ગુજરાત

નાગરિક સંરક્ષણ તાલીમ શાળા (CDTS), અમદાવાદ દ્વારા સિવિલ ડિફેન્સ સુરતના વોર્ડન તથા સ્વયંસેવકો માટે પાંચ દિવસીય તાલીમ યોજાય

સુરત નાગરિક સંરક્ષણ તાલીમ શાળા (CDTS), અમદાવાદ દ્વારા સિવિલ ડિફેન્સ, સુરતના વોર્ડન તથા સ્વયંસેવકો માટે પાંચ દિવસીય “Capacity Building (ક્ષમતા નિર્માણ)” તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય પ્રોદ્યોગિકી સંસ્થાન (SVNIT), સુરતના સેમિનાર હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં કુલ ૩૦૦ તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ તાલીમ કાર્યક્રમ સિવિલ ડિફેન્સ સુરતના અનુભવી માસ્ટર ટ્રેનર્સ તથા નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) દ્વારા પ્રશિક્ષિત ટ્રેનર્સ ઓફ ટ્રેનર્સ (ToT) દ્વારા આપવામાં આવ્યો હતો. પાંચ દિવસ સુધી ચાલેલી આ વ્યાપક તાલીમ દરમિયાન માનવસર્જિત તેમજ કુદરતી આપત્તિ અને કટોકટીની પરિસ્થિતિઓમાં નાગરિકોની સલામતી અને બચાવ માટે જરૂરી વિવિધ મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

તાલીમમાં ખાસ કરીને સર્ચ અને રેસ્ક્યુ કામગીરી, ફાયર ફાઇટિંગ ટેકનિક્સ, પ્રાથમિક સારવાર (First Aid), દોરડા અને ગાંઠોના વિવિધ પ્રકારો તેમજ સિવિલ ડિફેન્સની ભૂમિકા અને જવાબદારીઓ અંગે વિસ્તૃત માહિતી અને પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ દ્વારા તાલીમાર્થીઓમાં આપત્તિ સમયે ઝડપી પ્રતિસાદ આપવાની ક્ષમતા, આત્મવિશ્વાસ અને ટીમ વર્કના ગુણોનો વિકાસ થયો છે, જે ભવિષ્યમાં નાગરિક સુરક્ષા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

Related Posts