે શહેરની હદમાંથી પસાર થતા વ્યસ્ત માર્ગ પર  સ્ટ્રીટલાઇટ નિયમિત રીતે કાર્યરત રહે તે સુનિશ્ચિત કરવા માટે સૂચના આપવામાં આવી હતી.

 જિલ્લાના માર્ગોને વધુ સુરક્ષિત બનાવવા માટે સતત અપેટ્રોલિંગ અને માર્ગ સલામતીને લગતા કાયદાઓનું પાલન કરાવવા માટે જિલ્લા કલેક્ટરશ્રીએ દિશાનિર્દેશો આપ્યા હતા.

અમરેલી જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી દિલિપસિંહ ગોહિલ,   પ્રાંત અધિકારીશ્રી લાઠી બ્રહ્મભટ્ટ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી ગોરડિયા,  માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી ઢોલાવાલા, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી પંચાયત, આરોગ્ય, ઇમર્જન્સી સેવા ૧૦૮, નેશનલ હાઇવે, શિક્ષણ, જીએસઆરટીસી સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts