અમરેલી

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓ બહેનોએ ૩૧ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવા અનુરોધ

રાજ્ય સરકાર દ્વારા અમલી ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’ હેઠળ રાજ્યની વિધવા બહેનોને દર મહિને રૂ.૧,૨૫૦ ની સહાય રકમ સીધી તેમના ખાતામાં જમા કરવામાં આવે છે. આ યોજનાના નિયમો અનુસાર, સહાય મેળવતા દરેક લાભાર્થી બહેનો હયાત છે કે નહીં તેની દર વર્ષે ચકાસણી કરવામાં આવે છે.

આ પ્રક્રિયાના ભાગરૂપે, ચાલુ વર્ષે પણ તમામ લાભાર્થી બહેનોએ પોતાની હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત છે. યોજનાનો લાભ લેતા તમામ બહેનોએ ૩૧ જુલાઈ, ૨૦૨૬ સુધી હયાતીની ખરાઈ કરાવવાની રહેશે.

આ વર્ષે હયાતીની ખરાઈ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગે સત્યાપન નામની મોબાઈલ એપ્લિકેશનો ઉપયોગ શરૂ કર્યો છે. લાભાર્થીએ પોતાના તાલુકાની મામલતદાર કચેરીમાં બેસતા કોમ્યુટર ઓપરેટર પાસે જવાનું રહેશે. આ ઉપરાંત અમરેલી જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતેથી પણ હયાતીની ખરાઈ કરાવી શકાશે.

ખરાઈ કરવવા માટે મહિલાઓએ આધારકાર્ડની નકલ રાખવાની રહેશે અને તેના પર પોતાનો મોબાઈલ નંબર લખવાનો રહેશે. આ સાથે જ લાભાર્થી મહિલાઓએ પૂન: વિવાહ નથી કર્યા તેવો દાખલો રજૂ કરવાનો રહેશે. વધુ માહિતી માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી, બ્લોક-એ, બીજો માળ, રૂમ નં. ૨૦૬-૨૦૯, જિલ્લા સેવા સદન-૨ અમરેલી ખાતે કચેરીનો સંપર્ક કરવાનો રહેશે તેમ અમરેલી જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts