• ભાવનગર લઠ્ઠાકાંડની હાઈકોર્ટના સિટિંગ જજના નેતૃત્વમાં SIT તપાસ કરાવવામાં આવે : અમિત ચાવડા
• ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર, ભાજપ સરકારની હપ્તાખોરીના કારણે ગુજરાતમાં દારૂ-ડ્રગ્સની રેલમછેલ:
અમિત ચાવડા
• તમે માત્ર ખેલ મંત્રી નહીં, ગૃહમંત્રી પણ છો; કાયદો વ્યવસ્થા અને દારૂબંધીની નિષ્ફળતા બદલ તાત્કાલિક રાજીનામું આપો: અમિત ચાવડા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ આજે રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાત વર્ષોથી શાંતિપ્રિય ગુજરાત તરીકે સમગ્ર દેશમાં ઓળખાય છે અને ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કાયદાએ પણ આ શાંતિ જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિન સરકારની હપ્તાખોરીની નીતિના કારણે આજે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર રહી ગયો છે. રોજ જાહેરમાં દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડતા બનાવો સામે આવી રહ્યા છે અને ગુજરાતની જનતા તેનો ભોગ બની રહી છે.
ભાજપ સરકારની હપ્તાખોરીના કારણે ગુજરાતની સરહદો પરથી ટ્રકો અને કન્ટેનરો ભરીને દારૂ ગુજરાતમાં ઠલવાય છે અને રાજ્યની ગલીએ-ગલીએ દારૂની રેલમછેલ જોવા મળે છે. નાની ઉંમરે યુવાનો દારૂ અને ડ્રગ્સના નશામાં સપડાઈને પોતાનું જીવન બરબાદ કરી રહ્યા છે, અનેક પરિવારો બરબાદ થઈ રહ્યા છે અને આપણી બહેન-દીકરીઓ નાની ઉંમરે વિધવા થઈ રહી છે. દારૂ અને ડ્રગ્સની બદીના કારણે જાણે ગુજરાત ‘ઉડતા ગુજરાત’ બની ગયું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આજે સામાન્ય લોકોમાં પણ સવાલ છે કે ગુજરાતમાં દારૂ આટલી મોટી માત્રામાં આવે છે અને વેચાય છે કેમ? કારણ કે બૂટલેગરો દારૂ અને ડ્રગ્સનો હપ્તો પોલીસ સ્ટેશનથી શરૂ કરીને મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના કાર્યાલય સુધી પહોંચાડે છે અને તેથી જ તેઓ કોઈનો વાળ વાંકો ન કરી શકે તેવી જાહેરમાં શેખી મારતા હોય છે.
આ હપ્તાખોર સરકારના શાસનમાં દારૂ વેચાય છે, દારૂ પીવાય છે અને વારંવાર લઠ્ઠાકાંડ પણ થાય છે. સરકારની ગુનાહિત બેદરકારીના કારણે લઠ્ઠાકાંડમાં અનેક નિર્દોષ લોકોના મોત થાય છે. આ હત્યાકાંડ માટે પણ રાજ્ય સરકાર જવાબદાર છે. ભાવનગરનો હાલનો દુઃખદ બનાવ કોઈ પહેલો બનાવ નથી. ભાજપના શાસનમાં વર્ષોથી લઠ્ઠાકાંડની ઘટનાઓ બની રહી છે. વર્ષ 2009માં અમદાવાદમાં લઠ્ઠાકાંડમાં 140થી વધુ લોકોનાં મોત થયા હતા અને આશરે 200 લોકોની આંખોની રોશની જતી રહી હતી. વર્ષ 2016માં સુરતમાં લઠ્ઠાકાંડમાં 16થી વધુ લોકોનાં મોત થયા હતા. વર્ષ 2022માં અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર અને બોટાદમાં બનેલા લઠ્ઠાકાંડમાં 50 લોકોનાં મોત થયા હતા. વર્ષ 2024માં ગાંધીનગરના દેહગામમાં બનેલા લઠ્ઠાકાંડમાં બે લોકોનાં મોત થયા હતા અને અનેક લોકો અસરગ્રસ્ત થયા હતા. વર્ષ 2025માં ખેડાના નડિયાદમાં લઠ્ઠાકાંડમાં ત્રણ લોકોનાં મોત થયા હતા અને અનેક લોકો અસરગ્રસ્ત થયા હતા.
