કેન્દ્ર સરકારના વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના સફળ વર્ષની ઉજવણીના ભાગરૂપે આજરોજ અમરેલી નગરપાલિકા દ્વારા “સ્વચ્છ ગુજરાત-પ્લાસ્ટિક મુક્ત ગુજરાત અભિયાન” અંતર્ગત એક વિશાળ સફાઈ ઝુંબેશ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો પ્રારંભ અમરેલીના લોકપ્રિય ધારાસભ્ય અને રાજ્યના કાયદો, ન્યાય, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના વરદહસ્તે સવારે ૦૭:૦૦ કલાકે શીતલ આઈસ્ક્રીમ સામે, મોટા બસ સ્ટેન્ડ વિસ્તાર ખાતે કરવામાં આવ્યો હતો.
“સ્વચ્છતા અભિયાન” અંતર્ગત અમરેલી એસ.ટી. બસ સ્ટેશન વિસ્તાર, જાહેર મુખ્ય રોડ-રસ્તાઓ તેમજ વિવિધ સોસાયટીઓની ગલીઓ સહિતના સાર્વજનિક સ્થળો પર સઘન સાફ-સફાઈ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત, શહેરમાં સ્થાપિત વિવિધ મહાનુભાવોની પ્રતિમાઓની પણ આદરપૂર્વક સફાઈ કરીને પર્યાવરણને સુંદર બનાવવાની પ્રવૃત્તિઓ ઉત્સાહભેર યોજાઈ હતી.
ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ પોતે હાથમાં ઝાડુ લઈ ઉત્સાહપૂર્વક શ્રમદાન કર્યું હતું અને જિલ્લાના સૌ નાગરિકોને સ્વચ્છતા અભિયાનમાં જોડાવા માટે પ્રેરણા પૂરી પાડી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘સ્વચ્છતા એ આપણી સામૂહિક જવાબદારી છે અને આવનારી પેઢીના સારા ભવિષ્ય માટે દરેક નાગરિકે “સ્વચ્છતા હી સેવા” અભિયાનમાં સક્રિયપણે જોડાવા આગળ આવવું જોઈએ.’
આ તકે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના હોદ્દેદારો તેમજ સ્થાનિક અગ્રણીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌ લોકપ્રતિનિધિઓએ સાથે મળીને શ્રમદાન કરી સમગ્ર જિલ્લામાં સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણનો સકારાત્મક સંદેશ પ્રસરાવ્યો હતો
















Recent Comments