વર્ષોથી આવી ઘટનાઓ બનતી હોવા છતાં સરકાર કાયમી ઉકેલ લાવવામાં નિષ્ફળ રહી છે. આ પરંપરા પાછળનું મુખ્ય કારણ ભાજપ સરકારમાં વ્યાપેલો ભ્રષ્ટાચાર અને હપ્તાખોરી છે. જો સરકાર દારૂ અને ડ્રગ્સમાંથી હપ્તા લેવાનું બંધ કરીને દારૂબંધીના કાયદાનો ઈમાનદારીપૂર્વક અમલ કરાવે તો ગુજરાતમાં એક ટીપું પણ દારૂ ન મળે તેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. પરંતુ પૈસા કમાવાની લાલસા અને હપ્તાખોરીના કારણે સરકાર દારૂના ગેરકાયદેસર નેટવર્ક સામે કડક કાર્યવાહી કરતી નથી.
ભાવનગર જિલ્લાના કરકડી ગામે બનેલા તાજેતરના લઠ્ઠાકાંડ અંગે પોલીસની FIRમાં ઝેરી કેમિકલયુક્ત લઠ્ઠાના કારણે લોકોનાં મોત થયાની વિગતો નોંધવામાં આવી છે. આ બનાવમાં આશરે છ લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે અને અનેક લોકો હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. FIRમાં નોંધાયેલી વિગતો મુજબ ડુપ્લિકેટ દારૂ બનાવવા માટે મિથેનોલ અમદાવાદના સરખેજથી ટ્રાન્સપોર્ટ મારફતે ભાવનગર સુધી લઈ જવામાં આવ્યું હતું. વધુ ગંભીર બાબત એ છે કે આ ડુપ્લિકેટ દારૂ બનાવનારા આરોપીઓએ અગાઉ પણ બે વખત આ રીતે ડુપ્લિકેટ દારૂ બનાવીને વેચ્યો હોવાનું FIRમાં નોંધાયું છે.
FIRમાં જો આટલી પેટી દારૂ લાવવામાં આવ્યો હતો, આટલો દારૂ બનાવવામાં આવ્યો હતો, મટીરીયલ ક્યાંથી આવ્યું હતું, ક્યાં સ્ટોરેજ થયું હતું અને ક્યાં સપ્લાય કરવામાં આવ્યું હતું તેની વિગતો પોલીસને બનાવ બન્યા બાદ અને લોકોનાં મોત થયા બાદ જ કેમ મળે છે? આ તમામ બાબતોની અગાઉથી પોલીસને જાણ કેમ ન થઈ? હપ્તો લેવાની લાલસાના કારણે આ સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિને પહેલાં કેમ રોકવામાં આવી નહીં? લોકોનાં મોત થયા બાદ જ પોલીસ કાર્યવાહીના નામે તમામ વિગતો સામે આવે છે તે અત્યંત ગંભીર બાબત છે.
ગુજરાતની જનતાનો સવાલ છે કે દારૂબંધીનો કાયદો શેના માટે છે? સરહદો પરથી કન્ટેનરો ભરીને દારૂ ગુજરાતમાં આવે છે તો તેના માટે કોણ જવાબદાર છે? કોઈ વિસ્તારમાં દારૂ વેચાય અને લઠ્ઠાકાંડ થાય ત્યારે માત્ર જે તે પોલીસ સ્ટેશનના અધિકારીઓને જ જવાબદાર ઠેરવીને સરકાર પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં. SPની જવાબદારી કેમ નક્કી થતી નથી? રેન્જ IGની જવાબદારી કેમ નક્કી થતી નથી? DGPની જવાબદારી કેમ નક્કી થતી નથી? રાજ્યના ગૃહમંત્રી ગુજરાતની જનતા સમક્ષ આવીને જવાબદારી કેમ સ્વીકારતા નથી? મુખ્યમંત્રી કેમ દિલગીરી વ્યક્ત કરીને એ સ્વીકારતા નથી કે તેમની સરકાર દારૂબંધીના કાયદાનો અમલ કરવામાં નિષ્ફળ રહી છે અને તેના કારણે નિર્દોષ લોકોનાં જીવ ગયા છે?
રાજ્યના ગૃહમંત્રીની મૂળભૂત જવાબદારી ગુજરાતની જનતાની સલામતી, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની અને દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવાની છે. પરંતુ ગૃહમંત્રી ક્યાંક ગરબા રમતા, ક્યાંક રીલ્સ બનાવતા કે અન્ય કાર્યક્રમોમાં વ્યસ્ત જોવા મળે છે, જ્યારે ગુજરાતમાં લઠ્ઠાકાંડમાં લોકોનાં મોત થઈ રહ્યાં છે. ગૃહમંત્રીએ પોતાની મૂળભૂત જવાબદારી નિભાવવાની જરૂર છે. તેથી કોંગ્રેસ પક્ષની સ્પષ્ટ માગ છે કે ગૃહમંત્રી ગુજરાતની જનતા સમક્ષ આવે, પોતાની જવાબદારી સ્વીકારે અને જો થોડી પણ નૈતિકતા હોય તો તાત્કાલિક રાજીનામું આપે.
કોંગ્રેસ પક્ષની બીજી મુખ્ય માગણી અંગે ભાવનગર લઠ્ઠાકાંડની સમગ્ર ઘટનાની હાઈકોર્ટના સિટિંગ જજના નેતૃત્વમાં SIT બનાવીને નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે. આ કોઈ પ્રથમ બનાવ નથી, પરંતુ વારંવાર આવા બનાવો બની રહ્યા છે અને નિર્દોષ લોકોનાં જીવ જઈ રહ્યા છે. તેથી માત્ર નાના આરોપીઓની ધરપકડ કરીને સમગ્ર પ્રકરણનો અંત લાવી શકાય નહીં. દારૂ બનાવનારાઓથી લઈને સપ્લાય કરનારાઓ, મિથેનોલ પહોંચાડનારાઓ, ગેરકાયદેસર નેટવર્ક અને તેની સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહેલા પોલીસ તથા વહીવટી તંત્રની ભૂમિકા સહિત સમગ્ર કડીની તપાસ થવી જોઈએ.
ભાવનગરમાં બનેલા લઠ્ઠાકાંડની હકીકત જાણવા, અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા અને સમગ્ર પ્રકરણની જાત તપાસ કરવા માટે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ કે જેમાં પ્રદેશ કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્યશ્રી જીગ્નેશ મેવાણી, પૂર્વ ધારાસભ્યશ્રી રાજેશભાઈ ગોહિલ, પ્રદેશ ઉપપ્રમુખ ડૉ. હેમાંગભાઈ વસાવડા, પ્રદેશના મહામંત્રીશ્રી હરિભાઈ ભરવાડ અને શ્રી વિરેન્દ્રસિંહ વાઘેલા (અજીતસિંહ), ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી મનોહરસિંહ ગોહિલ, ભાવનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી પ્રવિણભાઈ રાઠોડ આવતીકાલે ભાવનગરની મુલાકાત લેશે. પ્રતિનિધિમંડળ સમગ્ર ઘટનાની હકીકત, જવાબદાર લોકો અને તંત્રની ભૂમિકા અંગે માહિતી મેળવી વિગતવાર રિપોર્ટ તૈયાર કરશે અને આવનારા વિધાનસભા સત્રમાં આ મુદ્દે સરકારને જવાબદાર ઠેરવીને ચર્ચા કરવામાં આવશે. સાથે જ ગુજરાતની જનતાના હિતમાં ગૃહમંત્રીના રાજીનામાની માગણી પણ વિધાનસભામાં ઉઠાવવામાં આવશે.
રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પત્રકાર વાર્તામાં પ્રદેશ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, કોકન્વીનર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલ, પ્રવક્તા ડૉ. હિરેન બેંકર, ડૉ. અમિત નાયક હાજર રહ્યાં હતાં.


















Recent Comments